પતિ યોગીરાજસિંહે વર્ષાબાને દુ:ખ-ત્રાસ આપી મરવા મજબુર કર્યા’તા : પિતાએ જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

17 May 2021 04:58 PM
Rajkot Crime
  • પતિ યોગીરાજસિંહે વર્ષાબાને દુ:ખ-ત્રાસ આપી મરવા
મજબુર કર્યા’તા : પિતાએ જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં ગત તા.13ના રોજ છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં કેરોસીન છાંટી વર્ષાબા સરવૈયાએ આપઘાત કરેલો, જેમાં પતિ યોગીરાજસિંહ અને પુત્ર પૂર્વરાજસિંહ તેમજ પુત્રી કૃતિકાબા પણ દાઝી ગયેલા, ગોંડલના રહેવાસી વિક્રમસિંહ જાડેજાની ફરિયાદ પરથી પ્રદ્યુમનનગર પોલીસે આપઘાત માટે ફરજ પડાઈ હોવાનો ગુનો દાખલ કર્યો:પતિ કરિયાવર બાબતે ઝઘડો કરી મારકુટ કરતો, પિયરેથી રૂપિયા લાવવા દબાણ કરાતું હોવાનો મૃતકના પિતાનો આક્ષેપ

રાજકોટ, તા.17
રાજકોટમાં ગત તા.13ના રોજ રેલનગર ખાતે આવેલી શિવાજી ટાઉનશીપ ખાતે સાંજે છએક વાગ્યા આસપાસ વર્ષાબા સરવૈયા(ઉ.વ.31) નામના પરિણીતાએ પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કર્યો હતો. બનાવ વખતે ફ્લેટમાં રહેલા તેમના પતિ યોગીરાજસિંહ અને પુત્ર પૂર્વરાજ અને પુત્રી કૃતિકા પણ દાઝી ગયા હતા. આ બનાવ અંગે મૃતકના પિતા વિક્રમસિંહ પરબતસિંહ જાડેજા (ઉ.વ. 62, રહે. મહાકાળી નગર શેરી નં.2, બ્લોક નં. 25, ઉભાળા ચોકડી પાસે, ગોડલ)એ પતિ યોગીરાજસિંહે તેમના દીકરી વર્ષાબાને દુ:ખ-ત્રાસ આપી મરવા મજબુર કર્યા હોવા અંગે જમાઈ વિરુદ્ધ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


વિક્રમસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું નિવૃત જીવન ગુજારું છું અને મારી પત્નીનું નામ છાયાબા છે મારે સંતાનમાં બે દિકરી, એક દિકરો છે જેમાં સૌથી નાનો દિકરો ઓમદેવસિંહ જે ગોડલ યાર્ડમાં છૂટક મજુરી કામ કરે છે, તેનાથી મોટી દિકરી નિશાબા છે જેમના લગ્ન ભાવનગરમાં કાળીયાર બીટમાં રહેતા હરવિજયસિંહ ચુડાસમા સાથે થયેલા છે, અને તેનાથી મોટી દિકરી વર્ષાબાના લગ્ન આજથી આશરે નવેક વર્ષો પહેલા રાજકોટમાં રહેતા યોગીરાજસિંહ જયવંતસિંહ સરવૈયા સાથે અમારી જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયેલા, અને આ લગ્નના સમયગાળા દરમ્યાન તેમને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે જેમાં સૌથી મોટી દિકરી હેમાન્દ્રી બા (ઉ.વ. આશરે 7) તથા તેનાથી નાની દિકરી કૃતિકાબા (ઉ.વ. આશરે 5) તથા તેનાથી નાનો દિકરો પૂર્વરાજસિંહ (ઉ.વ. આશરે દોઢ વર્ષે)નો છે. આ મારા જમાઈ હાલમાં સિક્યુરિટીમાં નોકરી કરે છે. મારી દીકરીના લગ્ન બાદ આશરે એક દોઢ વર્ષેથી તેના સાસરીયાથી અલગ રહે છે. મારી દિકરીના સાસુ રંજનબા તથા દિયર બલભદ્રસિંહ છે.


વધુમાં જણાવ્યું કે, ગત તા- 13/05/2021 ના રોજ રાત્રીના આશરે આઠેક વગ્યાની આસપાસ હું મારા ઘરે હાજર હતો ત્યારે મારા સગા નાના ભાઈ લખધીરસિંહ કે જે મારી બાજુમાં રહે છે તેઓ મારી પાસે આવેલા અને મને વાત કરેલ કે, વર્ષાબા દાઝી ગયા છે અને આપણે રાજકોટ જવાનું છે. જેથી હું તથા મારી પત્ની તથા મારા નાના ભાઈ ઘરના બીજા સગા વહાલા સાથે રાજકોટ સરકારી હોસ્પિટલે આવેલા અને ત્યાં મારી દિકરી ના સગા વહાલા તથા મારા કાકાના દિકરા હરપાલસિંહ ઉમેદસિંહ વિગેરે હાજર હતા, તેઓએ વાત કરેલ કે, વર્ષાબા ઘરે હાજર હતા ત્યારે સાજના આશરે છએક વાગ્યે પોતાના શરીર કેરોસીન છાંટી આગ લગાવી લીધી હોવાથી દાઝી ગયા બાદ તેમનું મૃત્યુ થયું છે. આ બનાવમાં તેની દિકરી કૃતિકાબા તથા દિકરો પૂર્વરાજસિંહ અને જમાઈ યોગીરાજસિંહ દાઝી ગયા છે,

તેમ વાત કરેલી અને મારી દિકરીનો મૃતદેહ રાજકોટ સરકારી હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે રાખેલ છે. મારા જમાઈ તથા તેમની દિકરી કૃતિકાબા તથા દિકરો પૂર્વરાજસિંહ પણ શરીરે દાઝી જતા તેમને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કર્યા હતા. આ મારી દિકરી વર્ષાબા ના લગ્ન જીવન દરમ્યાન બંન્ને પતિ પત્નીને આશરે એક દોઢ વર્ષે તેમનું ઘ2સંસાર સારી રીતે ચાલ્યું અને બાદમાં જયારે જયારે અમારા ઘરે મારી દિકરી વર્ષાબા આવતી હતી ત્યારે વાત કરતી કે મારા પતિ યોગીરાજસિંહ અવાર નવાર દારૂ પી મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે, કોઇ કામ ધંધો બરાબર કરતા નથી

તેમ વાત કરતા અમે અમારી દિકરીને સમજાવતા કે કાલ સવારે સારાવાના થઈ જશે. અમે યોગીરાજસિંહને સમજાવીશુ. મારી દિકરીને અમે તેનું ઘર ચલાવવા માટે અવાર નવાર રૂપિયા તથા ઘરવખરીની સામાન લઈ આપતા. બીજીતરફ અમારા જમાઈ યોગીરાજસિંહ અવાર નવાર રૂપીયા લઈ આવવા માટે દીકરી પર દબાણ કરતા. અને કહેતો કે તારા મા-બાપે પુરતો કરીયાવર આપ્યો નથી. અમે દિકરીના ઘરે રાજકોટ આવતા ત્યારે યોગીરાજસિંહને અવાર નવાર સમજાવવા છતા મારી દિકરીને તેઓ સતત દુ:ખ ત્રાસ દેવાનું ચાલુ રાખ્યું હતું. જેથી આ મારી દિકરીએ કંટાળી મરી જવું પડે તેવા સંજોગો ઉભા કરતા તેણીએ જાત જલાવી આપઘાત કરવો પડ્યો છે.


પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદના આધારે યોગીરાજસિંહ વિરુદ્ધ આઈપીસી કલમ 306, 498(ક), 323, અને 1961ની દહેજ પ્રથા ધારાની કલમ 3,4 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ બી.વી. બોરીસાગરે હાથ ધરી છે. આરોપી પતિ યોગીરાજસિંહ હાલ દાઝી ગયા હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. તેમને ડિસ્ચાર્જ કરાયા બાદ પોલીસ ધરપકડની કાર્યવાહી કરી શકે છે.


Related News

Loading...
Advertisement