લગ્ન પ્રસંગમાં બેન્ડવાજાના શોર વચ્ચે 13 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ

29 May 2021 05:58 PM
Vadodara Crime Gujarat
  • લગ્ન પ્રસંગમાં બેન્ડવાજાના શોર વચ્ચે 13 વર્ષની સગીરા પર સામુહિક દુષ્કર્મ

વડોદરાના ડેસર પંથકની ઘટના : આરોપીઓ બેન્ડવાજાના ઘોંઘાટનો લાભ લઇ ધો.8માં ભણતી તરૂણીને જાળીઓમાં ઢસડી ગયા અને શિયળ લૂંટયું : ત્રણમાંથી એક યુવક ઝડપાયો, અન્યોની શોધખોળ

વડોદરા, તા.29
વડોદરાના ડેસર પંથકની હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી છે જે મુજબ એક તરફ લગ્ન પ્રસંગની શરણાઈ વાગતી હતી અને બીજી તરફ નરાધમોની હવસનો શિકાર બનેલી 13 વર્ષીય તરૂણી ચીસો પાડી રહી હતી જોકે, શરણાઈ અને બેન્ડવાજાના ઘોંઘાટ વચ્ચે પીડિતાની ચીસો દબાઈ ગઈ હતી અને હવસખોરોએ તરૂણીને જાળીઓમાં ઢસડી જઈ શિયળ લૂંટયું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુરુવારે રાત્રે વડોદરાના ડેસર તાલુકાના એક નાના ગામમાં લગ્નની શરણાઈઓ ગુંજી રહી હતી. આ લગ્નની જાનમાં આઠમું ધોરણ ભણતી તરૂણી પણ સામેલ હતી. લગ્નનો ઉમંગ - ઉત્સાહ છવાયો હતો. આ લગ્નની જાન એક મંદિર ખાતે પૂજા માટે રોકાઈ હતી. જાનૈયા બેન્ડવાજાના સૂરમાં લીન હતા. ત્યારે જ ગામમાં રહેતો ચિરાગ માછી નામનો યુવક તરુણી પાસે આવ્યો અને બાળકીને ઉઠાવીને નજીકની જાળીઓમાં ઘસેડીને લઈ ગયો હતો.

જાળીઓમાં ભૂપેન્દ્ર માછી અને પરેશ માછી નામના અન્ય બે યુવકો પણ હાજર હતા. ત્રણેય નરાધમોએ વારાફરતી તરૂણીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ સમયે મંદિરની બહાર વાગી રહેલા બેંડવાજાના શોરગૂલમાં માસૂમ તરૂણીની ચીસો દબાઈ ગઈ હતી. જ્યારે નરાધમો પોતાની હવસ સંતોષી રહ્યાં હતા, ત્યારે કેટલાક બાળકોએ જાળીઓમાં હલચલ જોતા બૂમો પાડીને લોકોને એકઠા કરી લીધા. જેથી ડરના માર્યા ત્રણેય આરોપીઓ તરૂણીને ત્યાંજ છોડીને ફરાર થઈ ગયા હતા.

જોકે ગ્રામજનોએ ત્રણેય લોકોને ઓળખી લીધા હતા, પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જે બાદ તરૂણીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસને જાણ થતાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરીને એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ હાથ ન લાગતા તેની શોધખોળ શરૂ કરાઇ છે. આ બનાવના પગલે લગ્નનો ઉત્સાહ ઓસરી ગયો હતો અને નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ હતી.


Related News

Loading...
Advertisement