બોગસ RT-PCRનું કૌભાંડ : વડોદરાનો ટ્રાવેલ્સ સંચાલક રૂ.300માં નેગેટિવ અને 800માં પોઝિટીવ રિપોર્ટ કાઢી આપતો

01 June 2021 11:55 PM
Vadodara Crime Gujarat
  • બોગસ RT-PCRનું કૌભાંડ : વડોદરાનો ટ્રાવેલ્સ સંચાલક રૂ.300માં નેગેટિવ અને 800માં પોઝિટીવ રિપોર્ટ કાઢી આપતો

ઓનલાઇન સોફટવેરથી નામાંકિત લેબોરેટરીના બનાવટી લેટર પેડમાં કોરોના રિપોર્ટ બનાવતો : ક્રાઇમ બ્રાન્ચે ભેજાબાજ ટ્રાવેલ્સ સંચાલકની ડુપ્લીકેટ રિપોર્ટ સાથે ધરપકડ કરી

વડોદરા:
કોરોના કાળ લેભાગુ તત્વો માટે જાણે કમાઈ લેવાનો મોકો હોય તેમ અનેક લાલચુ લોકો માનવતાને નેવે મૂકી કૌભાંડો આચરી રહ્યા છે. કોરોનાના બોગસ ઈન્જેકશન, બનાવતી ફેબીફ્લુના કૌભાંડ બહાર આવ્યા બાદ હવે બોગસ કોરોના રિપોર્ટ બનાવી આપવાનો કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે. અહીં એક ટ્રાવેલ્સ સંચાલક રૂ.300માં નેગેટિવ અને 800માં પોઝિટીવ રિપોર્ટ કાઢી આપતો હોવાનું કૌભાંડ ઝડપાયું છે.

પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના કિશનવાડી રોડ પર આવેલી હરિક્રૃષ્ણ સોસાયટીમાં રહેતો અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા રાકેશ ભગવનાદાસ મીરચંદાણીને કોરોનાના બોગસ આરટી - પીસીઆર રિપોર્ટ સાથે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો. આરોપીને રાજ્ય બહાર મુસાફરોને વારંવાર લઇ જવાનું થતું હતું. એવામાં કોરોનાની બીજી લહેરમાં અન્ય રાજ્ય અથવા દેશમાં પ્રવેશનાર વ્યક્તિએ આરટી - પીસીઆર રિપોર્ટ કઢાવવો ફરજીયાત બન્યો છે. આરટી - પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય તેવી વ્યક્તિને જ અન્ય રાજ્ય અથવા હવાઇ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી આ આરોપી મુસાફરોને રૂ.300માં નેગેટિવ રિપોર્ટ કાઢી આપતો હતો.

આ ઉપરાંત કોરોના કાળ દરમિયાન અનેક લોકો કોરોના સંક્રમિત થતાં કેટલીક ખાનગી તેમજ સરકારી કંપનીઓ દ્વારા કર્મચારીઓને સારવાર ખર્ચ પુરો પાડવામાં આવી રહ્યો છે. સાથે સાથે કોરોના સંક્રમિત દર્દી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ચાલુ પગારે રજા પણ આપવામાં આવી રહીં છે. આવી સુવિધાઓ મેળવવા કેટલાક લોકો બનાવટી કોરોના પોઝિટીવ રિપોર્ટની શોધમાં નિકળી પડ્યાં છે. આવા લોકોને આરોપી રૂ.800માં કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ કાઢી આપતો હતો.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી બોગસ કોરોના રિપોર્ટ બનાવવા માટે પીડીએફ એડીટર નામની વેબસાઇટનો ઉપયોગ કરતો હતો અને નામંકિત લેબોરેટરીના લેટર પેડ પર બનાવટી રિપોર્ટ બનાવી આપતો હતો. આરોપી સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ માટે ચક્રોગતિમાન કર્યા છે.


Related News

Loading...
Advertisement