ઓમાનના દરિયામાં પોરબંદરના જહાજની જળસમાધિ

07 June 2021 12:20 PM
Porbandar
  • ઓમાનના દરિયામાં પોરબંદરના જહાજની જળસમાધિ

તોફાની દરિયામાં રાત્રે ઘટના : માંડવી-સલાયાના 9 ક્રુ મેમ્બર્સનો બચાવ

ભૂજ તા.7
દુબઇથી એક હજાર ટન જનરલ કાર્ગો ભરીને યમન તરફ જતી વેળાએ પોરબંદરના અમૃત નામના માલવાહક જહાજે ઓમાનના દરિયામાં રાત્રે 11 વાગ્યાના અરસામાં પલટાયેલા વાતાવરણની અસર હેઠળ તોફાની બનેલા દરિયામાં ઉછળેલા મોજાના કારણે જળ સમાધી લીધી હતી, સદનશીબે તેમાં રહેલા માંડવી, સલાયાના 7 મળી કુલ 9 ક્રુ-મેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.


પોરબંદરની યુરો એરિયન શિપિંગ કંપનીનું પી.બી.આર.1674 અમૃત જહાજ દુબઇથી ગત 30 મેના યમનના અશગીર બંદરે જવા નીકળ્યું હતું. 2 જુનના દિવસે ઓમાનના રાસ લહાદ અને મશીરા વચ્ચે માલવાહક જહાજ પહોંચ્યું ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તોફાની બનેલા દરિયાએ જહાજને ઝપેટમાં લેતાં જળ સમાધી લીધી હતી. સમુદ્રમાં ડુબતા જહાજમાં સવાર માંડવી, સલાયાના 7 અને અન્ય 2 મળી 9 ક્રુ-મેમ્બરોએ જાન જોખમમાં લાગતાં તમામ દરિયામાં કુદી પડ્યા હતા.


આ દરમ્યાન દુબઇ આરબનું જહાજ ફતેહ અલબારી મદદે આવ્યું હતું. માંડવીના બે યુવાનો અને તેમના પિતા પણ આ જહાજમાં સવાર હતા તેમ કચ્છી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ હાજી આદમ થૈમ, સી.ઓ.એસ. આદમ ધોબીએ જણાવ્યું હતું.


સમુદ્રી આફતમાં બચેલા ક્રુ-મેમ્બરોમાં માંડવી, સલાયાના આમદ જુસબ જાફરાની, હશન આમદ જાફરાની, યુનસ આમદ જાફરાની, અનિષ ઓસમાણ ગની સોઢા, ફહદ અનવર શીરૂ, અનવર આમદ સોઢા, મહંમદ સિધિક રમજુ કોરેજા, કાસમ બાવલા લાકડા (જોડિયા, જામનગર), વાલજી મંગાભાઇ બારૈયા (મહુવા)નો આબાદ બચાવ થયો હતો.


Loading...
Advertisement