ન્યુઝીલેન્ડ ટીમને મોટો ઝટકો: કેપ્ટન કેન વિલિયમસન અને બોલર સેન્ટનર ઈજાગ્રસ્ત

09 June 2021 11:13 AM
Sports
  • ન્યુઝીલેન્ડ ટીમને મોટો ઝટકો: કેપ્ટન કેન વિલિયમસન અને બોલર સેન્ટનર ઈજાગ્રસ્ત

સેન્ટનર કાલથી શરૂ થનારો ઈંગ્લેન્ડ સામેનો ટેસ્ટ મેચ નહીં રમે, વિલિયમસનના રમવા ઉપર પણ પ્રશ્ર્નાર્થ

નવીદિલ્હી, તા.9
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ પહેલાં ન્યુઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પહેલો ટેસ્ટ ડ્રો રહ્યો હતો જ્યારે બીજા ટેસ્ટ મેચ પહેલાં ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ડાબોડી સ્પીનર મીચેલ સેન્ટનર ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જાહેર કરેલી જાણકારી અનુસાર વિલિયમસનની કોણી અને મિચેલ સેન્ટનરની આંગળીમાં ઈજા પહોંચી છે.

સેન્ટનર ઈંગ્લેન્ડ વિરુદ્ધ કાલથી શરૂ થઈ રહેલા બીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે તો વિલિયમસનના રમવા ઉપર પણ શંકા સેવાઈ રહી છે. કાલે ન્યુઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે બીજો ટેસ્ટ મેચ બર્મિંઘમમાં રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજા ટેસ્ટ મેચમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનું રમવું અત્યંત જરૂરી છે કેમ કે વર્લ્ડ ટેસ્ટ શ્રેણીના ફાઈનલ પહેલાં તેના માટે તૈયારીની અંતિમ તક છે. વિલિયમસનનો ઈંગ્લેન્ડમાં પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. જો તે બીજો ટેસ્ટ મેચ રમે અને મોટો સ્કોર બનાવી લ્યે તો તેનો આત્મવિશ્વાસ વધી જશે.

વિલિયમસન લોર્ડસ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 13 અને બીજી ઈનિંગમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વિલિયમસનને એન્ડરસન અને ઓલી રોબીનસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સેન્ટનર બીજા ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે અને તેની જગ્યાએ હવે એજાજ પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. એજાજ પટેલે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચમાં 22 વિકેટ મેળવી છે. એજાજે 2018માં પાકિસ્તાન વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતું અને સાત વિકેટ ખેડવીને મેન ઓફ ધ મેચ બન્યો હતો.


Related News

Loading...
Advertisement