આઈપીએલને લઈને ફરી આવી અડચણ: આઈસીસીના નિર્ણય ઉપર જ હવે બધુ નિર્ભર

09 June 2021 11:16 AM
Sports
  • આઈપીએલને લઈને ફરી આવી અડચણ: આઈસીસીના નિર્ણય ઉપર જ હવે બધુ નિર્ભર

બીસીસીઆઈ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે આઈપીએલ રમાડવા માંગે છે, આઈસીસી 10 ઓક્ટોબરથી વધુનો સમય આપે તેવી સંભાવના નથી

નવીદિલ્હી, તા.9
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ મેમાં ચોમાસું અને કોરોના વાયરસને કારણે આઈપીએલ-14ના બાકી બચેલા 31 મેચને યુએઈમાં રમાડવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે બોર્ડ સામે તેના આયોજનને લઈને એક સમસ્યા આવી રહી છે.

બીસીસીઆઈ ઈચ્છી રહ્યું છે કે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વિન્ડોમાં આઈપીએલના બાકી બચેલા મેચ રમાડવામાં આવે પરંતુ હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ ભારતને મેચના આયોજન માટે 10 ઓક્ટોબરથી વધુનો સમય આપશે નહીં. એ વાતની બિલકુલ સંભાવના નથી કે આઈપીલના બીજા ફેઝની વિન્ડોને 10 ઓક્ટોબરથી આગળ વધારવામાં આવશે.

આ પાછળનું કારણ એ છે કે ટી-20 વિશ્વકપ 18 ઓક્ટોબરથી શરૂ થવાનીસંભાવના છે એવામાં આઈપીએલ 15 ઓક્ટોબર સુધી રમાય તે કેવી રીતે શક્ય બને ? આ ઉપરાંત એક કારણ એવું પણ છે કે ટી-20 વિશ્વકપમાં ભાગ લેનારી ટીમો પોતાના ખેલાડીઓને 15 ઓક્ટોબર સુધી આઈપીએલમાં રમવા માટે અનુમતિ શા માટે આપશે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી બીસીસીઆઈએ આઈસીસીને ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરવાની આંતરિક માહિતી આપી દીધી છે.

1 જૂને મળેલી આઈસીસી બેઠકમાં બીસીસીઆઈને આઈસીસીએ ટી-20 વર્લ્ડકપ અંગે નિર્ણય લેવા માટે 28 જૂન સુધીનો સમય આપ્યો હતો. ટી-20 વિશ્વકપ ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે રમાવાનો છે. બીસીસીઆઈ આઈપીએલ-2021ના બચેલા મેચને પહેલાંથી જ યુએઈમાં ખસેડી ચૂક્યું છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે બોર્ડે આઈસીસી બોર્ડની બેઠક દરમિયાન ઔપચારિક રીતે અંતિમ નિર્ણય લેવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે પરંતુ આંતરિક રીતે તેમણે કહ્યું છે કે તે મેજબાનીનો અધિકાર રાખવા માંગશે અને ટૂર્નામેન્ટને યુએઈ તેમજ ઓમાનમાં આયોજન અંગે તેને કોઈ જ વાંધો નથી.


Related News

Loading...
Advertisement