ગઢડા(સ્વામિના)ના સાધુઓના તડીપાર મુદ્દે વેપારીઓ વ્યથિત : આવેદન પાઠવી સંતોને સન્માન આપવા માંગણી

09 June 2021 12:57 PM
Botad
  • ગઢડા(સ્વામિના)ના સાધુઓના તડીપાર મુદ્દે વેપારીઓ
વ્યથિત : આવેદન પાઠવી સંતોને સન્માન આપવા માંગણી

તાત્કાલીક ધોરણે તડીપારનો હુકમ રદ કરવામાં નહી આવે તો વેપારીઓ ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલનાત્મક પગલા ભરશે

(પ્રભાકર મોદી)
 તા.9 ગઢડા(સ્વામિના) મુકામે ગોપીનાથજી દેવ મંદિર ના જાણીતા અને સેવાભાવી 2 સાધુઓ ઘનશ્યાવલ્લભદાસજી તથા એસ.પી. સ્વામી ને તંત્રએ તડીપાર નો હુકમ કરી નાખવા બાબતે દુ:ખદ આશ્વર્ય સાથે વેપારી આલમમાં આ મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડતા સમગ્ર મુદ્દે વાસ્તવિક સ્થિતિ નો ચિતાર રજૂ કરી લેખિતમાં મામલતદાર ને એક આવેદન પત્ર પાઠવી સરકાર માં ઉચ્ચ કક્ષાએ સાચી હકીકત પહોંચાડવા તથા ગેરવ્યાજબી નિર્ણય ને સુધારી સંતો ને માનભેર સન્માનિત કરવા માંગણી કરવામાં આવેલ છે.

આ આવેદન પત્ર માં જણાવવામાં આવેલ છે કે ગઢડા શહેરના મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોપીનાથજી દેવ મંદિર ના પૂર્વ કોઠારી અને પૂર્વ વહીવટકર્તા એવા પરમ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાજી અને સત્યપ્રકાશ સ્વામી ( એસ.પી.સ્વામિ) ને 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટેનો જે હુકમ કરવામાં આવેલ છે તે હુકમ સામે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ . ગઢડા શહેર માટે છેલ્લા ઘણા વર્ષોથી ગઢડા શહેરના તમામ સુખ દુ:ખમાં સાથે રહેલા આ સંતો ને તડીપાર કરવામાં આવેલા હુકમ થી ગઢડા શહેર નો તમામ વેપારી સમાજ દુ:ખ સાથે રોષની લાગણી ધરાવે છે.

ગઢડા શહેરમાં આવેલું ભયંકર પૂર હોય કે કચ્છની અંદર આવેલો મહાભયંકર ભૂકંપ હોય , કે પછી કોરોનાના કપરા દિવસો હોય આ બંને સંતો સતત ગઢડા શહેરના સામાન્ય નાગરિકોની સાથે રહ્યા છે અને ઉપયોગી બન્યા છે તેમજ દુ:ખમાં સહભાગી બની સહકાર આપ્યો છે. ઉપરાંત મોટા મહોત્સવના આયોજન થકી ગઢડામાં લાખો હરિભક્તો ની પધરામણીથી ગઢડાનો ધંધો - રોજગાર ધમધમતો રાખ્યો છે ,સાથે સાથે વિવિધ કાર્યક્રમોમાં ગઢડા શહેર ના વરિષ્ઠ આગેવાનો અને સમાજના મોભીઓ નું અદકેરુ સમાન પણ આ બંને સંતો દ્વારા કરવામાં આવ્યું છે તે પણ ન ભૂલવું જોઈએ.

વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ. સાથે જોડાઈ અને અને દેશ સેવા માટે સતત જાગૃત રહેનાર એસ.પી સ્વામી અને ઘનશ્યામવલ્લભદાજી જેવા સંત સાથે આ ઘટના ઘટે તે અતિ નિંદનીય બાબત છે. કારણ કે મહાભારત હોય રામાયણ હોય કે પછી સત્સંગી જીવન કથા હોય ગઢડા શહેર , સમગ્ર ગુજરાત અને દેશ - વિદેશમાં હજારો કથાઓ દ્વારા લોકોને ધર્મ આરાધના ના માર્ગે જેમણે વાળ્યા છે એવા ઘનયામવલ્લભદાસજી સ્વામિનારાયણ ભગવાને સૂચવેલા સાધુ જીવનની સાથે સાથે તેમનું જીવન પણ છેલ્લા કેટલાક વર્ષોથી ફકત ફળાહાર જ , સવારમાં નિત્ય 4 વાગે ઘેલા નદીમાં સ્નાન , પગમાં પાદુકા નફી એવા ગઢડા શહેરના લોકોના હૃદયમાં પોતાનું સ્થાન ધરાવતા સંતો સાથે કોઈના ઈશારા સાથે તંત્ર દ્વારા લેવાયેલા આ પ્રકારના પગલાં સમસ્ત સંત સમાજનું અપમાન છે .

કોઈ મોટા કાવા દાવા નો ભોગ બની તંત્ર દ્વારા કરવામાં આવેલા આ હુકમને ગઢડા નો સમસ્ત વ્યાપારી સમાજ વખોડી કાઢે છે. એક સંસ્થાનો વહીવટ સંભાળવા માટે અને ચૂંટણીની હાર જીત માટે જ જો ગઢડાના આધાર સ્તંભ સમા વરિષ્ઠ સંતોને આનો ભોગ બનાવવામાં આવતા હોય તે ખરેખર અતિ નિંદનીય બાબત છે. જે માટે તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરી અને સંતોને સરકાર દ્વારાજ માનભેર સ્થાન આપી અને પોતાનું વતન ગઢડા ન હોવા છતાં "ગઢડુ મારુ અને હું ગઢડા નો" મંત્રને ચરિતાર્થ કરનારા ગઢડા નું ગૌરવ કહી શકાય એવા બંને સંતો ગઢડા શહેર ના પ્રજાજનોની સાથે રહી ધર્મ અને સમાજસેવાના ભગીરથ કાર્યમાં સહભાગી બને તે જરૂરી છે.સમગ્ર દેશમાં છેલ્લા થોડા સમયથી સનાતન ધર્મ ના સંતો ઉપર વિવિધ પ્રકારે હુમલાઓ કરવા , કાયદાની ચુંગાલમાં ફસાવવા , વજૂદ વગરનો ખોટા કેસમાં ફીટ કરી અપમાનિત કરવા , માનભંગ કરવો વિગેરે અનેક કાવાદાવાઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ગઢડા શહેરમાં પણ આની શરૂઆત તો નથી થઈને ? એવો પણ એક ચર્ચાનો વિષય પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યો છે. જો કે સનાતન ધર્મના કોઈ સંત સાથે તડીપાર જેવી ઘટના ઘટી હોય એવો કદાચ આ પહેલો દાખલો હશે.

જે અરાજકતા ફેલાવતા હોય , સમાજમાં ન્યુસન્સ હોય , અને સમાજને નુકસાન કરે તેવા વિવિધ ગુનાઓ સબબ તેના ઉપર એવા કેસો ચાલતા હોય , જુગાર , દારૂ અને વેશ્યાવૃત્તિ જેવા સમાજને દૂષિત કરનારા મુદ્દાઓ સાથે જીવતા હોય એવા લોકોને તડીપાર કરવામાં આવતા હોય છે.ત્યારે ગઢડાના વેપારીઓની સમજ મુજબ આ સંતો માં આવા એક પણ દૂષણ જોવામાં આવેલ નથી ત્યારે આશ્વર્ય સાથે ઉઠતા પ્રશ્નો મુજબ આ સંતો ને છ જિલ્લામાંથી તડીપાર કરવા પાછળ કોનું ભેજું કેવી રીતે ચાલે છે ? ગઢડા મંદિરના વહિવટી ચૂંટણીના ચક્રરાવા માં પોતાનું શાસન એકચક્રી ચલાવવા માટે તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેવુ તો નથીને ? એ ખરેખર વિચારવા જેવી બાબત છે.

ગઢડા શહેર માં વસતા નીચે સહી કરનાર આ તમામ વેપારીઓ આવેદનપત્ર દ્વારા સંતોને તડીપાર કરવાનો હુકમ સામે આ આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે સાથે સાથે સરકાર ને ચેતવણી પણ આપી રહ્યા છે કે જો તાત્કાલિક ધોરણે આ હુકમ રદ કરવામાં નહીં આવે તો ગઢડા ના વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ આંદોલનાત્મક પગલાં સાથે પોતાના ધંધા - રોજગાર શી સ્વયંભૂ અળગા રહી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.


Loading...
Advertisement