બે દિવસમાં ભાજપનાં 300 સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા

09 June 2021 05:15 PM
Surat Gujarat
  • બે દિવસમાં ભાજપનાં 300 સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હોમગ્રાઉન્ડ ‘સુરત’માં ભાજપ માટે ચિંતાનો વિષય

કાર્યકરોનો સંપર્ક કરીને કારણ જાણી ઉકેલ લાવશુ : શહેર ભાજપ પ્રમુખનો બચાવ

સુરત, તા. 9
થોડા સમય પૂર્વે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં સફળતા મેળવનારી ‘આમ આદમી પાર્ટી’ના કારણે સુરતના ભાજપ પર જોખમ તોળાઇ રહ્યું છે. બે દિવસમાં સુરતના 300 જેટલા સક્રિય કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડીને ‘આપ’નો હાથ પકડયો છે.

સી.આર.પાટીલનાં સુરતમાં ભાજપમાં ગાબડા પડી રહ્યા છે. ‘આપ’ સાથે જોડાયેલા કાર્યકરો ભાજપ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ત્યારે શહેર ભાજપનાં પ્રમુખે કહ્યું હતું કે ‘ભાજપ છોડી રહેલા કાર્યકરોનાં પક્ષ છોડવાના કારણો જાણી અમે તેનો ઉકેલ લાવશું’ દિવસે દિવસે સુરતમાં પોતાનો પગપેસારો કરી રહેલી ‘આપ’ના પ્રવકતા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી સુરતનાં લોકોના પ્રશ્ર્નોને વાચા આપે છે.

જેથી પ્રજાએ પણ પાર્ટી પર વિશ્ર્વાસ મુકયો છે જેથી ભાજપનાં કાર્યકરો પણ ‘આપ’માં જોડાવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે લોકોના હિતને ધ્યાનમાં રાખીને તેમનો સુખાકારી વધારવાનો અમારો મુખ્ય હેતુ છે. મળતી વિગતો મુજબ છેલ્લા એક અઠવાડિયામાં કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં ર00 કાર્યકર્તાઓ તેમજ ખટોદરાના 100 જેટલા ભાજપ કાર્યકરોએ ભાજપને અલવિદા કહી ‘આપ’ને આવકાર્યુ છે.

ત્યારે સુરત ભાજપની સ્થિતિ ધીમે ધીમે કથળતી જોવા મળી રહી છે. ‘આપ’ના નેતાઓએ કહ્યું કે, અમારી સ્વચ્છ અને પારદર્શક રાજનીતિથી પ્રભાવિત થઇને ભાજપનાં કાર્યકરો અમારી સાથે જોડાઇ રહ્યા છે. સુરતમાં વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી શહેરમાં વધુ ને વધુ સક્રિય થઇ રહી છે. લોકોના પ્રશ્ર્નોને વાચા આપી જનતાનો વિશ્ર્વાસ જીતી રહેલી ‘આપ’ હવે ભાજપ માટે જોખમરૂપ બની રહી છે.


Related News

Loading...
Advertisement