શેરબજારમાં એકાએક મંદી: પ્રારંભીક તેજી બાદ આક્રમક વેચવાલી: સેન્સેકસ 382 પોઈન્ટ તૂટયો

09 June 2021 06:29 PM
Business
  • શેરબજારમાં એકાએક મંદી: પ્રારંભીક તેજી બાદ આક્રમક વેચવાલી: સેન્સેકસ 382 પોઈન્ટ તૂટયો

52446 નાં ઈન્ટ્રા-ડે હાઈ બાદ 700 પોઈન્ટનું ગાબડુ: તમામ શેરોમાં વેચવાલી

રાજકોટ તા.9
મુંબઈ શેરબજારમાં જામેલા તેજીના માહોલમાં આજે એકાએક પંચર પડી ગયું હોય તેમ પ્રારંભીક ઉછાળા બાદ આક્રમણકારી વેચવાલીથી મંદીનો આંચકો અનુભવાયો હતો. સેન્સેકસ ઈન્ટ્રા ડે હાઈથી 700 પોઈન્ટ ગગડયો હતો.

શેરબજારમાં આજે શરુઆત પ્રોત્સાહક ટોને થઈ હતી. વિદેશી નાણાં સંસ્થાઓની લેવાલી વિશ્વબજારોમાં પોઝીટીવ ટ્રેન્ડ કોરોનાની કાબુમાં આવેલી સ્થિતિ જેવા કારણો ઉપરાંત મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ગયાનું જાહેર થતા તેજીનો પડઘો પડયો હતો. જાણીતા શેરબ્રોકરોએ જણાવ્યું હતું કે શેરબજાર રેકોર્ડબ્રેક ઉંચાઈએ હોવાને કારણે મોટી વધઘટ આવવાનું સ્વાભાવિક છે. વિદેશી નાણાં સંસ્થાઓ સતત ખરીદી કરતી હોવાનું પોઝીટીવ નિશાની છે.

વિશ્વ બેંકે કોરોનાની અસરે ભારતનો વિકાસદર ઘટવાનો રિપોર્ટ આપ્યો છે પરંતુ તેની કોઈ વિપરીત અસર ન હતી અને આ કારણને ડીસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યું હતું. શેરબજારમાં આજે આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, સ્ટેટ બેંક, રીલાયન્સ, મારૂતી, લાર્સન, બજાજ સીનસર્વિસ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, ભારતીય એરટેલ, ડો. રેડ્ડી સહિતના શેરોમાં ગાબડા પડયા હતા. પાવરગ્રીડ એનટીપીસી, ટાઈટન જેવા અમુક શહેરો મજબૂત હતા.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 382 પોઈન્ટના ગાબડાથી 51890 સાંપડયો હતો. જે ઉંચામાં 52446 તથા નીચામાં 51717 હતો. નેશનલ સ્ટોક ઈન્ડેકસનો નિફટી 110 પોઈન્ટ ગગડીને 15628 હતો. જે ઉંચામાં 15800 તથા નીચામાં 15566 હતો. હેવીવેઈટની સાથોસાથ રોકડાના શેરોમાં પણ ગાબડા પડયા હતા.


Related News

Loading...
Advertisement