કોરોના ઠંડો પણ બોગસ ડોકટરોનો ધંધો ગરમ! વધુ ચાર શખ્સો ઝબ્બે

10 June 2021 10:54 AM
kutch Crime
  • કોરોના ઠંડો પણ બોગસ ડોકટરોનો ધંધો ગરમ! વધુ ચાર શખ્સો ઝબ્બે

કચ્છના સુરજપર ગામેથી બે બોગસ પ્રેકટીશનર પકડાયા : ઉના-તાલાલા પંથકમાંથી પણ બે મુન્નાભાઇની ધરપકડ

વેરાવળ/ભુજ, તા. 10
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ ખૂબ નીચે આવી ગયું છે. પણ બોગસ તબીબોનો ધંધો બંધ થતો નથી તે હકીકત છે. કચ્છ જિલ્લામાંથી વધુ બે બોગસ ડોકટર પકડાયા છે. તો ઉના અને તાલાલા પંથકમાંથી પણ વધુ બે નકલી ડોકટર પકડાતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.

કચ્છ
સરહદી જિલ્લા કચ્છમાંથી બોગસ તબીબો પકડાવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હોય તેમ ફરી પશ્ચિમના સુરજપર ગામેથી પોલીસ દળે પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબોને ઝડપી પાડયા છે. પૂર્વ કચ્છના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ અભિયાન અંતર્ગત અગાઉ અંજાર બાજુએથી બંગાળના 12 ધોરણ સુધી ભણેલા ચાર જેટલા બોગસ તબીબોને ગેરકાયદે પ્રેક્ટિસ કરવા બદલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરાયા બાદ હવે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પણ બોગસ તબીબ વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી અને બે ડિગ્રી વગરના ડોક્ટરોને મેડિકલ સામગ્રી સાથે પકડી પાડ્યા છે જેમાં નારણપરનો મનીષ કૌશિકભાઈ ભટ્ટ અને સુરજપરનો ચેતન જનાર્દન ત્રિપાઠીને રૂ.20,484ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા તત્વો પર તવાઈ બોલાવવામાં અવશે તેમ તપાસકર્તાએ જણાવ્યું હતું.

ગીર સોમનાથ
ગીર-સોમનાથ જીલ્લાના ઉના તથા તાલાલા વિસ્તારમાંથી એસ.ઓ.જી. બ્રાન્ચે બે બોગસ તબીબોને ઝડપી લીધેલ છે. આ બન્ને તબીબો માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોવાથી બન્ને સામે ગૂન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કોરોના મહામારી દરમ્યાન જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા સુચના આપતા એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એલ.વસાવા, એ.એસ.આઇ. આઇ.બી.બાનવા, પો.હેઙકોન્સ. સુભાષભાઇ ચાવડા, કમલેશભાઇ પીઠીયા સહીતના ઉના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ

તે દરમ્યાન બાતમીના આધારે મેડીમલ ઓફીસર ડો.વિપુલ રમણલાલ ડુમાતરને સાથે રાખી અંજાર ગામે જૈન દેરાસર પાસે આણંદ વીઠલભાઇ બારૈયા ઉ.વ.32 રહે.ઉના વાળાને ક્રિષ્ના કલીનીક ખાતેથી ઝડપી લીધેલ હતો. આણંદ બારૈયા પાસેથી જુદી જુદી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગતા સાધન સામગ્રી અને રોકડ રૂ.340 મળી કુલ કિ.રૂા.5863 ના મુદામાલ સાથે ઉના પોલીસમાં ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ 1963 ની કલમ 30, 33 તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ 1967 ની કલમ 29 તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ 1956 ની કલમ 15(3) મુજબ ગુન્હો નોંધાયેલ છે.

આ ઉપરાંત એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ કછોટ, કેતનભાઇ જાદવ, નરવણસિહ ગોહિલ, ગોવિંદભાઇ વંશ, વિજયભાઇ બોરખતરીયા, લખમણભાઇ મેતા, પો.હેડ કોન્સ. ભુપતગીરી મેઘનાથી સહીતના તાલાળા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ તે દરમ્યાન મળેલી બાતમીના આધારે મેડીમલ ઓફીસર ડો.ભાવીકભાઇ જગદીશભાઇ કુંભાણીને સાથે રાખી બકુલા ધણેજ ગામે ઉમરેઠી જતા રસ્તા પર રામ મંદીરની બાજુમાં નારણભાઇ જાદવના મકાનમાં રહેતા જશુ ધાનાભાઇ બાંભણીયા, ઉ.વ.32 ને જુદી જુદી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધનો તથા રોકડ રૂા.620 મળી કુલ કિ.રૂા.23,490 ના મુદામાલ સાથે ઝડપી લઇ તાલાળા પોલીસમાં ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ 1963ની કલમ 30,33 તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ 1967 ની કલમ 29 તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ 1956 ની કલમ 15(3) મુજબ ગુનો નોંધેલ છે.


Related News

Loading...
Advertisement