ગોંડલના પૂર્વ ધારાસભ્યની હત્યા માટે નિખીલ દોંગા ગેંગે કાવતરૂ ઘડયાનો ધડાકો

10 June 2021 11:31 AM
Gondal Crime Rajkot Saurashtra
  • ગોંડલના પૂર્વ ધારાસભ્યની હત્યા માટે નિખીલ દોંગા ગેંગે કાવતરૂ ઘડયાનો ધડાકો

પાલારા જેલમાં જયરાજસિંહ જાડેજાનું કાસળ કાઢી નાંખવા માટે પ્લાન ઘડાયો હતો : નૈનીતાલથી સાગ્રીતો સાથે ઝડપાયા બાદ પોલીસ પુછપરછમાં ચોંકાવનારી બાબતોના ઘટસ્ફોટથી ચકચાર : બનાવટી આધારકાર્ડ બનાવનાર બે શખ્સો હજુ ફરાર

ભૂજ તા.10
ગોંડલનો કુખ્યાત ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા પોલીસ જાપ્તા વચ્ચે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા બાદ,72 કલાકની શોધખોળ બાદ ઉત્તરાખંડના નૈનીતાલથી સાગરીતો સાથે ઝડપાઇ ગયા બાદ,તેની પૂછપરછ બાદ અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત છ જેટલા આરોપીઓની સતત બીજી વાર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

જામીન અરજી કરતી વખતે પોલીસે રજૂ કરેલા સોગંદનામા ઘટસ્ફોટ થયો હતો કે, નિખિલ દોંગાના પિતા રમેશ પરષોતમ દોંગા સામે ગોંડલમાં દાખલ થયેલા બે ગુના ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નોંધાવ્યા હોવાનું માની તેની હત્યા કરવા માટે સાગરીતો સાથે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગવાનું કાવતરુ રચ્યું હતું. ભુજની પાલારા જેલમાં રહેલો કુખ્યાત આરોપી નિખિલ દોંગા કોઇ મોટા ગુનાને અંજામ આપવા માટે હોસ્પિટલમાંથી નાસી છુટયો હતો.

સમગ્ર કાંડમાં સંડોવાયેલા મનાતા પોલીસ કર્મચારી તેમજ અન્ય લોકો ભરત ઝવેરભાઇ રામાણી (રહે. રાજકોટ), રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઇ માલવીયા-પટેલ (રહે. ગોંડલ), નિકુંજ ઉર્ફે તુલસીભાઇ દોંગા-પટેલ (રહે. રાજકોટ), પાર્થ ઉર્ફે લાલો બીપીનભાઇ ધાનાણી-પટેલ (રહે. રાજકોટ) અને વિજયભાઇ વિઠ્ઠલભાઇ સાંગાણી-પટેલ (રહે. માધાપર) વાળાએ ત્રીજા અધિક સેશન્સ જજ, ભુજની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી.

તો પોલીસ સબ ઇન્સ્પેકટર રમેશ ભારમલભાઇ ગાંગલ (આહીર) (રહે. ભુજ હેડકવાર્ટર) એ પણ અલગથી જામીન મેળવવા માટે અરજી કરી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ ગુનાકામના છ આરોપીએ નિયમીત જામીન મેળવવા માટે અરજી કરી હતી. સરકાર તરફે કલ્પેશ સી.ગોસ્વામી અને આરોપીના વકીલ તરફથી દલીલો કરવામાં આવી હતી. તપાસનીશ ડીવાયએસપી જે. એન. પંચાલ પણ હાજર રહ્યા હતા. ચાર્જશીટ રજૂ થયા બાદ તમામની પ્રથમ રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવાઇ હતી,

જેમાં આરોપીઓ કોગ્નીઝેબલ ક્રાઇમ કરવાની ફિરાકમાં હોવાનો તેમજ ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહની હત્યા કરવા માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી જવા તેમજ નાસવામાં મદદ કરી હોવાનો ઉલ્લેખ કરી ત્રીજા અધિક સેશન્સ જજ એમ. એમ. પટેલે અરજી નામંજુર કરી હતી. બીજી તરફ,આરોપી આકાશ આર્ય તથા જી. કે. જનરલના મેનેજર વિજય સાંગાણીએ તત્કાલીન સિવિલ સર્જન ડો. કશ્યપ બુચને જી. કે. જનરલમાં રીફર કરવા ભલામણ કરી હોવાનો ખુલાસો થયો છે.

પોલીસે અત્યારસુધી કરેલી તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ભરત રામાણીની સ્વિફટ કારથી આરોપી રેનીશ રામાણી, ભાવિક ઉર્ફે ખીલી અને ખુદ ભરત માધાપર હાઇવે પર આવેલી એક હોટેલમાં રોકાયા હતા બાદમાં બીજા દિવસે આરોપી શ્યામલ દોંગા અને સાગર કયાડા હુન્ડાઈ આઇ 20 કારથી ભુજ આવ્યા હતા અને તેઓ એરપોર્ટ રીંગ રોડ પરની એક હોટેલમાં રોકાયા હતા.

પાલારા જેલમાં મુલાકાત વેળાએ નિખિલ દોંગાએ જયરાજસિંહનું કાંઇ કરવું પડશે અને તેના ખૂન માટે નાસી જવાનું નક્કી થયું હતું. આ ચર્ચાસ્પદ પ્રકરણમાં આરોપીને બનાવટી આધારકાર્ડ બનાવી આપનાર રાજુ કોલી (રહે. ગોંડલ) તેમજ ભાવેશ ખીલી (રહે. ગોંડલ) બંને હજુ પણ ઝડપાયા નથી.


Related News

Loading...
Advertisement