કમાણી મામલે ભારતીય ક્રિકેટરો ‘સરતાજ’; એક કલાકે એક લાખ રૂપીયાની આવક

10 June 2021 11:44 AM
Sports
  • કમાણી મામલે ભારતીય ક્રિકેટરો ‘સરતાજ’; એક કલાકે એક લાખ રૂપીયાની આવક

* ક્રિકેટ બોર્ડે એ+, એ, બી અને સી એમ ચાર ગ્રુપ પાડ્યા છે જે અનુસાર ખેલાડીઓને ચૂકવાય છે વાર્ષિક પગાર; તેના ઉપરાંત એક ટેસ્ટના 15 લાખ, વન-ડેના 6 અને ટી-20ના 3 લાખ અપાય છે

* ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ખેલાડી બેવડી સદી ફટકારે તો સાત લાખ, સદી બનાવે તો પાંચ અને પાંચ વિકેટ મેળવે તો પાંચ લાખ રૂપિયા ‘બોનસ’ આપે છે બોર્ડ

* કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડી વર્ષમાં એક પણ મેચ ન રમે તો પણ તેને પગાર મળે જ છે

નવીદિલ્હી, તા.10
ભારતીય ક્રિકેટરો દુનિયામાં સૌથી વધુ પૈસા કમાનારા ખેલાડીઓમાં સામેલ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દર વર્ષે ખેલાડીઓનું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જારી કરે છે. બોર્ડે ખેલાડીઓને ચાર ગ્રુપમાં વહેંચ્યા છે જેમાં ગ્રેડ એ+, ગ્રેડ એ, ગ્રેડ બી અને ગ્રેડ સી સામેલ છે.

ગ્રેડ એ+ના ખેલાડીઓને વાર્ષિક સાત કરોડ, ગ્રેડ એના ખેલાડીઓને પાંચ કરોડ, ગ્રેડ બીના ખેલાડીઓને 3 કરોડ અને ગ્રેડ સીના ખેલાડીઓને વર્ષે એક કરોડ રૂપિયા મળે છે. આ એ રકમ છે જે ખેલાડીઓને મળવી નિશ્ચીત હોય છે પછી તે ગમે એટલા મેચ રમ્યા હોય. માની લો કે એક ખેલાડી એવો છે જેનું નામ ગ્રેડ બીમાં સામેલ છે અને તે વર્ષમાં એક પણ મેચ રમ્યો નથી આમ છતાં તેને કરોડ રૂપિયા મળશે જ.

ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી મળનારા પૈસા ઉપરાંત મેચ ફી પણ મળે છે. તેને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, એક વન-ડે માટે 6 લાખ રૂપિયા અને એક ટી-20 મેચ રમવાના 3 લાખ રૂપિયા મળે છે. જો કોઈ ખેલાડી પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો નથી તો તેને મુળ ફીના 50 ટકા રકમ મળે છે. સામાન્ય રીતે એક ટી-20 મેચ ત્રણ કલાકની હોય છે તેથી તે પ્રમાણે હિસાબ કરવામાં આવે તો ત્રણ કલાકમાં એક ખેલાડી ત્રણ લાખ કમાઈ લ્યે છે.

ખેલાડીઓને આ ઉપરાંત પણ પૈસા મળે છે જેને ‘બોનસ મની’ કહેવામાં આવે છે. આ એક ઈનામ હોય છે જે ટેસ્ટ ક્રિકેટરને મળે છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર આકાશ ચોપડાએ આ સંબંધે અમુક રસપ્રદ ખુલાસા કર્યા છે. ચોપડાએ કહ્યું કે જો કોઈ ખેલાડી બેવડી સદી બનાવે તો તેને સાત લાખ રૂપિયા વધારાના મળે છે. જ્યારે સદી ફટકારવા બદલ પાંચ લાખ રૂપિયા બોનસ આપવામાં આવે છે. જો કોઈ બોલર પાંચ વિકેટ મેળવે તો પાંચ લાખ રૂપિયા મળે છે.

આ પૈસા મેચ ફી ઉપરાંતના હોય છે. આર.અશ્વીને આ વર્ષની શરૂઆતમાં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડવિરુદ્ધ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી અને કુલ 8 વિકેટ મેળવી હતી. આકાશ ચોપડાએ સંકેત આપ્યો કે અશ્ર્વિને એ એક ટેસ્ટ મેચથી 25 લાખ રૂપિયાની કમાણી કરી હશે. એ પણ ન ભૂલવું જોઈએ કે બીસીસીઆઈ ઐતિહાસિક જીત બાદ બોનસ પણ આપે છે. આ વર્ષની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચતાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી-2020-21 ઉપર કબજો કર્યો હતો. આ જીત બાદ બોર્ડ ભારતીય ખેલાડીઓને પાંચ કરોડ રૂપિયા બોનસ સ્વરૂપે આપ્યા હતા.


Related News

Loading...
Advertisement