IPL 19 સપ્ટેમ્બરથી શરૂ, 19 ઓક્ટોબરે ફાઈનલ: BCCIની સત્તાવાર જાહેરાત

10 June 2021 11:47 AM
Sports
  • IPL 19 સપ્ટેમ્બરથી શરૂ, 19 ઓક્ટોબરે ફાઈનલ: BCCIની સત્તાવાર જાહેરાત

ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ ટુર્નામેન્ટને લઈને લગાવાતી તમામ અટકળો પર મુક્યું પૂર્ણવિરામ: ટી-20 વર્લ્ડકપની તારીખ અને વેન્યુની જૂલાઈમાં જાહેરાત કરશે આઈસીસી

નવીદિલ્હી, તા.10
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની લોકપ્રિય ટી-20 લીગ ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની 14મી સીઝનના બાકી રહેલા મેચને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. છેલા થોડા દિવસો દરમિયાન ટૂર્નામેન્ટને લઈને અનેક દાવાઓ પણ થઈ રહ્યા હતા.

જો કે હવે બીસીસીઆઈના ઉપપ્રમુખે જાહેરાત કરીને આ તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકી દીધું છે. ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી દીધું છે કે ટૂર્નામેન્ટનું આયોજન 19 સપ્ટેમ્બરથી કરવામાં આવશે અને તેનો ફાઈનલ મુકાબલો 15 ઓક્ટોબરે જ રમાશે. રાજીવ શુક્લાએ કહ્યું કે આઈપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે જ કરવામાં આવશે.

બીજી બાજુ આઈસીસી તરફથી ગઈકાલે એવું કહેવાયું કે ટી-20 વર્લ્ડકપના આયોજન અને તેની તારીખોને જૂલાઈમાં જાહેર કરવામાં આવશે. આઈસીસીના અધિકારીએ કહ્યું કે ટી-20 વિશ્વકપની તારીખ અને આયોજન સ્થળને લઈને તમામ જાણકારી જૂલાઈમાં જ આપવામાં આવશે. અત્યારે અમે તેને લઈને કોઈ પ્રકારનું નિવેદન આપી નહીં શકીએ પરતુ એવો કોઈ નિયમ નથી કે આઈસીસીની કોઈ પણ ટૂર્નામેન્ટ પહેલાં કોઈ પ્રકારનો અંતરાલ રાખવામાં આવે.

આઈસીસીને પીચ અને મેદાનને આયોજન પ્રમાણે તૈયાર કરવા માટે ઓછામાં ઓછા 10 દિવસના સમયની જરૂર હોય છે. આ એક માપદંડ છે, નિયમ નહીં. ઉલ્લેખનીય છે કે મંગળવારે એવા અહેવાલો વહેતા થયા હતા કે આઈસીસીને આઈપીએલના કાર્યક્રમથી વાંધો છે. ટૂર્નામેન્ટનો ફાઈનલ 15 ઓક્ટોબરે રમાવાનો છે અને ટી-20 વર્લ્ડકપના ક્વોલિફાયર મુકાબલાનું આયોજન 17મીથી કરવાનું છે. બન્ને ટૂર્નામેન્ટ વચ્ચે આટલા ઓછા દિવસનું અંતર હોવાને કારણે આઈસીસી આઈપીએલના કાર્યક્રમમાં ફેરફાર ઈચ્છી રહ્યું છે.


Related News

Loading...
Advertisement