ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ‘બ્રાન્ડલેસ’; કોઈ કંપનીનો પ્રચાર નહીં કરે

10 June 2021 11:49 AM
Sports
  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ‘બ્રાન્ડલેસ’; કોઈ કંપનીનો પ્રચાર નહીં કરે

ચીની કંપની લા નિંગ સાથે નાતો તોડ્યા બાદ ઓલિમ્પિક એસો. દ્વારા મુખ્ય સ્પોન્સરની તલાશ જારી: જો સ્પોન્સર નહીં મળે તો ખેલાડીઓના ડ્રેસ અને કિટ ઉપર માત્ર ‘ભારત’ જ લખેલું હશે

નવીદિલ્હી, તા.10
કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લીટ કોઈ પણ બ્રાન્ડનો પ્રચાર કરશે નહીં. ભારતીય એથ્લીટોની કિટ ઉપર માત્ર ‘ભારત’ જ લખેલું હશે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23 જૂલાઈથી થઈ રહી છે.

રિજિજુએ ટવીટ કરીને કહ્યું કે ભારતીય એથ્લીટ, કોચ અને સહયોગી સ્ટાફ ટોક્યો ઓલિમ્પિકમાં કોઈ બ્રાન્ડનો પ્રચાર કરશે નહીં અને તેમની કિટ ઉપર માત્ર ‘ભારત’ જ લખેલું હશે. ચીનની કંપની લી નિંગ સાથે સંબંધ તોડ્યા બાદ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (આઈઓએ)ને હવે નવા સ્પોન્સરની તલાશ છે. ભારતીય ઓલિમ્પિક સંઘે એવી આશા વ્યક્તિ કરીને તે આ મહિનાના અંત સુધીમાં પોતાની ઓલિમ્પિક ટીમ માટે નવા કિટ સ્પોન્સર શોધવામાં સફળ રહેશે.

આઈઓએએ મંગળવારે લી નિંગને પોતાના સત્તાવાર કિટ સ્પોન્સર તરીકે હટાવ્યા બાદ કહ્યું હતું કે ભારતીય ખેલાડી 23 જૂલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે રમાનારા ટોક્યો ઓલિમ્પિક રમતોમાં બ્રાન્ડ વગરનો ડ્રેસ પહેરીને ઉતરશે. આઈઓએ પ્રમુખ નરીન્દર બત્રાએ કહ્યું કેમર્યાદિત સમયમાં નવા સ્પોન્સરની તલાશ પૂર્ણ કરી લેવાશે. અમે કોઈ ઉપર દબાણ બનાવવા માંગતા નથી અને ન તો કોઈના દબાણમાં આવવા માંગીએ છીએ. સ્પોન્સરની પ્રક્રિયા આંતરિક સમજૂતિથી થવી જોઈએ.

આમહિનાના અંત સુધીમાં નિર્ણય લેવાઈ જશે કે ભારતીય ખેલાડીઓ બ્રાન્ડ વગરનો પોશાક પહેરીને જશે કે નહીં. પોશાક તૈયાર છે અને તેને ઝડપથી ભારતીય ખેલાડીઓને સોંપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આઈઓએએ પાછલા સપ્તાહે ખેલ મંત્રી કિરેન રિજિજુની ઉપસ્થિતિમાં લી નિંગની ડિઝાઈન કરાયેલી ઓલિમ્પિક કિટનું લોન્ચીંગ કર્યું હતું જેની ઘણી ટીકા થઈ હતી કેમ કે પાછલા વર્ષે લદ્દાખમાં સૈન્ય સંઘર્ષ બાદ ચીની વસ્તુઓનો સતત બહિષ્કાર થઈ રહ્યો છે.


Related News

Loading...
Advertisement