પાકિસ્તાનમાં થાય એટલું ઓછું: ડિબેટ દરમિયાન ઈમરાન પક્ષના મહિલા નેતાએ વિપક્ષી નેતાને માર્યો ફડાકો

10 June 2021 12:00 PM
World
  • પાકિસ્તાનમાં થાય એટલું ઓછું: ડિબેટ દરમિયાન ઈમરાન પક્ષના મહિલા નેતાએ વિપક્ષી નેતાને માર્યો ફડાકો

વિપક્ષી નેતાએ ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં મહિલા નેતા સહન ન કરી શક્યા: વીડિયો જોરદાર વાયરલ

નવીદિલ્હી, તા.10
દુનિયાભરમાં ન્યુઝ ચેનલો પર થતી ડિબેટ દરમિયાન પેનલીસ્ટો વચ્ચે ઘણી વખત તીખી તમતમતી તું તું મેં મેં હવે સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ પાકિસ્તાનમાં તો જે કંઈ પણ બને તે ઓછું જ હોય છે. પાકિસ્તાનમાં ન્યુઝ ચેનલ ઉપર લાઈવ શો દરમિયાન ચર્ચા થઈ રહી હતી પરંતુ ત્યારે સત્તાધારી નેતાને ગુસ્સો આવી જતાં તેણે વિપક્ષી નેતાને લાઈવ શોમાં જ તમાચો ચોડી દીધો હતો. ડિબેટમાં થયેલી આ મારપીટનો વીડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને પાકિસ્તાનીઓ જ આ ઘટનાની ટીકા કરવા લાગ્યા છે.

પાકિસ્તાનની એક ખાનગી ચેનલ ઉપર કોઈ રાજકીય મુદ્દે ચર્ચા ચાલી રહી હતી. તેમાં સત્તાધારી અને વિપક્ષના નેતાઓ હાજર હતા. ચર્ચા દરમિયાન ત્યાં આવેલા પંજાબના મુખ્યમંત્રીના વિશેષ સહાયક (માહિતી) ડો.ફિરદૌસ આશીક અવાન વિપક્ષી પીપીપી એમએનએના સાંસદ કાદિર મંદોખેલ સાથે બાખડી પડ્યા હતા. બન્ને વચ્ચે ચર્ચા એટલી ગરમ બની ગઈ કે ડો.ફિરદૌસે કાદિરને ગાળો ભાંડતાં ભાંડતાં થપ્પડ લગાવી દીધક્ષ હતી. જોતજોતામાં આ વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. ભ્રષ્ટાચારના મુદ્દાને લઈને બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી અને

આ દરમિયાન કાદિરને ફિરદૌસના પક્ષ તેમજ નેતાઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા જેના કારણે ફિરદોસ બગડ્યા હતા. સોશ્યલ મીડિયા પર પ્રસારિત એક વીડિયો ક્લિપમાં ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના નેતા ડો.ફિરદૌસ વિપક્ષી નેતા મંદોખેલને ગાળો ભાંડતાં જોવા મળી રહ્યા છે અને તેની થોડી જ ક્ષણો બાદ થપ્પડ મારી રહેલા પણ દેખાય છે. વાત એટલી બગડી ગઈ કે ત્યાં સ્ટુડિયોમાં હાજર લોકોએ બન્નેને છોડાવ્યા હતા. આ ઘટના જાવેદ ચૌધરીના શોના રેકોર્ડિંગ દરમિયાનની છે. વીડિયો વાયરલ થયા બાદ ફિરદૌસે અત્યાર સુધી આ ઘટના વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજી બાજુ લોકો આ ઘટનાને લઈને મજા પણ માણવા લાગ્યા છે.


Related News

Loading...
Advertisement