આડેસર (કચ્છ)માં પાંચ દિવસ જૂના ઘરફોડ ચોરીનો તસ્કર ઝડપાયો

10 June 2021 12:51 PM
kutch Crime
  • આડેસર (કચ્છ)માં પાંચ દિવસ જૂના ઘરફોડ ચોરીનો તસ્કર ઝડપાયો

ભચાઉ તા.10 કચ્છના આડેસરમાં પાંચ દિવસ જૂના ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે તસ્કરને ઝડપી પાડી તમામ ચોરાઉ મુદ્દામાલ કબજે કાર્યો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આડેસરમાં રેલવે સ્ટેશન પાસે’ રહેણાક મકાનમાં ચોરીનો બનાવ ગત તા. 3 જૂનના મોડી રાત્રિના અરસામાં બન્યો હતો. ફરિયાદી હનીફ અબ્દુલભાઈ ભટ્ટી તેમના પરિવાર સાથે બહાર સૂતા હતા. આ દરમ્યાન કોઈ અજાણ્યા તસ્કરે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી તિજોરીમાં રાખેલા રૂા. 18 હજારની કિંમતના 250 ગ્રામ ચાંદીના બે નંગ સાંકળા અને રોકડા રૂા. 18000 સહિત રૂા. 36 હજારની મતાની તસ્કરી કરી હતી. ફરિયાદીના પત્ની સવારે ઊઠતાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ફરિયાદી અને તેમના સંબંધીઓ દ્વારા પોતાની રીતે તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સફળતા ન મળતાં’ ગઈકાલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન આડેસર પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તસ્કરીને અંજામ આપનારો શખ્સ’ મોટી હમીરપર ત્રણ રસ્તા પાસે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી હરેશ નારણ કોલીને રાઉન્ડઅપ કર્યો હતો.’ તેની સઘન પૂછપરછ દરમ્યાન તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીના કબજામાંથી ચાંદીના સાંકળા અને રોકડા રૂા. 18000 સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીએ તેની પ્રેમીકા સાથે ભાગી જવા માટે બાઈક ખરીદવા માટે ચોરી કરી હોવાની કેફિયત પોલીસને આપી હતી. આરોપીના કોવિડ ટેસ્ટની’ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આડેસર પી.એસ.આઈ. વાય. કે. ગોહીલ અને સ્ટાફના સભ્યો આ કામગીરીમાં જોડાયા હતા.’


Related News

Loading...
Advertisement