મોરબીના બગથળા ગામે માવતર જતી રહેલ મહિલાને શોધવાનું કહીને પરિવારજનો દ્વારા યુવાન તથા પરિવાર પર હુમલો..!

10 June 2021 12:53 PM
Morbi Saurashtra
  • મોરબીના બગથળા ગામે માવતર જતી રહેલ મહિલાને  શોધવાનું કહીને પરિવારજનો દ્વારા યુવાન તથા પરિવાર પર હુમલો..!

મોરબી તા.10 મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના યુવાનની પત્ની માવતરે ચાલી ગઈ હોવા છતાં મહિલાના પરિવાર દ્રારા તે મહિલાને શોધવાનું કહીને યુવાન, તેની બહેન અને તેમની માતાને માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ પરિવારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના જોરાવરપુરાના રહેવાસી અને હાલ બગથળા ગામે રહેતા દયાબેન ભીમજીભાઇ કંબોયા કોળી (40) તથા તેમના ભાઈ વાલજીભાઈ અને તેઓની માતા સવિતાબેનને ચાર ઇસમો દ્રારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેઓને સારવાર માટે લઈ જવાયા હતા.

બાદમાં હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ જઈને તપાસ કરી હતી. જેમાં ભોગ બનેલ પૈકીના દયાબેન ભીમજીભાઇ કંબોયા કોળી (40) બગથળા કરણ ચંદુ ઘાટલીયા, અજય ચંદુ ઘાંટલીયા, ચેતન ચંદુ ઘાંટલીયા અને રાહુલ નામના યુવાન રહે.બધા ધુતારી વિસ્તાર વાવડી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે, તેમના એટલે કે દયાબેનના ભાઈ વાલજીભાઇની પત્ની દક્ષાબેન માવતર જતી રહી હોવા છતાં ઉપરોકત ચારેયે એકસંપ કરીને દયાબેનના ભાઈને તેની પત્નીને શોધી લાવવાનું કહીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પોતે (દયાબેન) વચ્ચે પડતાં તેમને પણ ઈંટોના છુટ્ટા ઘા કરીને ઇજા પહોંચાડવામાં આવી હતી. તેમજ તેઓની માતા સવિતાબેનને ધક્કો મારીને પાડી દેવામાં આવ્યા હતા અને તમામને જાનથી મારી નાંખવાની સામેવાળા ચારેયે ધમકી આપેલી હોય દયાબેનની ફરિયાદ ઉપરથી તાલુકા પોલીસે કરણ, અજય, ચેતન અને રાહુલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા
મૂળ વાંકાનેરના લાલપરનો રહેવાસી અને હાલ મોરબીના કૈલાશ ટાઇલ્સ નામના કારખાનામાં મજૂરી કામ કરતો ધીરૂભાઈ જગસીભાઇ બાણોદરા કોળી નામનો યુવાન રફાળેશ્વર ચોકડી પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને વાહન અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલકે તેમને હડફેટે લેતા ધીરૂભાઈને સારવારમાં ખસેડાયો હતો.
જયારે મોરબીના વૈભવનગર વિસ્તારમાં રહેતા પ્રવિણાબેન મનસુખભાઈ પોપટ નામના 48 વર્ષીય મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ પ્રવિણાબેનને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયા હતા.


Related News

Loading...
Advertisement