નવી બાંધકામની સાઇટનું વીડિયો શૂટીંગ ઉતારી જામનગરના વિવાદીત શખ્સે આસામી પાસેથી માંગ્યા રૂપિયા પાંચ લાખ

10 June 2021 02:50 PM
Jamnagar
  • નવી બાંધકામની સાઇટનું વીડિયો શૂટીંગ ઉતારી જામનગરના વિવાદીત શખ્સે આસામી પાસેથી માંગ્યા રૂપિયા પાંચ લાખ

સોશ્યલ મીડિયાના માધ્યમ થકી પોતાને પત્રકાર ગણાવતા શખ્સે અંતે દોઢ લાખમાં સોદો ફાઇનલ કર્યો હતો: આસામીએ રૂપિયા આપવાની ના પાડતા ધાક-ધમકીઓ આપી

જામનગર તા.10:
જામનગરમાં પવનચક્કી નજીક નવી બાંધકામની સાઇટનું વીડિયો શૂટીંગ કરી સોશ્યલ મીડિયામાં કથીત સમાચારો પ્રસારીત કરતા શખ્સે દ્વારા જે-તે આસામી પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી રૂા.1.50 લાખની રકમ ફાઇનલ કરી ધાક-ધમકી આપી હોવાની સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ બાંધકામને ગેરકાયદેસર ગણાવી, પડાવી નાખવાની ધમકી આપી,

ટાટીયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. ઉલ્લેખનીય છે કે, બાંધકામ સાઇટ પરના આ તોડતાડ પ્રકરણમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરભરમાં એક ઓડિયો વાયરલ થયા બાદ પ્રકરણ પોલીસ દફતર સુધી પહોંચ્યું છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસથી ચર્ચામાં આવેલ પ્રકરણ આખરે પોલીસ દફતરે પહોંચ્યું છે. જેની વિગત મુજબ શહેરના પવન ચક્કી પાસે, કેનાલ રોડ પર, બિંદીયા એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પરેશભાઇ આત્મારામભાઇ લખીયરે પોતાના મકાનનું નવું બાંધકામ શરૂ કર્યુ હતું. વીસેક દિવસ પૂર્વે આરોપી કપીલ અરવિંદભાઇ જોઇશર રહે.જિલ્લા જેલ રોડ,

આર્મી ગેઇટ પાસે વાળા શખ્સે સાઇટનું વીડિયો શૂટીંગ કરી પરેશભાઇ તથા તેના ભત્રીજાને કહ્યું હતું કે તમારૂ બાંધકામ ગેરકાયદેસર છે. આ મકાનનું બાંધકામ કરવું હોય તો તમારે રૂા.5 લાખ આપવા પડશે નહીંતર અમે આ બાંધકામ ગેરકાયદેસર ગણાવી પડાવી નાખીશું. જેને લઇને પરેશભાઇ અને તેના ભત્રીજા સંદિપ લખીયર પરેશાન થઇ ગયા હતા ત્યારબાદ આરોપીએ ફોન કરી પોતાની ઓફિસે બોલાવતા સંદિપભાઇએ આરોપી સાથે વાતચીત કરી હતી અને રકજકના અંતે રૂા.1.50 લાખની માંગણી કરી હતી. આ રૂપિયા પરેશભાઇએ નહી આપતા આરોપીએ રૂબરૂ મળીને કહેલ

કે મારી વિરૂધ્ધમાં કયાંય ફરિયાદ કરતો નહી અને મારૂ નામ આ બાબતે કયાંય આવવું ન જોઇએ. જો મારૂ નામ કયાંય આવશે તો તારા ટાટીયા ભાંગી નાખીશ અને તારે જીવથી હાથ ધોવા પડશે. તેમજ આ મકાનનું બાંધકામ તો પડાવી જ દઇશ અને આજીવન બાંધકામ થવા નહી દઉ, કોર્પોરેશનમાંથી મને પડાવતા આવડે છે તેમ કહી બળજબરીથી પૈસા પડાવવા માટે શૂંટીંગ કર્યુ હતું. આ સમગ્ર પ્રકરણ અંગે પરેશભાઇએ પોલીસમાં અરજી કરી હતી ત્યારબાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદના આધારે પી.એસ.આઇ એસ.પી.સોઢા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement