મહાનગરપાલિકાના કોર્પોરેટરે ફરજમાં રૂકાવટ કરી જાહેરનામાનો ભંગ કર્યો

10 June 2021 02:52 PM
Jamnagar
  • મહાનગરપાલિકાના કોર્પોરેટરે ફરજમાં રૂકાવટ કરી જાહેરનામાનો ભંગ કર્યો

ગઇકાલે ભાદરા પાટીયા પાસે જોડિયા પોલીસ ચેકીંગ કરતી હતી ત્યારે માસ્ક વગર નિકળેલા બ.સ.પા.ના નગર સેવકે દંડ ભરવાની ના પાડી દીધી: પોલીસ સાથે જીભાજોડી કરી ફરજમાં રૂકાવટ કરી

જામનગર તા.10:
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ.નં.6ના બ.સ.પા.ના કોર્પોરેટરે જોડિયા પોલીસની ફરજમાં રૂકાવટ કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ ચેકીંગ દરમ્યાન નગરસેવક માસ્ક વગર નિકળતા અને દંડ ભરવાની ના પાડતા તેની સામે કાર્યવાહી કરાતા પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરજમાં રૂકાવટ અને જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ.નં.6માં ગત ચુંટણીમાં બ.સ.પા.એ ચાર પૈકીની ત્રણ બેઠકો કબ્જે કરી હતી. આ બેઠક પર બ.સ.પા.માંથી ચુંટાયેલા યુવાન કોર્પોેરેટર રાહુલ રાયધનભાઇ બોરીચા ગઇકાલે બપોરે અઢી વાગ્યે જોડિયા નજીકના ભાદરા પાટીયા સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે ચેકીંગ પર રહેલ પોલીસે તેઓને આંતરી લીધા હતા. નગરસેવક રાહુલે માસ્ક ન પહેર્યુ હોવાથી પોલીસે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ નગરસેવકે દંડ ભરવાની ના પાડી દઇ બોલાચાલી કરી પોલીસ કર્મચારી નિલેષ ગોવિંદભાઇ અઘેરાની ફરજમાં રૂકાવટ કરી હતી. જોડિયા પોલીસે આ નગરસેવક સામે ફરજમાં રૂકાવટ સબંધીત આઇપીસી કલમ 186 તેમજ જાહેરનામા ભંગ મુજબ 188,270 તેમજ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


Loading...
Advertisement