મહંતને હોસ્પિટલે લઈ જનાર ટ્રસ્ટીઓ અને દેવ હોસ્પિટલના તબીબે મોતની વિગતો છુપાવી છતાં પોલીસે 10 દિવસ બાદ પણ પગલાં નથી લીધા

10 June 2021 05:40 PM
Rajkot Crime
  • મહંતને હોસ્પિટલે લઈ જનાર ટ્રસ્ટીઓ અને દેવ હોસ્પિટલના તબીબે મોતની વિગતો છુપાવી છતાં પોલીસે 10 દિવસ બાદ પણ પગલાં નથી લીધા

શુ પોલીસ કોઈને બચાવવા પ્રયાસ કરી રહી છે?

અમુક ટ્રસ્ટીઓ તા.1ના રોજ મહંતને બેભાન હાલતમાં હોસ્પિટલે લઈ આવ્યા, તબીબ સાધુના અનુયાયી હોવાથી હાર્ટ એટેકનું ખોટું ડેથ સર્ટી બનાવી આપ્યું, પોલીસને જાણ પણ ન કરી, ટ્રસ્ટીઓએ અંતિમ સંસ્કાર કરી અસ્થિઓ હરિદ્વાર ગંગામાં વિસર્જિત કર્યા: બધુ સ્પષ્ટ છે પણ પોલીસની ઢીલ પર સવાલો ઉઠી રહ્યા છે

રાજકોટ તા.10
કાગદડીના મહંતના આપઘાત કેસમાં હજુ અનેક તાણાવાણા અટવાઈને પડ્યા છે. જેની હજુ વિગતો સામે આવી નથી. આ પ્રકરણમાં સાધુને હોસ્પિટલમાં ખસેડનાર ટ્રસ્ટીઓ અને તેને મૃત જાહેર કરનાર તબીબ સામે સાધુના જ અનુયાયીઓમાં સવાલો ઉઠી રહ્યા છે.

મહંતને હોસ્પિટલે લઈ જનાર ટ્રસ્ટીઓ અને દેવ હોસ્પિટલના તબીબે મોતની વિગતો છુપાવી છતાં પોલીસે 10 દિવસ બાદ પણ તેઓ વિરુદ્ધ પગલાં લીધા નથી. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, શુ પોલીસ કોઈને બચાવવા પ્રયાસ કરી રહી છે? ડોકટર સામાન્ય સ્થિતિમાં થયેલા મોત અંગે પણ પોલીસને જાણ કરતા હોય છે. ત્યારે મહંતે તો આપઘાત કર્યો હતો છતાં કેમ ડોક્ટરે પોલીસને જાણ ન કરી અને શા માટે હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું? જો હાર્ટ એટેકથી મોત થાય તો પણ ડોકટર પોસ્ટમોર્ટમ કરવા અંગે પોલીસને જાણ કરતા હોય છે ત્યારે દેવ હોસ્પિટલના તબીબીઓએ પોલીસને જાણ કેમ ન કરી?

મહંતને હોસ્પિટલમાં લઈ જનાર ટ્રસ્ટીઓને ડોક્ટરે જણાવ્યું જ હશે કે, મોત શંકાસ્પદ છે. આ ટ્રસ્ટીઓ અને તબીબ મહંત જયરામદાસના અનુયાયી હતા. તેઓને મહંત પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી તેવું સેવકો તરફથી જાણવા મળે છે. તેમ છતાં ટ્રસ્ટીઓ કે જેમને બાપુના મોત અંગે જાણકારી મળી હતી તેમણે ત્યારે જ કેમ પોલીસને જાણ ન કરી? આ તમામ સવાલો સ્થિતિને સ્પષ્ટ કરે છે. છતાં પોલીસે મહંતના આપઘાતના 10 દિવસ પછી પણ ડોકટર અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી કરી નથી. પોલીસની આ ઢીલી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.


Related News

Loading...
Advertisement