અર્બન ફોરેસ્ટ અંદરની ગૌશાળામાં ડિમોલીશન મામલે માથાકૂટ : મોટો શેડ તોડી પડાયો

10 June 2021 06:28 PM
Rajkot Crime
  • અર્બન ફોરેસ્ટ અંદરની ગૌશાળામાં ડિમોલીશન મામલે માથાકૂટ : મોટો શેડ તોડી પડાયો
  • અર્બન ફોરેસ્ટ અંદરની ગૌશાળામાં ડિમોલીશન મામલે માથાકૂટ : મોટો શેડ તોડી પડાયો
  • અર્બન ફોરેસ્ટ અંદરની ગૌશાળામાં ડિમોલીશન મામલે માથાકૂટ : મોટો શેડ તોડી પડાયો

મનપા અને કલેકટર તંત્ર ગઇકાલ સાંજથી સ્થળ પર : બાંધકામને નુકસાન નહીં કરવાની જાહેરાત : વર્ષો જુની જગ્યામાં નવો વિવાદ ઉભો થતો રોકીને સંવાદનો રસ્તો કઢાવતા શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા

રાજકોટ, તા. 10
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજી ડેમ બાજુમાં વિશાળ જગ્યામાં રામ વન સહિતનું અર્બન ફોરેસ્ટ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેની પ્રગતિનો રીપોર્ટ મુખ્યમંત્રીએ લીધા બાદ અને ગઇકાલે પદાધિકારીઓએ સાઇટ વિઝીટ કર્યા બાદ ગત સાંજે જ આ પ્રોજેકટના રોડ પર આવતું ગૌશાળાનું શેડનું મોટું બાંધકામ દુર કરવા કાર્યવાહી થઇ હતી. જેના પગલે ગૌશાળાના સંચાલકો અને કેટલાક આગેવાનોએ વિરોધ કરતા મનપા અને કલેકટર તંત્રના અધિકારીઓ દોડયા હતા. પોલીસ પણ ખડકાઇ હતી. અંતે આજે ભાજપ શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને અધિકારીઓની સમજાવટથી શેડનો મોટો ભાગ જાતે દુર કરવા નિર્ણય લેવાયો છે.

આજી ડેમ બાજુની વિશાળ જગ્યામાં મહાપાલિકા દ્વારા 15 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લે આ યોજનામાં ભગવાન શ્રીરામના વન વાસ સાથે જોડાયેલા રામ વનના વિચારનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સ્કલ્પચર બનાવવા માટેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવનાર છે. આજી ડેમથી જમણી તરફ જતા વર્ષો જુની કિસાન ગૌશાળા આવેલી છે. હવે અર્બન ફોરેસ્ટ માટેનું કામ આગળ વધારવા સૌથી પહેલા અહીં રોડ કાઢવાનો થાય છે. ગઇકાલે સાંજે મહાપાલિકાની ટીપી અને દબાણ હટાવ શાખાએ રોડ પરનું આ બાંધકામ હટાવવા કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ ગૌશાળામાં નુકસાની અને ગાયોને સાચવવાની મુશ્કેલી આગળ ધરીને આગેવાનોએ તેનો વિરોધ કર્યો હતો.

બાદમાં કમિશ્નરની સુચનાથી ટીપીઓ એમ.ડી.સાગઠીયા, દબાણ હટાવ વિભાગની ટીમ, વિજીલન્સ ઓફિસર રાજેન્દ્રસિંહ ઝાલા, કલેકટર તંત્રના અધિકારીઓ દોડયા હતા. માથાકૂટ થવાના ભયથી શહેર પોલીસનો સ્ટાફ પણ પહોંચ્યો હતો. ગૌશાળાનો એક મોટો ભાગ શેડના રૂપમાં ઉભો છે તે દુર કરવા એકાએક સૂચના આવી હતી. આ જગ્યા કલેકટર તંત્ર દ્વારા મહાપાલિકાને સોંપવામાં આવી છે. ગાયોને સાચવવાની વૈકલ્પિક જગ્યા આપવા રજુઆત કરવામાં આવી હતી. ગૌસેવાની મોટી પ્રવૃતિ અટકવાનો ભય પણ રજૂ કરાયો હતો. પદાધિકારીઓની મુલાકાત બાદ તાત્કાલીક આ કાર્યવાહી કરાતા રજુઆતોનો મારો થયો છે. તે દરમ્યાન આજે ગૌશાળા સાથે જોડાયેલા ભાજપના સીનીયર કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા સવારે ગૌશાળા ખાતે દોડયા હતા.

બે કલાક સુધી તેઓએ સંચાલકો સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. અગાઉના પ્લાન મુજબ રસ્તો કાઢવાનો થાય તો ગૌશાળાનું પાકુ બાંધકામ પણ હટાવવું પડે તેમ હતું. તેના બદલે પ્લાનમાં થોડો ફેરફાર કરાતા મુળ બાંધકામને અસર થવાની નથી. ટીપી રોડ જયાંથી નીકળે છે તે ખુલ્લો કરવા તો શેડનું બાંધકામ હટાવવું પડે તેમ છે. આથી આ તમામ બાબતો ધ્યાને રાખી ગૌશાળાને ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારે કામ થશે તેવી જવાબદારી સાથેની ખાતરી શાસક નેતાએ આપતા આ મામલો થાળે પડયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંચાલકો દ્વારા જાતે આ શેડનો ભાગ દુર કરવામાં આવી રહ્યો છે. તે બાદ ટીપીનો રોડ ખુલ્લો થશે. રામ વન તરફના રસ્તે બાદમાં આ પ્રોજેકટ આગળ વધશે. ગઇકાલે સાંજે મોટા વિવાદની ચિંતા થઇ હતી જે આજે શાંત પડયો હતો.


Related News

Loading...
Advertisement