રોકાણકારો બેંક બેલેન્સ કરી રાખે : આગામી 6 માસમાં આઇપીઓની વણઝાર આવશે

10 June 2021 06:39 PM
Business
  • રોકાણકારો બેંક બેલેન્સ કરી રાખે : આગામી 6 માસમાં આઇપીઓની વણઝાર આવશે

શેરબજારમાં લાંબાગાળાની તેજીના સંકેત વચ્ચે હવે 60થી વધુ કંપનીઓ આઇપીઓ લાવવા તૈયાર

આગામી સોમવારથી જોખી જોખીને રોકાણ કરવાની તક : સ્ટીલ કંપની શ્યામલ મેટાલીક રૂા.909 કરોડ, મારૂતિ સાથે સંકળાયેલી સોના કોમસ્ટાર રૂા.5500 કરોડ અને સૌથી નાના આઇપીઓમાં નોવાડે રૂા.46 કરોડ મેળવવા આવી રહી છે

જો કે મોટા ભાગની કંપનીઓનો વ્યુહ દેવા ઘટાડવાનો : આંધળુ ઇન્વેસ્ટમેન્ટ કરવા સામે ચેતવણી : ઝોમેટો અને ફલીપકાર્ટ પણ આગામી 6 માસમાં આઇપીઓ લાવવા તૈયાર

મુંબઇ તા.10
દેશમાં લગભગ બે માસના ગાળા બાદ ફરી એક વખત આઇપીઓની વણઝાર ચાલુ થશે અને તેમાં આગામી સપ્તાહે જ એકી સાથે ત્રણ કંપનીઓ જાહેર ભરણુ લઇને આવી રહી છે તો બીજી તરફ ઝોમેટોથી લઇ ફલીપકાર્ટ સહિતની કંપનીઓ પણ રેકોર્ડ બ્રેક રકમના આઇપીઓ લઇ આવવાની તૈયારી કરી રહી છે અને દેશમાં ઝડપથી કોર્પોરેટ ગૃહ તરીકે ઉપસેલા અદાણી ગ્રુપ દ્વારા તેના બે મોટા સાહસ અદાણી વીલમર અને અદાણી એરપોર્ટના શેર પણ આગામી સમયમાં જાહેરભરણા માટે આવશે.

અદાણી ગ્રુપ દ્વારા તેના એરપોર્ટ બિઝનેસને મેઇન હોલ્ડીંગ કંપનીથી અલગ કરવાની તૈયારી થઇ ગઇ છે અને અદાણી એરપોર્ટનો ઇશ્યુ આ વર્ષના અંતમાં કે આગામી વર્ષે શરૂઆતમાં આવી શકે છે તો બીજી તરફ 5ૠ સેવા શરૂ થતા જ રિલાયન્સ ગ્રુપ પણ જીઓના બીઝનેસને અલગ કરશે અને તેનો આઇપીઓ પણ આવી શકે છે. તો બીજી તરફ રિલાયન્સ રીટેઇલનો ફયુચર ગ્રુપ સાથેનો સોદો વિવાદમાં પડયો છે. એક વખત તે કલીયર થયા પછી આગામી વર્ષે રિલાયન્સના બે મોટા આઇપીઓ આવી શકે છે. છેલ્લા બે માસથી કોરોના સંક્રમણના કારણે આઇપીઓની રફતાર થંભી ગઇ હતી પરંતુ હવે તે ફરી ઝડપ પકડે તેવી શકયતા છે.

જેમાં 14 જૂનના રોજ એક જ દિવસમાં ત્રણ આઇપીઓ આવશે. સર્વપ્રથમ શ્યામ મેટાલીક એન્ડ એનર્જીનો આઇપીઓ રૂા.909 કરોડ મેળવવા માટે આવી રહ્યો છે. જેની પ્રાઇઝબેન્ડ રૂા.303 થી 306 છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી ઓટો પાર્ટસ કંપની સોના કોમસ્ટારનો આઇપીઓ પણ 14 જૂનના રોજ ખૂલશે અને રૂા.5500 કરોડ મેળવવાની આશા રાખે છે. જેનો પ્રાઇઝ બેન્ડ રૂા.285 થી 291 નિશ્ર્ચિત થયો છે. ત્રીજો આઇપીઓ નોવાડેઝ એન્ટરપ્રાઇઝનો છે. જે રૂા.46.8 કરોડ મેળવવા માટે રૂા.20ના ભાવે શેર ઓફર કરે છે. જો કે હાલના તમામ આઇપીઓમાં સૌથી મોટુ ઘ્યાન રાખવાની આવશ્યકતા એ છે

કે મોટા ભાગની કંપનીઓ તેના દેવા ચૂકવવા માટે આઇપીઓનો ઉપયોગ કરનાર છે અને તેથી રોકાણકારે કંપનીની દેવામુકત બાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવી પડશે. આગામી એક વર્ષ સુધીમાં નાના અને મઘ્યમકક્ષાના ઉદ્યોગના 60 આઇપીઓ આવનાર છે. સ્મોલ બીઝનેસ માટેનું બીએસઇનું પ્લેટફોર્મ છે તેમાં ગત વર્ષે 16 આઇપીઓ આવ્યા હતા અને રૂા.100 કરોડ લેવાયા હતાં. હવે વધુ કંપનીઓ આઇપીઓ લાવી રહી છે. આ ઉપરાંત ઇન્ડિયા પેસ્ટીસાઇડ, કેઆઇએમએસ હોસ્પિટલ તથા ડોલ્ડા ડેરી પણ આઇપીઓ લાવી રહી છે અને કુલ રૂા.1000 કરોડના આઇપીઓ ચોમાસા દરમિયાન જ ખૂલશે.

પે-ટીએમ દ્વારા મધર ઓફ ઓલ આઇપીઓ રૂા.21000 કરોડની લાવવાની તૈયારી છે તો ઝોમેટો પણ રૂા.8250 કરોડનો આઇપીઓ લાવવાની તૈયારી છે. આ રીતે ભારતમાં ઇન્ટરનેટ બેઇઝ કંપનીનો સૌથી મોટો આઇપીઓ હશે અને તેનો ઉપયોગ કંપની દ્વારા તેના આધુનીકરણ તેમજ નવા એકવીજીશન એટલે કે હસ્તાંતરણમાં જશે. દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની, ફલીપકાર્ટ કે જેની માલિકી અમેરીકી રિટેઇલ જાયન્ટ વોલમાર્ટ ધરાવે છે તે પણ આઇપીઓ લાવવા માટે તૈયારી કરી રહી છે. જો કે હજુ કંપનીએ તેનુ આયોજન જાહેર કર્યુ નથી. વોલમાર્ટ દ્વારા કંપનીમાં 2018માં 16 બિલીયન ડોલરનું રોકાણ થયુ છે અને હવે તે તબક્કાવાર આ રોકાણમાંથી નાણા છુટા કરવા આઇપીઓ લાવશે.

હવે પેમેન્ટ બેંક મારફત પણ આઇપીઓમાં અરજી કરી શકાશે
દેશમાં આઇપીઓ માટે લોકોનો અને ખાસ કરીને રીટેઇલ ઇન્વેસ્ટરનો ક્રેઝ વધતો જાય છે તે વચ્ચે હવે સેબી દ્વારા સરળતાથી આઇપીઓ ભરી શકાય તે હેતુથી પેમેન્ટ બેંક મારફતમાં આઇપીઓની અરજી અંગે મંજૂરીની છુટ આપશે. પેમેન્ટ બેંકો મોટા ભાગની બેેન્કીંગ કામગીરી કરી રહી છે તે એક મર્યાદા સુધી ડિપોઝીટ સ્વીકારે છે. નાણા પણ તબદીલ કરે છે. નેટબેંકીંગ સહિતની સુવિધા આપે છે. પણ હજુ તેને ક્રેડીટ એટલે કે ધીરાણના જોખમી ધંધામાં સામેલ કરાઇ નથી. ઉપરાંત તે આઇપીઓમાં સબક્રીબ્શન પણ આપી શકતી નથી. પરંતુ પેમેન્ટ બેંકની કામગીરી જે રીતે સરળ છે તેથી આગામી દિવસોમાં સેબી પેમેન્ટ બેંક મારફત આઇપીઓમાં પૈસા ભરવાની મંજૂરી આપી શકે છે.

અદાણી ગ્રુપની વધુ કંપનીઓ શેરબજારમાં લીસ્ટેડ થવાની તૈયારી : એરપોર્ટ બિઝનેસની રોકડી કરશે
અદાણી વીલમરનો આઇપીઓ તૈયાર : એરપોર્ટનો આઇપીઓ આગામી વર્ષે આવશે
દેશમાં સૌથી મોટા ઉદ્યોગપતિની રેસમાં સામેલ થયેલા અદાણી ગ્રુપ દ્વારા હવે તેના ફોર્ચ્યુન બ્રાંડ ધરાવતી અદાણી વીલમરનો રૂા.7પ00 કરોડનો આઇપીઓ લાવવાની તૈયારી છે. અદાણી ગ્રુપ બાસમતી રાઇઝ, લોટ, મેંદો, સોજી, રવા, દાળ તથા બેસન ઉપરાંત અલગ-અલગ પ્રકારના ખાદ્યતેલ આ બ્રાન્ડ હેઠળ વેચે છે અને હવે તેમાં આઇપીઓ સાથે કંપની અદાણી વીલમરનો બીઝનેસ વધારવા માંગે છે અને આગામી દિવસોમાં તેની સ્પર્ધા નેચર ફ્રેશ, સફોલા અને અન્ય ડેરી કંપનીઓ તથા ઇમામી ગ્રુપ તથા પતંજલી સાથે પણ થશે. અદાણી ગ્રુપે એક ખાદ્ય તેલમાં મોટુ નામ બનાવ્યુ છે અને રીફાઇનરીની કેપેસીટી 16800 ટન પ્રતિ દિવસની બની ગઇ છે. બીજી તરફ અદાણી ગ્રુપ દ્વારા તેના એરપોર્ટ બીઝનેસને પણ અલગ કરીને તેના આઇપીઓ લાવવાની તૈયારી થઇ છે. ગ્રુપ હાલ મુંબઇ સહિતના 6 એરપોર્ટ પર સંચાલનનો હક્ક ધરાવે છે અને આગામી વર્ષે રૂા.12000 કરોડનો અદાણી એરપોર્ટનો આઇપીઓ આવી શકે છે.


Related News

Loading...
Advertisement