કોંગ્રેસ પહેલા પ્રભારી નિમશે ત્યારબાદ પ્રદેશ પ્રમુખ : નવો સંકેત

10 June 2021 06:41 PM
Rajkot Politics
  • કોંગ્રેસ પહેલા પ્રભારી નિમશે ત્યારબાદ પ્રદેશ પ્રમુખ : નવો સંકેત

બંને વચ્ચે સંકલન મહત્વનું : જો છાપેલ કાટલા જેવા ચહેરામાંથી પસંદ થશે તો પક્ષને પુન: બેઠો થવાની આશા પણ રાખતા નહી : મોવડી મંડળને સંદેશ

રાજકોટ તા.10
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખના નામ અંગે ચર્ચા અને અટકળોથી આગળ વધીને હવે ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે તેવા અહેવાલો આવી રહ્યા છે. પરંતુ પક્ષના એક સિનિયર નેતાએ જણાવ્યું કે જયાં સુધી પક્ષના ગુજરાતના નવા પ્રભારી જાહેર ન થાય ત્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની પસંદગી સરળ બનશે નહી. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાના કારણે નિધન થયુ હતું અને આ પદ ખાલી છે. જેમાં અનેક નામ બોલાય છે.

પરંતુ કોંગ્રેસ મોવડી મંડળે હજુ કોઇ આખરી નિર્ણય લીધો નથી. તો બીજી તરફ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ લોબીંગ કરવા પહોંચ્યા હોવાના અહેવાલો આવ્યે રાખે છે. પક્ષના ટોચના નેતાએ જણાવ્યું કે ભૂતકાળમાં બિહારમાં શકિતસિંહની પ્રભારી તરીકે નિયુકિત બાદ નવા પ્રદેશ પ્રમુખ પસંદ થયા હતા. દિલ્હીમાં પણ શકિતસિંહને જયારે પ્રભારી બનાવાયા પછી જ નવા પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા કરવામાં આવી હતી અને ગુજરાતમાં પણ તેમ જ થશે. જયાં સુધી પ્રભારી નિયુકત ન થાય ત્યાં સુધી મોવડી મંડળ નવા પ્રદેશ પ્રમુખ નિયુકત કરે તેવી શકયતા નથી.

પ્રભારી અને પ્રદેશ પ્રમુખે ટયુનીંગ કરીને કામગીરી કરવાની હોય છે અને તેથી બંનેએ એકબીજા સાથે જોડાઇ શકે તેવા ચહેરા પસંદ કરશે. બીજી તરફ રાજયમાં નવા પ્રદેશ પ્રમુખ માટે જે નામો વહેતા થયા છે તે અગાઉ આ પદ પર આવી ચુકેલા છે. તો પણ પક્ષને કોઇ રીચાર્જ કરી શકયા નથી. ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા અને સિઘ્ધાર્થ પટેલની આસપાસ ફર્યુ છે. શંકરસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ બની ચુકયા છે. પરંતુ છેલ્લા 20થી વધુ વર્ષથી કોંગ્રેસની હાલત તેવી જ રહી છે અને હવે નવા પ્રદેશ પ્રમુખ પણ આ ચહેરામાંથી પસંદ થાય તો કોંગ્રેસને શું ફર્ક પડશે તે પણ ચર્ચા છે.

આગામી વર્ષે જ ચૂંટણી લડવાની છે અને છેલ્લી ચૂંટણી પક્ષ હારી ચુકયુ છે. ઉપરાંત પંચાયત અને મહાપાલિકામાં પણ પક્ષને મોટો ફટકો પડયો છે અને તેથી નવા પ્રદેશ પ્રમુખની જવાબદારી મોટી હશે તે જોતાં પક્ષે કોઇ હિમ્મત ભર્યો નિર્ણય લેવો પડશે તે નિશ્ર્ચિત છે. જો આવો નિર્ણય ન લઇ શકે તો ગુજરાતમાં કોંગ્રેસની હાલત સુધરવાની આશા નહી હોવાનું આ અગ્રણીએ કહ્યું હતું.


Related News

Loading...
Advertisement