ભાજપ મોવડી મંડળને ગુજરાતની ચિંતા છે જ : બે ટોચના નેતાઓ સાથે બેસે તે જરૂરી

10 June 2021 06:43 PM
Rajkot Politics
  • ભાજપ મોવડી મંડળને ગુજરાતની ચિંતા છે જ : બે ટોચના નેતાઓ સાથે બેસે તે જરૂરી

મંત્રી મંડળના વિસ્તરણમાં પેચ ફસાવાનો અનેક ધારાસભ્યોને ભય

રાજકોટ તા.10
ગુજરાતમાં હવે ઓલ વેલ છે તેવુ ચિત્ર બહારથી દર્શાવાતુ હોય તો પણ ભાજપ મોવડી મંડળને ગુજરાતને ચિંતા છે. હાલમાં જ એક ટોચના નેતાએ આ સ્વીકારતા કહ્યું કે સૌથી મોટી સમસ્યા પ્રદેશના બે નેતાઓ સાથે બેસે તેની છે. જાહેરમાં મંચ ઉપર ઓલ વેલ થાય છે પણ વન-ટુ-વન બેઠકો યોજાતી નથી.

જેના કારણે સરકાર અને સંગઠન વચ્ચેના અનેક પ્રશ્ર્નો અટકી પડયા છે અને તેના કારણે જ મંત્રીમંડળ વિસ્તરણનો પેચ પણ ફસાય તેવો ભય મંત્રી બનવા થનગનતા અનેક ધારાસભ્યો રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને નેતાઓ એકબીજાને ઢીલ આપવા માંગતા નથી અને તેથી સરકાર અને સંગઠન સાથે દોડવા જોઇએ તેના બદલે સમાંતર દોડે છે. જે કોરોના કાળમાં અને વાવાઝોડા સમયે જોવા મળ્યુ હતું. મોવડી મંડળ પાસે આ અંગેનો ચિતાર છે.

પરંતુ ગુજરાતમાં કોઇ મોટા ફેરફાર કર્યા વગર ઓલવેલ કરી શકાશે તેવી આશા પક્ષના મોવડીઓને છે. કેટલાક મંત્રીઓ પણ આંતરીક રીતે એકબીજા સાથે વિવાદમાં ઉતરી રહ્યા છે. ખાસ કરીને સિનિયર કક્ષાએ આ પ્રકારની ચિંતા વધુ છે અને તેથી જ ભાજપ મોવડી મંડળ એક વાર ઉત્તરપ્રદેશમાં ઓલ કલીયર થઇ જશે તેની સાથે ગુજરાતનો હવાલો સંભાળે તેવી ધારણા છે. ગુજરાતએ વડાપ્રધાન અને ગૃહમંત્રી બંનેનું હોમ સ્ટેટ છે અને તેથી તેઓ દરેક પરિસ્થિતિને સારી રીતે સમજે છે.

બીજી તરફ ભાજપમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉંચા-નીચા થવા લાગ્યા છે. તેઓને પ્રવેશ વખતે જે ઉમળકો દર્શાવાયો હતો તે હાલ જોવા મળતો નથી. પરંતુ આ અંગે ફરિયાદ કરવા ગયેલા કોંગ્રેસના પૂર્વ એક ધારાસભ્ય કે જેઓ હાલ ભાજપની ટીકીટ પર ચૂંટાયા છે તેઓને એવો જવાબ મળ્યો કે તમે સત્તાપક્ષના ધારાસભ્ય છો તે જ તમારા માટે સૌથી મોટી બાબત છે. બાકી આગામી 20 વર્ષ હજુ આવી આશા રાખવાની ન હતી.


Related News

Loading...
Advertisement