ડ્રેસઅપ : સરકારી બેંકોને ખાનગીકરણ માટે તૈયાર થઇ જવા આદેશ

10 June 2021 07:01 PM
Business
  • ડ્રેસઅપ : સરકારી બેંકોને ખાનગીકરણ માટે તૈયાર થઇ જવા આદેશ

કર્મચારીઓને તગડુ વીઆરએસ ઓફર થશે : જે ન સ્વીકારે તેને એક વર્ષની જોબ ગેરેન્ટી મળશે ત્યારબાદ નવા માલિકના હવાલે : એક વર્ષમાં રૂા.1.75 લાખ કરોડની રકમ મેળવવા તૈયારી

મુંબઇ તા.10
કેન્દ્ર સરકાર દ્વારા હવે જાહેર ક્ષેત્રની એક પછી એક બેંકનું ખાનગીકરણ કરવાની તૈયારી છે. જેમાં હાલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકને પહેલા ખાનગી હાથોમાં સોંપી દેવામાં આવશે. ત્યારબાદ બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયાને પણ ડ્રેસઅપ કરવા જણાવી દેવાયુ છે.

મતલબ કે આ બેંકોના બેલેન્સ સીટમાં જે કંઇ એનપીએ સહિતના આંકડાઓ છે તે પણ બેડ બેંકને વેંચી દેવા અને બેલેન્સ સીટને તંદુરસ્ત બતાવવા તથા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે તૈયાર થવા જણાવ્યું છે. સરકારની યાદીમાં પંજાબ એન્ડ સીંધ બેંક તથા યુકો બેંક પણ છે.

જેને મર્જરમાં સામેલ કરવામાં આવી નથી. પરંતુ તેનું ખાનગીકરણ નિશ્ર્ચિત છે. કર્મચારીઓને વીઆરએસના હક્ક અપાશે અને જે કર્મચારી વીઆરએસ નહી સ્વીકારે તેને ખાનગીકરણ પછી એક વર્ષની જોબની ગેરેન્ટી અપાશે ત્યારબાદ ખાનગી કંપનીઓ નક્કી કરશે કે કર્મચારીની જોબ કેટલી સલામત છે.

જો કે મોટા ભાગના જાહેર ક્ષેત્રના બેંકોના કર્મચારીઓ કયા પ્રકારે વીઆરએસ ઓફર થાય છે તેના પર નજર રાખીને બેઠા છે અને જો તે આકર્ષક હશે તો કર્મચારીઓ તે સ્વીકારીને ત્યારબાદ ખાનગી બેંકોમાં ફરી જોડાઇ શકે છે. હાલ તો આ ખાનગીકરણ માટે યોગ્ય ખાનગી કંપનીઓને પણ શોધવાનું કામ શરૂ થઇ ગયુ છે.

સરકાર ચાલુ વર્ષે જ અંદાજે રૂા.2 લાખ કરોડની વધુની રકમ ડીસઇન્વેસ્ટમેન્ટથી મેળવવા માંગે છે તેમાં બેંકોના ખાનગીકરણથી રૂા.1.75 લાખ કરોડની રકમ મળશે. જો કે બેંક કર્મચારીઓ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ સરકાર તેમાં આગળ વધશે તે નિશ્ર્ચિત છે અને કર્મચારીઓને વીઆરએસની તક આપીને તેમનો વિરોધ ડામી દેવાશે.


Related News

Loading...
Advertisement