ગુજરાતના ૫૩ લાખથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર : મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી : કુદરતી આપત્તિ સમયે પાકને નુકસાન થાય તો સહાય મળશે

10 June 2021 09:39 PM
Government Gujarat
  • ગુજરાતના ૫૩ લાખથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર : મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી : કુદરતી આપત્તિ સમયે પાકને નુકસાન થાય તો સહાય મળશે

● મુખ્યમંત્રી રૂપાણીએ યોજનાને પરવાનગી આપી, કોઇપણ પ્રિમીયમ ભર્યા વિના રાજ્યના ધરતીપૂત્રોને મળશે યોજનાકીય લાભ ● અનાવૃષ્ટિ - દુષ્કાળ - અતિવૃષ્ટિ - કમોસમી વરસાદ - માવઠું જેવા જોમખથી થતા પાક નુકસાનને પણ આ યોજનામાં આવરી લેવાયા

રાજકોટઃ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ ૨૦૨૧ માટે મંજૂરી આપી છે.
આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.
રાજ્યના અંદાજે ૫૩ લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં.

અનાવૃષ્ટિ - દુષ્કાળ - અતિવૃષ્ટિ - કમોસમી વરસાદ - માવઠું જેવા જોમખથી થતા પાક નુકસાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાય ધોરણ અંગેની વાત કરવામાં આવે તો, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાનની ટકાવારી ૩૩ થી ૬૦ ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૦,૦૦૦ની સહાય વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. એટલું જ નહીં, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન ૬૦ ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૫,૦૦૦ની સહાય મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે. તદઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે.

● ખેડૂતો ઇ-ગ્રામ સેન્ટરેથી ઓનલાઇન અરજી કરી શકશે

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે. આ યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી ડીબીટી દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.

● અગાઉ પણ કુદરતી આપત્તિઓમાં પેકેજ જાહેર થયેલા

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં રાજ્યમાં તાઉતે વાવઝોડાને કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતોને થયેલ નુકસાનથી બેઠા કરવા રૂ.૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ વર્ષ ૨૦૨૦માં ઓગષ્ટ માસમાં થયેલા ભારે વરસાદના પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઇ માટે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૭૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.
એ જ રીતે, વર્ષ ૨૦૧૯માં ઓક્ટોબર - નવેમ્બર દરમિયાન આવેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુક્સાન થયું હતું ત્યારે પણ રાજ્ય સરકારે રૂ. ૩૭૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું હતું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯માં વિવિધ કુદરતી આપત્તિઓ સામે રાજ્યના ખેડૂતોને રૂ.૧૬૭૩ કરોડની સહાય તેમજ વર્ષ ૨૦૧૭-૧૮માં આવેલ અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠા અને અન્ય જીલ્લામાં જે નુકસાન થયું હતું તેની સામે પણ ખેડૂતોને રૂ.૧૭૦૬ કરોડની સહાય કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement