અમરેલીના આંબરડીમાં અનરાધાર વરસાદ, ખારી નદીમાં ઘોડાપુર

10 June 2021 09:56 PM
Amreli Saurashtra
  • અમરેલીના આંબરડીમાં અનરાધાર વરસાદ, ખારી નદીમાં ઘોડાપુર

● રાજુલા શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ, શેલ નદી અને વાવડીની નદી બે કાંઠે વહી રહી છે ● ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળતા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો

અમરેલી:
રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેમ ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાની સવારી ઉતરી છે ત્યારે અમરેલીના રાજુલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના આંબરડીમાં અનરાધાર વરસાદ પડ્યો છે. ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, સિઝનમાં પ્રથમવાર નદીમાં પુર આવતા બે કાંઠે વહેવા લાગી હતી.

રાજુલામાં ધોધમાર વરસાદને કારણે પુલ પર પાણી ફરી વળ્યું હતુ, જેના કારણે પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે વરસાદ રોકાતા પુલ પર વાહન વ્યવહાર પૂર્વવત થયો છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ધારી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. ચલાલા, વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાખાપાદર પાસેથી પસાર થતી શેલ નદી અને વાવડીની નદી બે કાંઠે વહેતી થઈ હતી. જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, સાથે રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડામાં પણ વરસાદનું આજે આગમન થઈ ચૂક્યું છે.


Related News

Loading...
Advertisement