રાજદૂત કક્ષા પુન: સ્થાપિત કરવા અમેરિકા-રશિયા સંમત

17 June 2021 02:59 PM
Top News World
  • રાજદૂત કક્ષા પુન: સ્થાપિત કરવા અમેરિકા-રશિયા સંમત

રશિયા-અમેરિકાના રાષ્ટ્રવડા સંદેહભર્યા વાતાવરણમાં મળ્યા

જીનીવાની ઐતિહાસિક લાઈબ્રેરીમાં બાઈડન-પુટીન મળ્યા: અણુશસ્ત્રો-સંખ્યા સંધી ફરી જીવંત કરશે : બન્ને નેતાઓની બોડી લેંગ્વેજ રસપ્રદ : એકબીજા સામે નજર મિલાવવાનું ટાળ્યું: પાંચને બદલે ત્રણ કલાક જ મળ્યા.

બાઈડને રશિયાના વિપક્ષી નેતા પેલેકસાઈનો મુદો ઉઠાવ્યો: પુટીને બ્લેક લાઈવ્ઝ મેટર પર જોર દીધું : અલગ અલગ પત્રકાર પરિષદ: પુટીન વિશ્વાસુ નેતા છે? વિશ્વ પર બાઈડન મૌન બની ગયા.

જીનીવા:
વિશ્વ માં બદલતા જતા ‘સુપર-પાવર’ના દ્રશ્યો વચ્ચે હવે અમેરિકા તથા રશિયા વચ્ચે ટ્રમ્પ શાસનમાં સર્જાયેલા તનાવને ઘટાડવાના ભાગરૂપે બન્ને દેશો તેમના રાજદૂત સ્ટેટસને પુન: સ્થાપિત કરશે. વ્હાઈટ હાઉસમાં પ્રવેશ બાદના અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રથમ યુરોપ પ્રવાસના આઠમા અને અંતિમ દીને ગઈકાલે તેમની અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન વચ્ચેની શિખર બેઠકમાં અનેક મુદાઓ પર ચર્ચા થઈ હતી.

બન્ને રાષ્ટ્રવડાઓ બે સેસનમાં ચારથી પાંચ કલાક સુધી મળશે તેવી શકયતા દર્શાવાઈ હતી પણ આ પ્રથમ શિખર બેઠકમાં બન્ને ત્રણ કલાકથી પણ ઓછો સમય સાથે રહ્યા હતા અને બન્ને નેતાઓએ 30 મીનીટ વન ટુ વન વાતચીત કરી હતી.

જો કે બન્ને રાષ્ટ્રવડાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવાનું ટાળ્યું હતું અને પહેલા રશિયાના પ્રેસીડેન્ટ વ્લાદીમીર પુટીને પત્રકાર પરિષદ કરી હતી અને બાઈડને તેમનો જ પ્રેસ ટાઈમ ફોલો કરશે તેવી જાહેરાત કરી હતી. પુટીને જણાવ્યું હતું કે અમેરિકી પ્રમુખ એ આ શિખર પરીષદને સકારાત્મક ગણે છે અને બન્ને દેશો તેમના રાજદૂતોને એક બીજાના દેશોમાં ફરી સ્થાપીત કરશે.

ઉપરાંત ટ્રમ્પ શાસનમાં અણુશસ્ત્રની સંખ્યા પર મર્યાદા મુકતી સંધીને પુન: સ્થાપીત કરવાની વિચારણા કરશે અને તે માટે વાટાઘાટ શરુ કરશે. પુટીને સ્વીકાર્યુ કે પ્રમુખ બાઈડને રશિયામાં માનવ અધિકારનો મુદો ઉઠાવ્યો હતો.

ખાસ કરીને વિપક્ષના નેતા એલેકસાઈ નાવાલ્વે ને જે રીતે ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ થયો અને હાલ જેલમાં છે તે માટે પુટીને તેમની સરકારના પગલાનો બચાવ કર્યો હતો તો વળતા જવાબમાં પુટીને અમેરિકામાં બ્લેક લાઈવ્ઝ મેટરનો મુદો તથા તા.6 જાન્યુ.ના ટ્રમ્પ સમર્થકોએ કેપીટલ હિલને જે રીતે ઘેરી લીધું તે મુદો ઉઠાવ્યો હતો. બન્ને દેશો વચ્ચે રાજદૂતને એકબીજાના દેશોમાં પુન: સ્થાપવાની સંમતી બની છે.

પ્રમુખ બાઈડને રશિયાના વિપક્ષી નેતાની હત્યા કરવાના પ્રયાસમાં પુટીનને હત્યારા ગણાવતા રશિયાએ વોશિંગ્ટન ખાતેના તેના રાજદૂતને પરત બોલાવી લીધા હતા અને તે બાદ અમેરિકી રાજદૂત પણ મોસ્કોથી પરત આવી ગયા હતા. આ ઉપરાંત અમેરિકાએ હાલમાં જે રીતે સાયબર એટેક થયા છે અને ગેસ પાઈપલાઈન ઠપ્પ કરીને ખંડણી વસુલાઈ છે. તેમાં રશિયન હેકર્સની ભૂમિકાનો મુદો બાઈડને ઉપાડયો હતો.

જો કે રશિયાએ તેમાં કોઈ રાજયની ભૂમિકાનો ઈન્કાર કર્યો હતો. જીનીવાની ઐતિહાસિક લાઈબ્રેરીમાં બન્ને વચ્ચે મીટીંગ સમયે તેમની બોડી લેંગ્વેજ પણ વિચિત્ર હતી. વિશ્વ ના સૌથી અલભ્ય પુસ્તકોની રેન્ક આગળ બન્ને નેતાઓ બેઠા હતા પણ બન્નેએ એક બીજાની આંખમાં આંખ નાંખવાનું ટાળ્યું હતું. બાઈડને આ મુલાકાતને પ્રોડકટીવ કંઈક અંશે આશાભરી ગણાવી હતી.

જો કે બાઈડનને જયારે એવું પૂછવામાં આવ્યું કે પુટીન એક ટ્રસ્ટેડ (વિશ્વાસુ) નેતા છે તો તેઓએ જવાબ આપવાનું ટાળ્યુ હતું. બાદમાં વ્હાઈટ હાઉસે એક ટવીટ કરીને પુટીન બહું સ્પષ્ટ જવાબ આપતા નહી હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાતમાં બાઈડને પહેલા હાથ મિલાવવા પ્રયાસ કર્યો અને પુટીન સામે સ્મિત કર્યુ હતું પણ આ સમયે બન્ને નેતાઓને વેલકમ કરવા આવેલા સ્વીટઝરલેન્ડના પ્રમુખ ભણી પુટીનનું ધ્યાન હતું.


Related News

Loading...
Advertisement