ભાવનગર, અમરેલી, ઝાલાવાડમાં 1 થી 4 ઇંચ વરસાદ

18 June 2021 10:53 AM
Bhavnagar Saurashtra Top News
  • ભાવનગર, અમરેલી, ઝાલાવાડમાં 1 થી 4 ઇંચ વરસાદ

ગારીયાધારમાં 4, ભાવનગરમાં 3, ઉમરાળા અને વલ્લભીપુરમાં 2-2 ઇંચ : સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટાથી અડધો ઇંચ : લાઠીમા ર, અમરેલી, બાબરામાં 1-1 ઇંચ પાણી પડયુ

રાજકોટ તા.18
સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધિવત ચોમાસુ બેસે તે પહેલા અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં ધીમી ધારે મેઘસવારી ઉતરી રહી છે. ગઇકાલે ઝાલાવાડમાં હળવો ભારે વરસાદ પડયો હતો. તો ભાવનગર જિલ્લામાં ચાર ઇંચ સુધી પાણી પડી ગયુ છે. અમરેલી જિલ્લામાં બે ઇંચ સુધી વરસાદ ખાબકયો છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામાં સીઝનનો પ્રથમ વરસાદ જ વાવણીલાયક વરસી ગયો છે. સમગ્ર જિલ્લામાં અડધાથી ચાર ઇંચ વરસાદ પડી ગયો છે. સમયસર ચોમાસુ બેસી જતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. ગોહિલવાડ પંથકમાં ગઇકાલે બપોર પછી મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી થઇ હતી અને સીઝનનો પહેલો વરસાદ અડધાથી ચાર ઇંચ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ખેડૂતો પણ હવે વાવણી શરૂ કરી દેશે.

આજે સવારે છ વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમ્યાન ભાવનગર શહેરમાં 78 મીમી ગારીયાધારમાં 99 મીમી, ઉમરાળામાં 56 મીમી, વલ્લભીપુરમાં 50 મીમી, પાલીતાણમાં 39 મીમી, સિહોરમાં 32 મીમી, ઘોઘામાં 15 મીમી, જેસરમાં 13 મીમી, તળાજામાં 6 મીમી વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ વાદળીયુ વાતાવરણ રહેવા પામ્યું છે.

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેર સહીત જીલ્લાનાં વિવિધ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુરૂવારે આખો અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર વરસાદ પડયો હતો ચોમાસામાં પ્રારંભરૂપે સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. સુરેન્દ્રનગર શહેર સહીત મુળી, સાયલા, ધ્રાંગધ્રા, લીંબડી, લખતર,થાન સહીતના તાલુકાઓમાં ગઈકાલે વરસાદ પડયો છે. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બપોર પછી વરસાદ વરસતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી હતી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ફલડ ક્ન્ટ્રોલ રૂમનાં જણાવ્યા પ્રમાણે સાંજના 6વાગ્યા સુધીમાં લખતરમાં સૌથી વધુ 14મી.મી. એટલે કે અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મુળી તાલુકામાં 8મી.મી સાયલા-લીંબડીમાં 2મીમી વરસાદ નોંધાયો હતો. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા રાહદારીઓ અને વાહનચાલકોને ચાલવામાં મુશ્કેલી પડી હતી. સુરેન્દ્રનગર શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. પ્રથમ વરસાદ સાથે પાણી ભરાવવાની સમસ્યા શરૂ થઈ ગઈ હતી હાલમાં પણ વર્રાદી માહોલ જામેલો છે.

અમરેલી
અમરેલી જિલ્લામાં ગઈકાલે અસહૃા બફારા વચ્ચે સામાન્ય ઝાપટાથી લઈને 2 ઈંચ જેટલો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતો તો વાવેતર ઉપર વરસાદ પડતા જગતાત ગણાતા ખેડૂતોમાં હર્ષનો માહોલ જોવા મળતો હતો. દિવસભર અસહૃા બફારા બાદ સાંજના સમયે એકાદ ઈંચ જેટલો વરસાદ પડયો હતો તો બાબરા, લીલીયા, કુંકાવાવ, ચિતલમાં એકાદ ઈંચ તો લાઠી પંથકમાં ર ઈંચ વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાા છે. તો વડિયામાં પણ સામાન્ય ઝાપટુ પડયાનું જાણવા મળેલ છે.કુંકાવાવમાં ગઈકાલે સમી સાંજે એક ઈંચ જેટલો વરસાદ વરસતા ખેતરમાં અગાઉ કરેલ વાવેતરને ફાયદો થયો છે.

લાઠીમાં ગઈકાલે અસહય બફારા બાદ ઘટાટોપ વાદળો ધસી આવતા અંદાીજત દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ચિતલ ગઈકાલે 6 વાગ્યા પછી ધોધમારએક કલાક વરસી જતા આશરે 1 ઈંચ પાણી પડી ગયું. જસવંતગઢ, ચિતલ તથા આજુબાજુની મોણપુર, રાંઢીયા, લુણીધાર, બળેલ પીપરીયા, જીવાપર, ધરાઈ, વાવડી, રીકડીયા, ભીલા, ભીલડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી જતા ખેડૂતો, આમપ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો.

બાબરામાં બાબરા સહિત ચમારડી, વાવડી, ધરાઈ, ઘૂઘરાલા, કરીયાણા, દરેડ, જામબરવાલ, ઉંટવડ, ચરખા, વલારડી, લૂંણકિ, કુંવરગઢ, કોટડાપીઠા સહિતના લગભગ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડયો હોવાના સમાચાર મળ્યા છે હજુ એકાદશીને બે ચાર દિવસ બાકી છે ત્યારે પુર સમો વરસાદ પડશે તેવી સૌ કોઈ આશા બાંધીને બેઠા છે. ચમારડી ગામે વાવણી થયા બાદ વરસાદના આવતા ખેડૂતોએ વાવેલ મોંઘા ભાવના બિયારણો ફેઇલ જવાનો ડર હતો પરંતુ ગુરૂવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. માત્ર 20 થી 25 મિનિટમાં જ બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. બંને વિસ્તારમાં વાવણી રજૂ થઇ છે.


Related News

Loading...
Advertisement