WTC ફાઈનલ 144 વર્ષનો સૌથી મોટો મુકાબલો: પહેલી વખત મળશે ચેમ્પિયન

18 June 2021 12:15 PM
Sports
  • WTC ફાઈનલ 144 વર્ષનો સૌથી મોટો મુકાબલો: પહેલી વખત મળશે ચેમ્પિયન

વન-ડે અને ટી-20 તો ઠીક ઓલિમ્પિકમાં ક્રિકેટ ચેમ્પિયન મળી ગયો પણ ટેસ્ટ મેચના ‘મહારથી’ની હજુ સુધી જોવાતી’તી રાહ: વન-ડે ફોર્મેટના 50 વર્ષના ઈતિહાસમાં 6 વખત, ટી-20 ફોર્મેટના 16 વર્ષના ઈતિહાસમાં પાંચ વખત ચેમ્પિયન મળ્યા છે: ભારત પાસે પ્રથમ પ્રયાસે જ બીજી વખત વિશ્વ વિજેતા બનવાની તક

નવીદિલ્હી, તા.18
‘સૌથી મોટો મુકાબલો.’ આ એક એવું વાક્ય બની ગયું છે જે ગમે ત્યાં-ગમે ત્યારે ઉપયોગ કરી લેવામાં આવે છે પરંતુ આ વખતે એવું બિલકુલ નથી. અમે અહીં જે મુકાબલા (ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ)ની વાત કરી રહ્યા છીએ તે વાસ્તવમાં 144 વર્ષનો સૌથી મોટો મુકાબલો છે.

આ વાતને સાબિત કરવા માટે કોઈ રોકેટ સાયન્સની પણ જરૂર નથી. બસ, નાના-નાના અમુક મુદ્દા છે જેને વાંચીને તમે ખુદ માની લેશો કે આ ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો મુકાબલો શા માટે છે. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજે રમાવાનો છે જેના ઉપર પાંચ દિવસ સુધી આખા વિશ્વની મીટ મંડાયેલી રહેશે. આ મુકાબલો શા માટે મોટો છે તેને લગતાં પાંચ મુદ્દા અત્રે પ્રસ્તુત છે.

(1) ક્રિકેટનો ઈતિહાસ અંદાજે 400 વર્ષ જૂનો છે પરંતુ બે દેશો વચ્ચે પહેલો ઔપચારિક મુકાબલો 1877માં રમાયો હતો. આ એક ટેસ્ટ મેચ હતો જેમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ આમને-સામને હતી. ટેસ્ટ મેચ બાદ ક્રિકેટના વધુ બે ફોર્મેટ આવી ચૂક્યા છે. હવે આખી દુનિયા ટેસ્ટ મેચ સાથે સાથે વન-ડે અને ટી-20 મેચનો આનંદ પણ માને છે તો ક્યાંક વળી ટી-10 અથવા ગલી ક્રિકેટ પણ રમાય છે પરંતુ તેને આઈસીસીની માન્યતા નથી.

(2) પહેલો વન-ડે મુકાબલો 1971માં રમાયો હતો. આ વખતે પણ ટેસ્ટ મેચની જેમ જ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમે આમને-સામને હતી. આ મુકાબલાના ચાર વર્ષ બાદ જ વન-ડે ક્રિકેટનો પહેલો વર્લ્ડકપ રમાયો હતો જેને વેસ્ટ ઈન્ડિઝે જીત્યો હતો. આ રીતે વન-ડે ક્રિકેટને 1975માં વિશ્વ ચેમ્પિયન મળીગયો હતો પરંતુ ટેસ્ટ ક્રિકેટને આજે પણ આવા ચેમ્પિયનનો ઈન્તેજાર છે.

(3) પહેલો ટી-20 ઈન્ટરનેશનલ મુકાબલો 2005માં રમાયો હતો. આ વખતે પણ પહેલાં મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાને ઉતરી હતી પરંતુ તેની સામે ઈંગ્લેન્ડ નહીં પરંતુ ન્યુઝીલેન્ડની ટીમ હતી. આ મુકાબલાના માત્ર બે વર્ષની અંદર ટી-20 વર્લ્ડ ચેમ્પિયનશીપ પણ રમાઈ હતી જેમાં પાકિસ્તાનને હરાવીને ભારતે જીત મેળવી હતી. આ રીતે ટી-20 ક્રિકેટને 2007માં વિશ્વ ચેમ્પિયન મળી ગયો હતો.

(4) ક્રિકેટની રમત ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સથી લઈને એશિયન ગેમ્સ સહિતનામાં સામેલ થઈ ચૂકી છે. પેરિસ ઓલિમ્પિક (1900)માં બ્રિટને ફ્રાન્સને હરાવીને ક્રિકેટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ ત્યારથી લઈને આજ સુધી ક્રિકેટ બીજી વખત ઓલિમ્પિકનો હિસ્સો બની શક્યું નથી મતલબ કે એક વખત ક્રિકેટને ઓલિમ્પિક ચેમ્પિયન મળી ચૂક્યો છે પરંતુ વિશ્વ ચેમ્પિયનનો ઈન્તેજાર હજુ સુધી પૂરો થયો નથી.

(5) આઈસીસીએ ક્રિકેટ ઈતિહાસમાં પહેલી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું છે જેનો ફાઈનલ મુકાબલો આજથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ 144 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલો પ્રસંગ છે જ્યારે ક્રિકેટને પોતાના સૌથી જૂના અને સંપૂણે ફોર્મેટનો વિશ્વ ચેમ્પિયન મળવાનો છે.
ક્રિકેટપ્રેમીઓ જાણે છે કે વન-ડે મેચના 50 વર્ષના ઈતિહાસમાં 6 અલગ-અલગ વિશ્વ ચેમ્પિયન મળી ચૂક્યા છે. આ જ રીતે ટી-20 ક્રિકેટના 16 વર્ષના ઈતિહાસમાં પાંચ વિશ્વ ચેમ્પિયન મળી ચૂક્યા છે પરંતુ 144 વર્ષમાં પહેલી વખત વિશ્વ ચેમ્પિયન મળવાનો છે.


અમે હારી જઈશું તો પણ ફરક નથી પડતો, આ મેચ સામાન્ય મેચની જેમ જ છે: કોહલી
આજે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઈનલ રમતાં પહેલાં વર્ચ્યુઅલી પત્રકાર પરિષદને સંબોધન કરતાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે અમે આજનો મુકાબલો હારી જઈશું તો પણ ફરક નથી પડતો અને આ મેચ ફાઈનલ છે એવું પણ અમે માનતા નથી અને તેને સામાન્ય મેચની જેમ જ લઈએ છીએ. કોહલીએ કહ્યું કે અમે ટી-20 અને વન-ડે ચેમ્પિયન બની ચૂક્યા છીએ જે ક્ષણ અમારા માટે ખાસ રહી હતી પરંતુ આ બધું તો ચાલ્યે જ રાખવાનું છે. વિલિયમસન વિશે કોહલીએ કહ્યું કે અમે બન્ને સારા મીત્રો છીએ પરંતુ જ્યારે મેદાનની અંદર જઈએ છીએ ત્યારે એકબીજાના વિરોધી બની જઈએ છીએ અને પોતાની ટીમને જીતાડવા માટે તાકાત લગાવી દઈએ છીએ.

ન્યુઝીલેન્ડનો આ બેટસમેન રમશે પોતાનો અંતિમ મેચ
ન્યુઝીલેન્ડના સંકટમોચક ગણાતાં વિકેટકિપર બી.જે.વોટલિંગ ભારત વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. વોટલિંગને આશા છે કે આ મુકાબલો જીતીને તે પોતાના શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયરને વિદાય આપશે. વોટલિંગનો આ 75મો અને અંતિમ ટેસ્ટ હશે. કમરની ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાછલા સપ્તાહે બીજા ટેસ્ટ મેચમાંથી બહાર રહેલા વોટલિંગે આ મહત્ત્વના મુકાબલા માટે ટીમમા વાપસી કરી છે. તેણેક હ્યું કે મને આ મેચનો ઈન્તેજાર છે અને હું તેમાં મારી પૂરી તાકાત લગાવી દઈશ.

ટીમ ઈન્ડિયાના આ રણબંકાઓ લગાવશે એડીચોટીનું જોર
વિરાટ કોહલી (કેપ્ટન)
અજિંક્ય રહાણે
(વાઈસ કેપ્ટન)
રોહિત શર્મા
શુભમન ગીલ
ચેતેશ્વર પુજારા
રવીન્દ્ર જાડેજા
રવિચંદ્રન અશ્વિન
ઋષભ પંત (વિકેટકિપર)
જસપ્રીત બુમરાહ
ઈશાંત શર્મા
મોહમ્મદ શામી


Related News

Loading...
Advertisement