ગુનેગારોને તાકિદે ઝડપી પીડીત મહિલા કર્મચારીઓને ન્યાય આપો: ‘આપ’

18 June 2021 02:38 PM
Jamnagar Crime Saurashtra
  • ગુનેગારોને તાકિદે ઝડપી પીડીત મહિલા કર્મચારીઓને  ન્યાય આપો: ‘આપ’
  • ગુનેગારોને તાકિદે ઝડપી પીડીત મહિલા કર્મચારીઓને  ન્યાય આપો: ‘આપ’

જી.જી.હોસ્પિટલના કથિત સેકસકાંડનું પ્રકરણ : ન્યાયની માંગણી સાથે ધરણા કરનાર એટેન્ડન્ટોની મુલાકાતે ‘આપ’ના નેતા: પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલે જામનગર આવી આંદોલનને સમર્થન જાહેર કર્યુ: જવાબદારો સામે ઝડપી પગલાની માંગ

જામનગર તા.18:
જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલના ચકચારી કથિત સેકસકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી શરૂઆતથી જ સામેલ થઇ છે ત્યારે ગઇકાલે સાંજે પક્ષના પ્રદેશ સંગઠ્ઠન મંત્રી અજીત લોખિલ પણ જામનગર આવી પહોંચ્યા હતા અને ધરણા ઉપર ઉતરેલ દેખાવકારોની મુલાકાત લઇ તેની માંગણીને ટેકો જાહેર કર્યો હતો.

જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં હંગામી ધોરણે ભરતી કરાયેલ પેશન્ટ એટેન્ડન્ટોમાં અનેક મહિલાકર્મી પણ હતા. 800 જેટલા એટેન્ડન્ટો પૈકી 700 જેટલાને કામ ન હોવાથી છુટા કરાયા હતા. અનેકના પગાર ચુકવાયા ન હતા.

આ પછી ચાર દિવસ પહેલા કેટલાક એટેન્ડન્ટોએ કલેકટર તંત્રને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે તેઓની જાતિય સતામણીનો પણ આક્ષેપ કર્યો હતો. પરંતુ તંત્રે ગંભીરતા ન દાખવતા આમ આદમી પાર્ટી આ મુદ્દે મેદાનમાં આવી હતી.

આ ઉપરાંત મહિલા આગેવાનો પણ મહિલા એટેન્ડન્ટોની તરફેણમાં અને તેઓને ન્યાય મળે તે માટે સક્રિય બન્યા હતા. મિડિયામાં આ પ્રકરણ ચગતા જ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ સત્તાધીશો ચોંકી ઉઠયા હતા અને તાકિદે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા જિલ્લા કલેકટર રવિશંકરને આદેશ કર્યો હતો.

કલેકટરે તપાસ સમિતિની રચના કરી છે. જેમાં મહિલા પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર, એ.એસ.પી. રિતેષ પાંડે અને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડીન ડો.નયનાબેન પટેલનો સમાવેશ થાય છે.

આ સમિતિએ બુધવારથી જ તપાસ શરૂ કરી હતી અને બુધવારે જ 8 એટેન્ડન્ટોના નિવેદન નોંધ્યા હતા. તેમજ એક કથિત આક્ષેપિતનું પણ નિવેદન લીધુ હતું.

ગઇકાલથી જી.જી.હોસ્પિટલ પરિસરમાં એટેન્ડન્ટોએ ફરિયાદ દાખલ ન થાય અને નક્કર ખાત્રી ન મળે ત્યાં સુધી ધરણા કરવાનું શરૂ કર્યુ હતું. આ એટેન્ડન્ટોની છાવણીની મહિલા આગેવાનો, ‘આપ’ના સ્થાનિક પ્રમુખ વિગેરેએ મુલાકાત લીધી હતી અને ખુલ્લામાં વિરોધ શરૂ કર્યો હતો. તપાસ સમિતિની સિસ્ટમ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.

આ પછી ગઇકાલે સાંજે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠ્ઠન મંત્રી અજીત લોખિલ પણ જામનગર આવી પહોંચ્યા હતા અને ધરણા કરી રહેલ એટેન્ડન્ટોની છાવણીની મુલાકાત લઇ તેમને ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી તમામ સહકાર આપશે તેવી ખાત્રી આપી હતી. તેમણે જવાબદારો સામે ઝડપી અને કડક કાર્યવાહીની પણ તરફેણ કરી હતી.


Related News

Loading...
Advertisement