ગુજરાતમાં કોરોના રસીકરણનું મહા-અભિયાન: 500 સંગઠનો-સામાજીક સંસ્થાઓનો સહયોગ લેવાશે

18 June 2021 04:55 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં કોરોના રસીકરણનું મહા-અભિયાન: 500 સંગઠનો-સામાજીક સંસ્થાઓનો સહયોગ લેવાશે

21 થી 30 જુન દરમ્યાન આયોજન: 5000 સેશન પર મોટાપાયે રસીકરણ: વેકિસન લેવાથી દુર ભાગતા લોકોને સમજાવવા સંસ્થાઓની મદદ

અમદાવાદ તા.18
કોરોના સામેનો જંગ જીતવા માટેનુ સૌથી અસરકારક હથીયાર વેકિસનેશન છે છતાં તેમાં અપેક્ષીત ઝડપ આવી શકતી નથી ત્યારે રાજય સરકાર દ્વારા રસીકરણ માટે મહા અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે અને તેમાં 500 થી વધુ બીન સરકારી-સામાજીક સંસ્થાઓને સામેલ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

2 થી 30 જુન સુધી યોજાનારા આ મહા અભિયાનનાં અત્યાર સુધી રસી લેવામાં આનાકાની કરતા કે તેનાથી દુર ભાગતા નબળા વર્ગનાં લોકોને આવરી લેવાનો ટારગેટ રાખવામાં આવશે. રાજય સરકારનાં માહિતગાર સુત્રોએ જણાવ્યુ છે કે રસીની અછતની સ્થિતિ હવે હળવી બની ગઈ છે. પર્યાપ્ત સપ્લાય થવા લાગી છે અનેક લોકો રજીસ્ટ્રેશનની ઝંઝટને કારણે રસી લેતા ન હોવાનું માલુમ પડયુ છે. એટલે હવે વેકિસનેશન કેન્દ્રો પર સ્પોટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજય સરકારે અત્યાર સુધીમાં વેકિસનેશનનાં 2400 સેશન યોજી લીધા છે હવે મોટા વર્ગને આવરી લેવાનાં ઉદેશ સાથે સેશન સંખ્યા વધારીને 5000 કરવાનો ટારગેટ બાંધવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગનાં અગ્રસચીવ મનોજ અગ્રવાલે જણાવ્યુ હતું કે રસીકરણનો વ્યાપ વધારવા માટે મહા અભિયાન અંતર્ગત 500 બિન સરકારી સંગઠનો-સામાજીક સંસ્થાઓનો સહયોગ મેળવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.

રસી લેવામાં આનાકાની કરતા લોકોને સમજાવીને પ્રોત્સાહીત કરવાનું કામ સોંપાશે.છેવાડાના લોકો સુધી કોરોના રસીનો લાભ પહોંચે તે માટે તમામ જીલ્લા કલેકટરો સાથે નિયમીત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. રજીસ્ટ્રેશન કરાવી ન શકતા લોકોનાં ઓન-ધ-સ્પોટ રજીસ્ટ્રેશનની સુવિધા સર્જવાનું આયોજન છે. રસીકરણ અભિયાનમાં સાથ આપવા માટે સામાજીક સંસ્થાઓએ તૈયારી બતાવી છે. રસીકરણનો ટારગેટ હાંસલ કરવામાં સંસ્થાઓની ભૂમિકા મહત્વની સાબીત થઈ શકે છે.

કારણ કે તેઓ લોકોની વધુ નજીક હોય છે. રાજયનાં રસીકરણ અધિકારી ડો.નયન જાનીએ કહ્યું કે સરકાર તરફથી આરોગ્ય સ્ટાફ, સેશન વગેરેની તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે સેશન ડબલ કરવામાં આવશે. સામાજીક સંસ્થાઓનાં સહયોગથી રસીકરણને વેગ મળશે.


Related News

Loading...
Advertisement