આણંદમાં મેઘરાજાનો ‘આનંદ’; ચાર કલાકમાં સાત ઈંચ વરસાદ: ઠેર-ઠેર જળબંબાકાર

18 June 2021 05:12 PM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • આણંદમાં મેઘરાજાનો ‘આનંદ’; ચાર કલાકમાં સાત ઈંચ વરસાદ: ઠેર-ઠેર જળબંબાકાર
  • આણંદમાં મેઘરાજાનો ‘આનંદ’; ચાર કલાકમાં સાત ઈંચ વરસાદ: ઠેર-ઠેર જળબંબાકાર

* 36 કલાકમાં 14 ઈંચ પાણી પડી ગયું: વલસાડ, પારડી, ગણદેવી, ઉંમરગામ, નર્મદા, અંબાજી સહિતના શહેરો-તાલુકાઓમાં ‘ખાતું’ ખોલાવતાં વરુણદેવ

* રાજકોટમાં મેઘાનો ‘થપ્પોદાવ’; ધુંઆધાર એન્ટ્રી કર્યા બાદ ‘કરંટ’ ઘટી જતાં લોકો નિરાશ: ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ઝાપટાંથી માંડી ચાર ઈંચ વરસાદ

રાજકોટ, તા.18
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસું સત્તાવાર બેસી ગયું છે અને પ્રારંભે જ મેઘરાજાએ ગુજરાતનો ‘વારો’ લઈને શહેરોને ધમરોળવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન આણંદ ઉપર મેઘરાજાને ‘આનંદ’ ઉભરાયો હોય તેવી રીતે આજે ચાર કલાકમાં સાત ઈંચ સહિત 36 કલાકમાં 14 ઈંચ પાણી વરસાવી દેતાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ પ્રથમ વરસાદમાં જ ખૂલી ગઈ હતી.

આણંદ ઉપરાંત નવસારીનાં ગણદેવીમાં છ ઈંચ, નવસારી શહેરમાં પોણા ત્રણ, જલાલપોરમાં પોણા ત્રણ ઈંચ, વલસાડના ઉમરગામમાં આજે બપોરે 2 વાગ્યા સુધીમાં છ, વાપીમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતમાં ત્રણ, ઓલપાડમાં પોણા ચાર, આણંદના પેટલાદમાં પોણા ચાર, સુરતના ચોર્યાસીમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના 121 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

જ્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગરમાં આજે વહેલી સવાર સુધીમાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયા બાદ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં વધુ અડધો પાણી પડતાં કુલ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઘોઘામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. આવી જ રીતે સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં આજે સવારે 6 વાગ્યા સુધી નોંધપાત્ર વરસાદ પડ્યા આજે બપોરે 2 વાગ્યા સુધી છૂટાછવાયા ઝાપટાં પડી રહ્યા છે.

રાજકોટની વાત કરવામાં આવે તો ગતસાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ થોડી જ મિનિટોમાં તેનો ‘કરંટ’ શાંત પડી જતાં લોકો નિરાશ થઈ જવા પામ્યા હતા. જ્યારે આજે સવારથી ‘ઉઘાડ’ નીકળી જતાં લોકો વરસાદની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે. જ્યારે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો આજે સવારે 6 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધીમાં 35 મીમી એટલે કે દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં પોણો ઈંચ પાણી પડ્યાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે.

સૌરાષ્ટ્રમાં આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ
શહેર - કેટલો વરસાદ
જૂનાગઢ - 2 ઈંચ
ધ્રોલ - દોઢ ઈંચ
ઘોઘા - એક ઈંચ
ગારિયાધાર - એક ઈંચ
હળવદ - પોણો ઈંચ
કોટડાસાંગાણી - પોણો ઈંચ
બરવાળા - પોણો ઈંચ
સાવરકુંડલા - પોણો ઈંચ
વલ્લભીપુર - અડધો ઈંચ
લાઠી - અડધો ઈંચ
ભાવનગર - અડધો ઈંચ
લાઠી - અડધો ઈંચ
જાફરાબાદ - અડધો ઈંચ


Related News

Loading...
Advertisement