અદાણીએ કોરોનાનું કારણ આગળ ધરી ત્રણ એરપોર્ટના સંચાલન સંભાળવાનો સમય માંગ્યો

18 June 2021 06:28 PM
India
  • અદાણીએ કોરોનાનું કારણ આગળ ધરી ત્રણ એરપોર્ટના સંચાલન સંભાળવાનો સમય માંગ્યો

જયપુર, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમ એરપોર્ટ હાલ નહી સંભાળે : અગાઉ પણ અમદાવાદ સહિતના એરપોર્ટ માટે છ માસનો પિરીયડ મેળવ્યો હતો

મુંબઇ તા.18
દેશમાં સૌથી મોટા ઉદ્યોગગૃહ તરીકે આગળ વધી રહેલા અદાણી ગ્રુપને એક તરફ વિદેશી રોકાણના વિવાદનો ફટકો પડયો છે અને અદાણી ગ્રુપની સ્ક્રીપ્ટમાં જે એફઆઇઆઇ રોકાણ થયુ હતું તેમાં પણ રોકાણકારો કંપનીઓની ઓળખના મુદ્દે વિવાદ ચગતાં જ અદાણી ગ્રુપના શેરમાં મોટા ગાબડા પડયા હતા તો હવે ગ્રુપ દ્વારા સરકારને વિનંતી કરીને ત્રણ વિમાની મથકોનું સંચાલન જે અદાણી ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યું છે

તે ઓપરેશન ચાલુ કરવામાં વધુ છ માસનો સમય આપવાની માંગણી કરવામાં આવી છે. અદાણી ગ્રુપે દેશમાં કુલ છ એરપોર્ટનું સંચાલનની બીડ જીતી હતી. કંપનીએ કુલ 2020માં એરપોર્ટ ઓથોરીટી પાસેથી અમદાવાદ, લખનઉ, મેંગ્લોર, જયપુર, ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીનું સંચાલન મેળવ્યુ હતું. જયારે દિલ્હી અને મુંબઇ એરપોર્ટના સંચાલન માટે જી.એમ.આર કંપની પાસેથી સંચાલન હસ્તગત કર્યુ હતું.

પરંતુ અદાણી ગ્રુપ હાલ કોવિડના કારણે એરપોર્ટમાં ઘટેલી આવકને આગળ ધરી રહી છે તથા જયપુર, ગુવાહાટી અને ત્રિવેન્દ્રમનું સંચાલન હસ્તગત કરવા માટે છ માસનો સમય માંગ્યો છે. અગાઉ પણ અદાણી ગ્રુપે અમદાવાદ, લખનઉ અને મેંગ્લોર, એરપોર્ટ માટે આ પ્રકારે સમય માંગ્યો હતો અને કરારની એક કલમ મુજબ અસાધારણ સંજોગોમાં કંપની આ પ્રકારે છ માસનો સમય માંગી શકે છે.

કંપની અમદાવાદ એરપોર્ટના સંચાલન માટે સરકારને પ્રતિ મુસાફર રૂા.85 ચુકવે છે અને કંપનીએ એગ્રેસીવ બીડીંગ કર્યુ હોવાથી તેનુ સંચાલન ખર્ચ રીકવર કરવા એરપોર્ટના અનેક ચાર્જ વધારી દેવાયા છે. સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ પરની દરેક મુવેબલ અને ફિકસ પ્રોપર્ટી તથા અન્ય વ્યવસ્થાનું વેરીફીકેશન કરીને આ પ્રકારનું સંચાલન આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જે રીતે કોરોનાના કારણે પેસેન્જર ઘટયા છે તેમાં એરપોર્ટનું સંચાલન એ મોંઘુ પડી રહ્યું છે.


Related News

Loading...
Advertisement