બોગસ સર્ટી માટે કોની મદદ લેવાઇ? : પીયૂષને રિમાન્ડની માંગણી માટે કોર્ટ હવાલે કરાશે

18 June 2021 06:53 PM
Rajkot Crime
  • બોગસ સર્ટી માટે કોની મદદ લેવાઇ? : પીયૂષને રિમાન્ડની માંગણી માટે કોર્ટ હવાલે કરાશે

બોગસ સર્ટીનો સાચા તરીકે ઉપયોગ કરી દારૂની પરમીટ કઢાવી’તી : ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ આદરી : દારૂની પરમીટ મેળવવા જન્મ તારીખમાં છેડછાડ કરી

રાજકોટ,તા.18
હથિયાર તેમજ વિદેશી દારૂના ગુનામાં ચાર મહિના બાદ પકડાયેલા મહિલા કોંગ્રેસ આગેવાનના પતિ પીયૂષ પ્રેમજી લીંબાસિયાની રિમાન્ડ દરમિયાન વધુ એક ગુનો આચર્યાનું પ્રકાશમાં આવ્યું છે.

ચૂંટણીની આગલી રાતે ફાયરિંગવાળા વીડિયોને પગલે તપાસમાં આ વીડિયો ચાંદની અને તેના પતિ પીયૂષનો હોવાનું ખૂલતા પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો.જેમાં ચાંદની હાથ લાગી હતી પરંતુ પીયૂષ હાથ લાગ્યો ન હતો.જ્યારે ઘરની તલાશીમાં દારૂની બોટલો મળી આવી હતી.જેથી ગુનો નોંધ્યો હતો. ફરિયાદના 4 મહિના બાદ ફરાર પીયૂષની ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી હતી.

ત્યારબાદ એક દિવસના રિમાન્ડ પર લીધો હતો.ફાયરિંગ વાળા બનાવમાં તેને પોતાના લાઇસન્સવાળા હથિયારથી ફાયરિંગનું તપાસમાં જાણવા મળ્યું હતું.જ્યારે તેના ઘરમાંથી મળી આવેલા દારૂ અંગેની પૂછપરછ કરતા તે 2014થી 2017 સુધી આરોગ્ય પરમિટ ધરાવતો હતો, પરંતુ બાદમાં તે રિન્યૂ નહોતી.પીયૂષની પરમિટ અંગેના દસ્તાવેજો તપાસતા તેને બોગસ દસ્તાવેજોના આધારે જન્મ તારીખમાં છેડછાડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પીયૂષની જન્મ તારીખ 13-7-1986 છે. જ્યારે 2014માં તેની સાચી ઉંમર 28 હોવા છતાં તેને 40 વર્ષ દર્શાવી નશાબંધી અને આબકારી વિભાગમાંથી હેલ્થ પરમિટ મેળવી લીધી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે પિયુશ વિરુદ્ધ બોગસ કાગળનો સાચા તરીકે ઉપયોગ કર્યાનો ક્રાઇમ બ્રાન્ચમાં ગુન્હો નોંધાયો છે.આ મામલે સરકાર તરફે ફરિયાદી બની કલમ 465, 467, 471, 472, 473, 474, 198 મુજબ ગુન્હો નોંધાયો હતો

આ ગુન્હાની તપાસ કરતા બનાવટી બોગસ સર્ટીફિકેટ ક્યાં કોની મદદથી બનાવેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવશે.બનાવટી સર્ટી અને રાઉન્ડ સીલ ક્યાં બનાવ્યુ?આ સર્ટીનો ઉપયોગ ખાનગી પેઢીમાં કર્યો હોય તો ક્રાઇમબ્રાન્ચનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.પિયુષના રિમાન્ડની માંગણી માટે કોર્ટ હવાલે કરવામાં આવશે.તેમજ આ બનાવની તપાસ પીએસઆઈ વી.જે.જાડેજા ચલાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement