રાજકોટ : કુટણખાનાના રેકેટમાં હોટલ પાર્ક - ઇનના માલિકની સંડોવણી પણ ખુલી : ધરપકડ

18 June 2021 11:03 PM
Rajkot Crime
  • રાજકોટ : કુટણખાનાના રેકેટમાં હોટલ પાર્ક - ઇનના માલિકની સંડોવણી પણ ખુલી : ધરપકડ

હોટલમાંથી મળી આવેલી દારૂની બોટલ વિપુલ રાઠોડ નામનો પત્રકાર લાવ્યો હોવાનું તપાસમાં ખુલતા તેની પણ અટકાયત કરતી પ્રદ્યુમનનગર પોલીસ

રાજકોટઃ
રાજકોટના સદર બજારમાં આવેલી હોટલ પાર્ક - ઈનમાંથી બુધવારે કુટણખાનાના રેકેટની પર્દાફાશ થયો હતો. આ મામલે હોટલના મેનેજર, રંગરેલીયા માટે ગ્રાહકો શોધી લાવતી એક મહિલા અને એક શખ્સની ધરપકડ કરાઈ હતી. આજે તપાસમાં હોટલના માલિક હિમાંશુભાઇ કૃષ્ણકાંતભાઈ મહેતા (ઉ.વ.૪૩ રહે.ગુરૂકૃપા મકાન, ૩-જ્ઞાનજીવન સોસાયટી, રૈયા રોડ રાજકોટ)ની દેહવ્યાપારના ધંધામાં સંડોવણી ખુલતા તેમને પણ પોલીસે દબોચી લીધા છે.

બુધવારે સાંજે મુંબઈના કલ્કિ નામના એનજીઓના સભ્યોએ મહિલા પોલીસ મથકે આવી બાતમી આપી હતી કે, સંતોષ નામનો વ્યક્તિ એક સગીરાને વેચવાના પ્રયાસમાં છે. તેણે સગીરાને હોટેલ પાર્ક - ઇનમાં રાખી છે. જેથી પોલીસે એનજીઓના સભ્યો, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા અધિકારીઓને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને આખી હોટલનું ચેકીંગ કર્યું હતું. જે દરમિયાન હોટલના રૂમ નં.102માંથી કુટણખાનુ અમે રૂમ નં. 405માંથી સગીરા એકલી મળી આવી હતી. ઉપરાંત 204 નંબરના રૂમમાંથી દારૂની એક બોટલ મળી હતી.

કુટણખાના મામલે પોલીસે પૂછપરછ કરતા એક પશ્ચિમ બંગાળની 28 વર્ષીય યુવતીને હોટલ રૂમમાં રાખી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. તેણીની પૂછપરછ કરાતા ત્યાં હોટલમાં જ હાજર જયશ્રીબેન મનવીરભાઇ ઉર્ફે મુન્નાભાઇ ચાવડા (ઉ.વ.42, રહે.વિરાટ મેઇન રોડ નાલંદા વિદ્યામંદિરની બાજુમાં સાપરીયાવાળી શેરી નં.3, રાજકોટ, મૂળ આજવા પેટ્રોલપંપ પાસે, વડોદરા) અને પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ ચંદુભાઇ કક્કડ (ઉ.વ.56, રહે.રામનગર જયંત કે.જી.સોસાયટી, ગોંડલ રોડ, સીટી રાઇડ બિલ્ડીંગ, મૂળ ગામ કેશોદ, જૂનાગઢ) ગ્રાહક શોધી લાવી ગ્રાહક પાસેથી રૂ.2000 લઈ તેણીને રૂ.500 આપી દેહવ્યાપાર કરાવતા હોવાનું કહ્યું હતું. જેથી તે બન્નેની ધરપકડ કરાઈ હતી. આ બાદ તપાસમાં હોટેલ મેનેજર મેહુલ બેચર ચોટલીયા (ઉ.વ.30, રહે. આત્મન એપાર્ટમેન, ગાંધીગ્રામ)ની પણ સંડોવણી ખુલી હતી. ઉપરાંત આજે હોટેલ માલિકની પણ સંડોવણી હોવાનું સામે આવતા તેમની પણ ધરપકડ કરાઈ છે.

દારૂની બોટલ મળ્યા અંગે હોટેલ મેનેજર સામે ગઈકાલે ગુનો નોંધાયો હતો. પૂછપરછમાં વિપુલ રાઠોડ નામનો પત્રકાર દારૂની બોટલ લાવ્યો હોય અને તે રૂમ પણ તેના નામે જ બુક હોય પોલીસે વિપુલ રાઠોડ (ઉ.વ.43, રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ, રેલનગર, રાજકોટ)ની પણ ધરપકડ કરી છે.

આ કામગીરીમાં પ્રદ્યુમનનગરના પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી.પટેલ, એ.એસ.આઇ.સેજયભાઇ દવે, હેડ કોનસ્ટેબલ જનકભાઈ કુગશીયા, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ હરેશભાઈ કુકડિયા, અશોકભાઇ હુબલ, અક્ષયભાઇ ડાંગર, મહાવિરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કુલદિપસિંહ, પ્રદિપસિંહ ગોહીલ ફરજ પર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement