ગોંડલ : મર્કેન્ટાઇલ ક્રેડીટ કો-ઓપ સોસાયટી દ્વારા ચુનો લગાવનારા ત્રણ એજન્ટો સામે પોલીસમાં ફરીયાદ

18 June 2021 11:17 PM
Gondal Crime Saurashtra
  • ગોંડલ : મર્કેન્ટાઇલ ક્રેડીટ કો-ઓપ સોસાયટી દ્વારા ચુનો લગાવનારા ત્રણ એજન્ટો સામે પોલીસમાં ફરીયાદ

મંડળીના મેનેજર દિપકભાઇ સોરઠીયાએ એજન્ટોએ સોસાયટીના નામે લાખોની છેતરપીંડી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ:
ગોંડલ મર્કન્ટાઇલ ક્રેડીટ કો-ઓપ સોસાયટી લી.માં બચત એજન્ટ તરીકે કામ કરી રહેલાં એજન્ટનું કોરોનામાં મૃત્યુ થયા બાદ મોટા ભાગના બચતકારોના પૈસા કો-ઓપ. સોસાયટીમાં જમા થવાંને બદલે બારોબાર પગ કરી ગયા હોય બચતકારો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી થયાની વિગતો સાથે મર્કન્ટાઇલ ક્રેડીટ કો.ઓપ.સોસાયટીના મેનેજર દિપકભાઇ સોરઠીયા દ્વારા ગોંડલ સીટી પોલીસમાં છેતરપીંડી કરનાર ત્રણ શખ્સો અનિલ ઘુસાભાઇ ભાલાળા, દિનેશ ઘુસાભાઇ ભાલાળા તથાં કોરોનાથી મૃત્યુ પામનાર કેતન ઘુસાભાઇ ભાલાળા સામે બેંક તથા ગ્રાહકો સાથે છેતરપીંડી કરવા અંગે આઇપીસી કલમ 409, 406, 420 મુજબ ફરીયાદ લેવા અરજી કરી છે.

જેમાં જણાવાયું છે કે, આ ત્રણેય શખ્સોએ એકસંપ કરી અનિલ ઘુસાભાઇ ભાલાળા એજન્ટ હોવાથી દૈનિક બચતની પાસબુક મેળવી મેળાપીપણું કરી ફિકસ ડીપોઝીટના નામે નાણાં ઉઘરાવી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી છે. વધુમાં સોસાયટીની રકમની ઉચાપત કરી પાસબુકમાં ખોટી એન્ટ્રી કરી ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક કૌભાંડ આચર્યું છે.

કો.ઓપ. સોસાયટી દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, એજન્ટોને ફક્ત દૈનિક અને માસીક બચતની રકમ સ્વિકારવાનો અધિકાર અપાયો છે. ફિકસ ડીપોઝીટ અંગે અધિકાર અપાયા નથી. એજન્ટો દ્વારા કરાયેલા કારસ્તાન અંગે સોસાયટી જવાબદાર નથી. સોસાયટીની કામગીરી છેલ્લાં 21 વર્ષથી વિશ્વસનીયતાથી ચાલી રહી છે. ત્યારે કેટલાક તત્વો દ્વારા મંડળીની શાખનું ધોવાણ થાય તેવું કૃત્ય કરાયું છે.


Related News

Loading...
Advertisement