પોરબંદરમાં ચાર શખ્સોએ છરી-તલવારના ઘા ઝીંકી રાજુ મેરની હત્યા નિપજાવી

21 June 2021 12:42 PM
Porbandar Crime
  • પોરબંદરમાં ચાર શખ્સોએ છરી-તલવારના ઘા ઝીંકી રાજુ મેરની હત્યા નિપજાવી
  • પોરબંદરમાં ચાર શખ્સોએ છરી-તલવારના ઘા ઝીંકી રાજુ મેરની હત્યા નિપજાવી

પુત્રએ સળગાવેલી સીગારેટનો ધૂમાડો પિતાની હત્યાનું કારણ બન્યુ : પુત્ર પ્રશાંત બપોરે વાળંદની દુકાને વાળ કપાવવા ગયો ત્યારે દુકાનમાં સીગારેટ સળગાવતા ધૂમાડો થતાં ત્યાં દાઢી કરાવી રહેલા મનીષ પરમાર સાથે માથાકુટ થયેલી જેનો ખાર રાખી રાત્રે કડીયા પ્લોટમાં લખુ પરમાર, મનીષ પરમાર, ભરત મેરખી, પ્રતાપ પરમારે ઝઘડો કરી હત્યા નિપજાવી

રાજકોટ તા.21
પોરબંદરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. જે મુજબ ગઇકાલે કડીયા પ્લોટમાં રહેતો પ્રશાંત મેર વાળંદની દુકાને વાળ કપાવવા ગયો ત્યારે સીગારેટ પીતા દુકાનમાં ધૂમાડો થતાં ત્યાં દાઢી કરાવી રહેલા મનીષ પરમાર સાથે ઝઘડો થયો હતો. જે બાબતે રાત્રે પટેલ ઓઇલ મીલ પાસે કડીયા પ્લોટમાં સમાધાન માટે બંને પક્ષના શખ્સો ભેગા થતાં પ્રશાંત મેરના પિતા રાજુ ઉર્ફે ભાવનગરીની છરી તથા તલવારના ઘા ઝીંકી હત્યા નિપજાવતા ચકચાર મચી ગઇ છે. આ મામલે કમલાબાગ પોલીસ મથકમાં મનીષ પરમાર, પ્રતાપ પરમાર, લખુ પરમાર અને ભરત મેરખી સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


પોરબંદરના કડીયા પ્લોટ શેરી નં.8માં રહેતા પ્રશાંત રાજુભાઈ ઉર્ફે રાજુ ભાવનગરી બાપોદરા(મેર)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું છુટક ડ્રાઈવીંગ કરું છું. મારા પપ્પા રાજુભાઇ ઉર્ફે રાજુ ભાવનગરી સામતભાઈ બાપોદરા રીક્ષા ડ્રાઈવીંગ કરે છે. ગઈકાલે બપોરના આશરે ત્રણ - સાડા ત્રણ વાગ્યે હું મારા ઘરેથી મોપેડ લઈ ને સત્યનારાયણ મંદિર પાસે, દેવ દર્શન એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલ કિંગ હેર સલુન નામની સાગરભાઈની દુકાને વાળ કપાવવા માટે ગયો હતો. ત્યારે ત્યાં દુકાનમાં મારી પહેલા કડીયાપ્લોટ મફતિયાપરામાં રહેતા મનીષભાઈ પરમાર, સાગરભાઈ પાસે સેવીંગ કરાવતો હતો અને હું વાળ કપાવવા માટે વેઈટીંગમાં બેસેલો હતો. મને સિગરેટ પીવાની ટેવ હોય, જેથી મે દુકાનમાં મારી પાસે રહેલી સીગરેટ સળગાવીને પીતો હતો. આ દરમ્યાન દુકાનમાં એ.સી. ચાલુ હોય, જેથી સિગરેટનો ધુમાડો દુકાનમાં થતાં સેવિંગ કરાવવા બેસેલ મનીષ પરમારે મને ગાળો બોલેલ અને મને દુકાનની બહાર જઈને સિગરેટ પીવાનું કહી, ઠપકો આપવા લાગ્યો, જેથી મારે તેની સાથે ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હું તે દુકાન ખાતેથી મારા વાળ કપાવ્યા વગર મારા ઘરે જતો રહ્યો. ત્યારબાદ હું બપોરના ચાર સાડા ચાર વાગ્યાના સમયે મારા ઘરે ગયો ત્યારે મારા પપ્પા રાજુભાઈ ઘરે હાજર હોય, જેથી મે તેને વાળંદની દુકાને મનીષ પરમાર સાથે થયેલ ગાળા ગાળી અને બોલાચાલી બાબતે વાત કરી હતી. પછી હું અમારા ઘરની આજુબા જુના લતામાં હતો.

તે દરમ્યાન રાત્રીના સાડા આઠ નવેક વાગ્યાના અરસામાં મારા પપ્પા એ મને ફોન કરીને કહ્યું કે, મારા મોબાઈલ ફોનમાં મનીષ પરમારનો ફોન આવેલો અને મને કહેલ કે, આજે તારા દિકરા સાથે માથાકુટ થઈ છે અને અમે તમારા ઘરે ઝઘડો કરવા માટે આવીએ છીએ. જેથી હું અહીં રેલ્વે ફાટક પાસે બેસેલ છું. આ મનીષ મારો જાણીતો છે. તેની પાસે સમાધાન કરવા જાઉં છું. આમ મને કરી હતી. જેથી હું મારા પપ્પા પાસે રેલ્વે ફાટક પાસે ગયો તો મારા પપ્પા તેનું મોટર સાયકલ લઈને પટેલ મીલ તરફ જતા હતા. જેથી હું પણ ઘરેથી મારી સલામતી માટે તલવાર લઈને તેની પાછળ જતો હતો, ત્યારે થોડે આગળ રસ્તામાં મને મારો મારો મિત્ર હરીશ રાઠોડ મળી ગયેલ, જેથી મેં તેમને કહેલ કે, ચાલ મારી સાથે આપણે હમણા થોડું કામ કરી ને પરત આવી જઈએ, આવું કહીં મેં મારા મિત્ર હરીશને સાથે લઈ લીધો. રસ્તામાંથી મેં મારા મિત્ર દિલીપ મોઢવાડીયા તથા જય શિયાળને ફોન કરી પટેલ ઓઈલ મિલની બાજુમાં આવવા કહેલું, તે પછી હું પટેલ ઓઈલ મિલની આજુબાજુ પંહોચેલે, એ દરમ્યાન મારા મિત્ર દિલીપ તથા જય પણ ત્યાં આવી ગયા, જેથી હું મારો મિત્ર હરીશ જય અને દિલીપ ચારેય જણા પટેલ ઓઈલ મીલની સામે ગયેલા ત્યારે ત્યાં મારા પપ્પાની સામે મનીષ રામ પરમાર તથા લખુ સામત પરમાર તથા પ્રતાપ સામત પરમાર તથા ભરત મેરખી એમ ચારેય જણા ઉભા હતા. મારી સાથે મારા ત્રણ મિત્રોને જોઈ લખુ પરમાર કહેવા લાગેલ કે, તમે લોકો શા માટે અહી આવ્યા છો ? આ ઝઘડો અમારો છે, તમે અહીથી જતા રહો, આવું કહેતા મારા ત્રણેય મિત્રોએ લખુ ને સમજાવેલ કે, તમે લોકો ઝઘડો ન કરો અને અહીથી તમારા ઘરે જતાં રહો, પરંતુ લખુ એ કોઈની વાત સાંભળેલ નહી અને મારા મિત્રોને ત્યાંથી જવાનું કહેલ, જેથી દિલીપ તથા જય તેના મોટરસાયકલમાં તથા હરીશ ચાલીને ત્યાંથી જતા રહ્યા હતા.


વધુમાં ફરિયાદમાં પ્રશાંતે કહ્યું છેકે, થોડીવારમાં આ લખુ, પ્રતાપ, મનિષ તથા ભરત મારા પપ્પા સાથે બોલાચાલી કરવા લાગેલ અને આ ચારેય પૈકી મનીષ રામ પરમારના હાથમાં લાકડી તથા લખુ સામત પરમારના હાથમાં છરી તથા પ્રતાપ સામત પરમારના હાથમાં લોખંડનો પાઈપ હતો અને ભરત મેરખી ખાલી હાથે ઉભો હતો અને આ દરમ્યાન ઉગ્ર બોલાચાલી થતાં મારા પપ્પાને આ ચારેય જણા સાથે મારામારી થઈ હતી. જેમાં મારા પપ્પા એ તેના નેફામાંથી છરી કાઢીને લખુ પરમારને પેટના ભાગે બે ત્રણ ઘા માંરતાં લખુ એ મારા પપ્પાની છરી જુટવીને મારા પપ્પાને છરી મારવા લાગેલ, આ દરમ્યાન મારા ફઈનો દિકરો રાજેશ ઓડેદરા પણ ત્યાં આવી ગયેલ હતો, અને તે મારા પપ્પાને બચાવવા વચ્ચે પડતાં પ્રતાપે તેમને ધક્કો મારી દુર કરી દીધો હતો. જે પછી હું મારા પપ્પાને બચાવવા માટે વચ્ચે પડતાં મનીષ પરમારેએ મારી પાસે રહેલ તલવાર વડે મારા પપ્પાને પગમાં તથા માથા ના ભાગે તલવારો ના ઘા માર્યા, અને પ્રતાપ પરમારએ મારા પપ્પાને પડખાના ભાગે છરીનો એક ઘા મારી દીધો હતો. જેથી મારા પપ્પા લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા, ત્યાર બાદ આ ચારેય જણા એ મને લોખંડના પાઈપ, તલવાર અને છરી તેમજ લાકડી વડે મને જમણા પડખામાં તેમજ ડાબી બાજુ ગાલ ઉપર, તેમજ ગળા 52 માર મારતાં મારા શરીરે છરકાના નિશાનો પડી ગયા હતા. મને મુઢ ઈજાઓ થયેલ છે. આ દરમ્યાન લખું સામત પરમારને પેટના ભાગે ઈજા થઈ હતી. દરમ્યાન આ બનાવની અમારા લતામાં ખબર પડતાં મારા ફઈનો દિકરો દિપક કેશુભાઈ ઓડેદરા તથા મારો મિત્ર ગૌતમ ત્યાં આવી ગયા અને કોઈએ 108 એમબ્યુલન્સને ફોન કરતા એમ્યુલન્સ ત્યાં આવી જતાં મને તથા મારા પપ્પાને સરકારી દવાખાને સારવારમાં લઇ ગયા જ્યાં ફરજ પરના ડોકટરે મારા પપ્પાને તપાસીને મૃત જાહેર કર્યા હતા.બનાવના પગલે પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

લખુ પરમારને છરીનો ઘા લાગી જતાં જામનગર સારવારમાં ખસેડાયો
મૃતક રાજુ ઉર્ફે ભાવનગરીએ મારામારી દરમ્યાન લખુ પરમારને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી લખુ ગંભીર રીતે ઘવાયો હતો. તેને પ્રથમ પોરબંદર બાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.


Related News

Loading...
Advertisement