ગુજરાતમાં વરસાદનું જોર ઘટયુ: માત્ર 58 તાલુકામાં હળવો વરસાદ

23 June 2021 06:17 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં વરસાદનું જોર ઘટયુ: માત્ર 58 તાલુકામાં હળવો વરસાદ

ડભોઈમાં અઢી ઈંચ:અમદાવાદમા સવા ઈંચ

રાજકોટ તા.23
ગુજરાતમાં ચોમાસાનું જોર ધીમુ પડવા લાગ્યુ હોય તેમ માત્ર 58 તાલુકામાં જ વતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો. એક ઈંચથી વધુ વરસાદ ધરાવતા તાલુકાની સંખ્યા 11 ની જ હતી.

રાજય હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વડોદરાનાં ડભોઈમાં નોંધાયો હતો. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા. આ સિવાય ડાંગના આહવામાં બે ઈંચ, મોડાસામાં પોણા બે ઈંચ, ડાંગના ધરાઈ, તથા તાપીનાં ડોલવનમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો.

રાજકોટ તથા અમદાવાદ જેવા મોટા શહેરમાં સવા સવા ઈંચ વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ થઈ હતી. નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર થયા હતા. આણંદનાં ખંભાતમાં પણ સવા ઈંચ વરસાદ હતો ખેડાના કપડવંજમાં એક ઈંચ વરસાદ હતો.

રાજયનાં વડોદરા, ડાંગ, અમદાવાદ, આણંદ, ખેડા,સાબરકાંઠા પંચમહાલ, રાજકોટ, નવસારી, સહીત 20 જીલ્લાનાં 58 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો.
ગુજરાતમાં આજે સવારની સ્થિતિએ સરેરાશ 90.02 મીમી વરસાદ થયો છે. જે 10.72 ટકા થવા જાય છે. દ.ગુજરાતમાં 10.52 ટકા, ઉતર ગુજરાતમાં 12.21 ટકા, મધ્ય ગુજરાતમાં 10.11 ટકા તથા સૌરાષ્ટ્રમાં 9.43 ટકા વરસાદ થયો છે.

મોજ ડેમમાં 0.59 ફૂટ નવુ પાણી આજી ડેમ પર 8 મીમી વરસાદ
સૌરાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં છુટાછવાયા વરસાદ વચ્ચે ચાર ડેમમાં નવા પાણી આવ્યા હતા. રાજકોટ જીલ્લાનાં મોજ ડેમમાં 0.59 ફૂટ નવુ પાણી આવતા સપાટી 25.10 ફૂટ પર પહોચી હતી. જામનગરના ઉંડ-1 માં 0.66 ફૂટ નવુ પાણી આવતા જળસ્તર 7.20 ફૂટ થયુ હતુ.

સુરેન્દ્રનગરનાં વઢવાણ ભોગાવો-2 માં 0.10 ફૂટ નવા પાણીની આવક થઈ હતી. દરમ્યાન રાજકોટમાં ગઈસાંજે ધોધમાર વરસાદ ખાબકયો હતો ત્યારે આજી ડેમમાં સ્ત્રાવ ક્ષેત્રમાં પણ 8મીમી પાણી વરસ્યુ હતું. ગોંડલી ડેમ પર 10 મીમી, વાછપરી ડેમ પર 19 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે, આ જળાશયોની સપાટીમાં કોઈ વધારો થયો ન હતો.


Related News

Loading...
Advertisement