કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદન બાદ મત્સ્ય ઉદ્યોગ મંત્રી ચાવડાએ કહ્યું : ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ઐતિહાસિક પેકેજ માછીમારો માટે જાહેર કરાયુ

23 June 2021 09:31 PM
Government Gujarat
  • કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદન બાદ મત્સ્ય ઉદ્યોગ મંત્રી ચાવડાએ કહ્યું : ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ઐતિહાસિક પેકેજ માછીમારો માટે જાહેર કરાયુ

રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર કટિબધ્ધ : જવાહર ચાવડાએ પરસોત્તમભાઈના નિવેદનનો આપ્યો વળતો જવાબ

રાજકોટઃ
ભાજપના જ કેબિનેટ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સરકારથી નારાજ હોય તેમ એક દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ભાજપમાં માછીમારોને કંઈ આપવામાં આવતું નથી. તેમના આ નિવેદન બાદ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ કહ્યું છે કે, તાઉ-તે વાવાઝોડા સંદર્ભે ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ઐતિહાસિક રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

આજે જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં બોટ અને બોટ જાળ જેવી સાધન સામગ્રી પેટે રૂ. ૧૦ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે. પૂર્ણ નુકશાની પામેલી બોટના કિસ્સામાં કુલ ૧૧૩ માછીમારોને રૂ. ૩ કરોડની સહાય અપાઈ છે. જ્યારે અંશત: નુકશાની પામેલી બોટના કિસ્સામાં કુલ ૭૮૭ માછીમારોને રૂ. પ કરોડની સહાય મળી છે. કુલ ૯૦૦ માછીમારોને રૂપિયા ૮ કરોડની બોટ નુકશાની પેટે સહાય અપાઈ છે. માછીમારોની બોટ જાળને થયેલ નુકશાની માટે કુલ ૮૨૧ માછીમાર લાભાર્થીને કુલ રૂ. ૨ કરોડની સહાય અને તાઉતે અસરગ્રસ્ત સાગરખેડૂઓને મકાન નૂકશાન સહાય - કેશડોલ્સ - ઘરવખરી સહાયના કુલ રૂ. ૭ કરોડ ૮ લાખ ચૂકવાયા છે. સમગ્રતયા રૂ. ૧૭.પ૦ કરોડની સહાય સાગરખેડૂ - માછીમારોને રાજ્ય સરકારે ચૂકવી છે.

વધુમાં તેમણે કહ્યું કે, ૭૭ ખલાસીઓને રૂ. ૧.૫૪ લાખ નિર્વાહ ભથ્થું પણ ચૂકવી દેવાયુ છે. રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કરી તથા રાજ્યના વિવિધ માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમની રજૂઆતો, મંતવ્યો ધ્યાને લઇ રાજ્ય સરકારે પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજમાં સંપૂર્ણ નાશ પામેલ બોટ માટે રૂ. ૫ લાખ સુધીની ઉચ્ચક સહાય તથા રૂ. ૧૦ લાખ સુધીની લોન પર ૧૦% ના દરે વ્યાજ સહાય, અંશત: નાશ પામેલ બોટ માટે રૂ. ૨ લાખ સુધીની ઉચ્ચક સહાય તથા રૂ. ૫ લાખ સુધીની લોન પર ૧૦% ના દરે વ્યાજ સહાય, બોટ જાળ તથા અન્ય સાધન સામગ્રીની નુકશાની પેટે રૂ. ૩૫ હજાર સુધીની સહાય, માછીમારી ખલાસીઓને ફિશિંગ બાન સમય દરમિયાન તેઓનું જીવન નિર્વાહ ચાલી શકે તે માટે રૂ. ૨૦૦૦ ની ઉચ્ચક સહાય પણ આપવાનો રાહત પેકેજમાં સમાવેશ કરાયો છે.

અમરેલી જીલ્લાના જાફરાબાદ ખાતે ૩૯ બોટ વાવાઝોડા દરમિયાન ટગ સાથે અથડાવાના કારણે નુકશાન પામેલ જે પૈકી ૩૧ બોટની સહાય અરજી મળેલ છે. જેની સહાય ચૂકવણી દિન-૨ માં કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડા સંદર્ભે પ્રાથમિક સર્વે મુજબ ૯૯૪ બોટને નુકશાન થયુ હતુ. તે પૈકી ૯૬૪ અરજીઓ મળી હતી. આ પૈકી ૯૦૦ અરજીઓ મંજૂર કરીને સહાય ચૂકવી દેવામાં આવી છે. જયારે ૩૩ અરજીઓ રદ કરાઈ છે. આ ૩૩ અરજીઓ બોટ માલિક દ્વારા બોટનું લાયસન્સ કઢાવેલ ન હોય, છેલ્લા બે વર્ષ દરમિયાન માછીમારી માટે ટોકન લીધેલ નથી, તથા બોટ જે માલિકના નામે બોટ રજીસ્ટ્રેશન ન હોય તેમજ બોટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અન્ય વ્યક્તિના નામે હોય આવા કારણોસર અરજદારોની અરજી રદ કરવામાં આવેલ છે.

● જેટીના નવીનીકરણ માટે ૮૦ કરોડનું પેકેજ

મંત્રી ચાવડા ઉમેર્યું કે, જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા, શીયાળબેટ ખાતેના મત્સ્યબંદરોને થયેલા માળખાકીય નુકશાનને મરામત તથા નવીનીકરણ માટે રૂ. ૮૦ કરોડનું પેકેજ પણ જાહેર કરેલ છે. જે અંતર્ગત હાલ કામોના નકશા અંદાજ બનાવવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. જે કામો તાત્કાલિક પૂર્ણ થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. જેમાં જાફરાબાદ ખાતે રૂ. ૫૭૮૦ લાખના ખર્ચે હયાત જેટીનું વિસ્તરણ કરી ૫૦૦મી. લંબાઈની નવી જેટી બનાવવી, શિયાળબેટ ખાતે રૂ. ૧૦૩૦ લાખ, સૈયદ રાજપરા ખાતે રૂ. ૫૬૦ લાખ, નવાબંદર ખાતે રૂ. ૫૭૫ લાખ ના ખર્ચે નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ કરાશે.

● પેકેજનો લાભ ન મળ્યો હોય તેવી કોઈ રજૂઆત નથી, માછીમાર સમાજે તો સરકારનો આભાર માન્યો

મંત્રી જવાહર ચાવડાએ ઉમેર્યું કે, આ રાહત પેકેજનો લાભ ન મળ્યો હોય તેવી કોઈ રજૂઆત રાજ્ય સરકારને આજદિન સુધી મળી નથી. તેમ છતાં પેકેજનો લાભ લેવામાં જો કોઈ માછીમાર વંચિત રહી ગયા હશે તો, તેઓને પણ પેકેજની સહાય રાજ્ય સરકાર પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આ રાહત પેકેજને તમામ માછીમાર સમાજ આગેવાન દ્વારા બિરદાવીને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.


Related News

Loading...
Advertisement