વલસાડના નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે : મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજુરી

23 June 2021 09:57 PM
Government Gujarat
  • વલસાડના નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે : મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજુરી

પ્રથમ ફેઝમાં અંદાજે રૂ. ૩૮૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ મલ્ટી ફંકશનર પોર્ટ બનશે : ૪૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વિકસાવવાનું આયોજન

રાજકોટઃ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વલસાડ જિલ્લાના નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. આ પોર્ટને પીપીપી મોડલ પર બીઓઓટી એટલે કે, બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફરના ધોરણે વિકસાવાશે, જે માટે ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ માટે ૩૦ને બદલે પ૦ વર્ષનો બીઓઓટી પિરિયડ રાખવાનો ઊદ્યોગ સાનૂકુલ અભિગમ અપનાવ્યો છે. જેના પરિણામે વર્લ્ડકલાસ ડેવલપર્સ પણ આ પોર્ટ ડેવલપમેન્ટ માટેના બિડીંગ પ્રોસેસમાં આકર્ષિત થશે તેવી સંભાવનાઓ પણ છે. નારગોલ ગ્રિનફિલ્ડ પોર્ટમાં પ્રથમ ફેઇઝમાં રૂ. ૩૮૦૦ કરોડના સંભવિત રોકાણ સાથે મલ્ટીફંકશનલ પોર્ટ તરીકે કાર્યરત થશે અને સોલીડ, લીકવીડ તેમજ કન્ટેઇનર કાર્ગો હેન્ડલીંગ માટે સક્ષમ બનશે. આ પ્રથમ ફેઇઝમાં અંદાજે ૪૦ મિલીયન ટન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા આ પોર્ટ પર વિકસાવવાનું આયોજન છે.

નારગોલ પોર્ટ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર (ડીએમઆઈસી) અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર- ડી.એફ.આઇ.સી. ના રૂટ પરનું એક વ્યૂહાત્મક પોર્ટ છે તેનો લાભ પણ લાંબાગાળે આ ગ્રીનફિલ્ડ પોર્ટને મળશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના કેચમેન્ટ વિસ્તારનો ૩૮ ટકા ગુજરાતમાં આવે છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોરથી રાજ્યનો ૬ર ટકા વિસ્તાર લાભાન્વિત થવાનો છે આના પરિણામે દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હાલનો ૪૦ ટકાનો શેર છે તેમાં પણ ઉત્તરોત્તર વધારો થશે.

● કેમિકલ, ટેક્સ્ટાઈલ, પેપર અને સુગર મિલ્સના લીધે પોર્ટનો વિકાસ થશે

કેમિકલ અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રની અનેક મોટી કંપનીઓના એકમ આ વિસ્તારમાં આવેલા છે તેમજ વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. દક્ષિણ ગુજરાતમાં આવેલી પેપર અને સુગર મિલ્સના લીધે નારગોલ માટે આયાત-નિકાસનો ટ્રાફિક હેન્ડલ કરવાની વધારાની તકો પણ ઉભી થશે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં મુંબઈના જવાહરલાલ નહેરું પોર્ટની કન્ટેઈનર હેન્ડલિંગ કેપેસિટીનો પૂર્ણ ઉપયોગ થઈ જવાની સંભાવના છે, પરિણામે આ નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગગૃહોની દરિયાઈ વેપારની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે તેવા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


Related News

Loading...
Advertisement