વડોદરામાંથી રસીકરણ વિરોધી ષડયંત્ર ઝડપાયું: વેક્સિન વિશે અફવા ફેલાવતા બે યુવતી સહિત 8 શખ્સની ધરપકડ

28 June 2021 05:50 PM
Vadodara Crime
  • વડોદરામાંથી રસીકરણ વિરોધી ષડયંત્ર ઝડપાયું: વેક્સિન
વિશે અફવા ફેલાવતા બે યુવતી સહિત 8 શખ્સની ધરપકડ

કમાટીબાગ ખાતે આરોપીઓ પેમ્પ્લેટનું વિતરણ કરતા’તા : પોલીસ સ્થળે પહોંચી પૂછપરછ કરતા અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરીયન્સ ગ્રુપના સભ્યો હોવાનું માલુમ પડ્યું : ગુનો નોંધાયો

રાજકોટ, તા.28
વડોદરામાંથી રસીકરણ વિરોધી ષડયંત્ર ઝડપાયું છે. અહીંના કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડમાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રુપના સભ્યો બનીને વેક્સિનેશનનો વિરોધ કરતી 2 યુવતી સહિત 8ની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.

શહેરમાં કેટલાક દિવસોથી માસ્ક અને વેક્સીનના ગેરફાયદા અંગેનો ભ્રામક પ્રચાર કરતી ટોળકી કાર્યરત થઇ હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું ત્યારે જ સયાજીગંજ પોલીસને બાતમી મળી હતી કે, કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ પાસે કેટલાંક સ્ત્રી પુરુષો ભેગાં મળીને કોરોના વેક્સિન ન લેવા બાબતે ભ્રમ ફેલાવી રહ્યા છે.

માહિતી મળતા જ પીઆઇ વી.બી. પાલ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ત્યાં માસ્ક વગર બે યુવતી સહિત 8 શખ્સો લોકોને વેક્સિન ન લેવા અને માસ્ક ન પહેરવા વાતચિત કરી રહ્યા હતા. જેથી પોલીસે તપાસ કરતાં તમામ અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામના ગ્રુપના સભ્યો કોવિડ વેક્સિનેશનનો વિરોધ કરતાં હોવાનું જણાયું હતું.

એવી જાણકારી પણ મળી રહી છે કે, એક જાગૃત નાગરિકે જાન્યુઆરીમાં પોલીસ, કોર્પોરેશન અને કલેક્ટરને સોશિયલ મીડિયા પર જાણ કરી હતી કે, કમાટીબાગ પાસે સ્ત્રી-પુરુષ એન્ટી માસ્ક અને એન્ટી વેક્સીન વિષયના પેમ્પ્લેટ વહેંચે છે. માસ્ક મુક્ત રહો, વેક્સિન વિરોધી બનો સ્લોગન સાથેની આ પત્રિકામાં માસ્કથી ઓક્સિજન ઘટે છે, ચેપનું જોખમ છે તથા વેક્સિનથી ખતરનાક તત્ત્વો મળે છે, તેનાથી પેરાલીસીસ કે નપુંસક કરી શકે છે તેવા મુદ્દા લખી લોકોને ભરમાવતા હતા.

હાલ પોલીસે નરેન્દ્ર કાલીદાસ પરમાર, (રહે. શ્રીજી ટાઉનશિપ, સોમા તળાવ વડોદરા), ચન્દ્રકાંત બાબુભાઇ મિસ્ત્રી (રહે.કશ્યપ કુટીર બંગલો, વડોદરા), વિશાલ વિજયકુમાર ફેરવાણી (રહે. ગોકુલ ટાઉનશિપ, ગોત્રી, વડોદરા), કેવલ ચન્દ્રકાંત પીઠડિયા (રહે. પંચશીલ ટેનામેન્ટ, હરણી, વડોદરા), જગવીન્દરસિંગ રાજેન્દ્રસિંઘ, રહે. ઘનશ્યામ પાર્ક, ગોરવા, વડોદરા), ઇરફાન યુસુફ પટેલ (રહે. મધુરમ, તાંદલજા, વડોદરા), અવની ઉત્કર્ષ ગજ્જર (રહે. ઉદયપાર્ક, ગોરવા, વડોદરા), ભૂમિકા સંજય ગજ્જર, રહે.લક્ષ્મીદાસ નગર સોસાયટી, ગોત્રી, વડોદરાની અટકાયત કરી આઈપીસી કલમ 120(બી), 143, 188, 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓ શિક્ષિત છે, છતાં ભ્રમ ફેલાવી રહ્યા છે
ઝડપાયેલા આરોપીઓમાં નરેન્દ્ર પરમાર દહેજની ખાનગી કંપનીમાં સિનિયર ઓપરેટર છે, જ્યારે ચન્દ્રકાંત મિસ્ત્રી વોટર રિસોર્સ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. વિશાલ ફેરવાણી હાલોલની કંપનીમાં ડે.મેનેજર છે, કેવલ પીઠડિયા ખાનગી કંપનીમાં એન્જિનિયર છે. જગવીન્દ્ર છાણીની કંપનીમાં નોકરી કરે છે, તથા ઇરફાન પટેલ તેના ઘેર ભરતકામ કરે છે. બંને મહિલા અવની અને ભૂમિકા હાઉસ વાઇફ છે. તમામ આરોપીઓ શિક્ષિત છે. હાલ કોરોના મહામારીનું વરવું રૂપ આપણે બીજી લહેરમાં જોયું ત્યારે વેક્સિન લેવી અને નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આમ છતાં આ શિક્ષિત આરોપીઓ ભ્રમ ફેલાવી રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement