સુરતમાં પેટ્રોલપંપ પર પાણીની બોટલ મફત લેવામાં રવિન્દ્રનો જીવ ગયો

02 July 2021 10:28 PM
Surat Crime Gujarat
  • સુરતમાં પેટ્રોલપંપ પર પાણીની બોટલ મફત લેવામાં રવિન્દ્રનો જીવ ગયો

સોશિયો સર્કલ નજીક નશામાં ચૂર રવિન્દ્રને સર્વોદય પેટ્રોલપંપના કર્મચારીઓએ ઢોરમાર માર્યા બાદ તેને પોલીસ મથકે લઈ જવાયો જ્યાં તે ઢળી પડ્યો

સુરત:
ક્યારેક નાની બોલાચાલીની ઘટના પણ ગંભીર સ્વરૂપ લઈ લેતી હોય છે. જેમાં કોઈ વ્યક્તિનું મોત પણ થઈ જતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરના એક પેટ્રોલપંપ પર બની છે. જ્યાં ફ્રી પાણીની બોટલને લઈ ઝઘડો થયો હતો, જેમાં પેટ્રોલપંપના કર્મચારીઓએ નશામાં ચૂર બાઈકસવારને ઢોર માર માર્યો હતો અને પોલીસ મથકે લઈ જવાયો હતો જ્યાં આ યુવાન ઢળી પડ્યો હતો.

આ બનાવની મળતી માહિતી અનુસાર, મૃતકના ભાઈ હિતેન્દ્ર સાવલિયાએ જણાવ્યું હતું કે રવીન્દ્ર બાલાજી વેફર્સમાં ટેમ્પોચાલક હતો. તે પહેલી જુલાઈના રોજ રાત્રે મિત્ર જોડે બાઇક પર સોશિયો સર્કલ નજીકના સર્વોદય પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો. જ્યાં તેને રૂ. 500ના પેટ્રોલ પર એક પાણીની બોટલ ફ્રી આપતા હોવાની ઓફરને પગલે પાણીની બોટલ માગી હતી. એ બાબતે ઝઘડો થતાં પેટ્રોલ પંપ પર કામ કરતાં તમામ કર્મચારીઓએ ભેગા થઈ તેના પર તૂટી પડ્યા હતાં અને માર મારી અધમૂવો કરી દીધો હતો.

આ ઘટના બાદ પોલીસ દોડી આવી હતી. અને પેટ્રોલ પંપના કર્મચારીઓની ફરિયાદને લઈ પોલીસ ઇજાગ્રસ્ત રવિન્દ્રને સિવિલ લઈ જવાને બદલે ખટોદરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તેને લોકઅપમાં બેસાડી દીધો હતો. ઘટનાની જાણ બાદ હું પોલીસ સ્ટેશન ગયો હતો. જ્યાં તેને કહ્યું કે મને સારૂ નથી લાગતું, એમ કહેતાં પોલીસને સારવાર માટે લઈ જવાની વાત કરવામાં આવે તે પહેલાં જ રવિન્દ્ર જમીન પર ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક 108ને કોલ કરી બોલાવી લેવાઈ હતી. 108માં સિવિલ હોસ્પિટલ લાવતાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ પર ઝઘડાના સીસીટીવી અમારી પાસે આવ્યા છે. ગ્રાહક અને કર્મચારી વચ્ચે મારામારીની ઘટના બની છે. ગ્રાહક દારૂ પીધેલી હાલતમાં હતો અને મૃતકના મિત્ર સામે દારૂ પીધેલાનો કેસ પણ કર્યો છે. આ કિસ્સામાં યોગ્ય તપાસ થાય તે માટે મેજિસ્ટ્રેટ ઇન્કવેસ્ટ ભરીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement