ડભોઈ યુવા ભાજપના ઉપપ્રમુખ સહિત 12 નબીરા જુગાર રમતા ઝડપાયા

04 July 2021 09:36 PM
Vadodara Crime Gujarat
  • ડભોઈ યુવા ભાજપના ઉપપ્રમુખ સહિત 12 નબીરા જુગાર રમતા ઝડપાયા

નર્મદા ક્રાઈમ બ્રાન્ચે તિલકવાડા વિસ્તારમાં દરોડો પાડ્યો, એક બાઈક, 12 મોબાઈલ ફોન, રોકડ મળી 2.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

રાજકોટઃ
નર્મદા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તિલકવાડા વિસ્તારમાંથી વડોદરા જિલ્લાના ડભોઈ નગર યુવા ભાજપના ઉપપ્રમુખ હાર્દિક રમેશચંદ્ર મોચી (ચૌહાણ) સહિત 12 નબીરાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન એક બાઈક, 12 મોબાઈલ ફોન, રોકડ મળી 2.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ નર્મદા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, તિલકવાડા વિસ્તારના મારૂંડીયા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. જેથી પીઆઈ એ.એમ.પટેલ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના સ્થળે રેડ પાડતા ડભોઈ યુવા ભાજપ ઉપપ્રમુખ હાર્દિક મોચી, દિવાન બિસ્મિલાહ શાહ બચુ શાહ (રહે, ડભોઈ), મન્સૂરી ઈમરાન સલીમ (રહે.સંખેડા), મહેશ ગોવિંદ રબારી (રહે.સંખેડા), નરેન્દ્ર શંકરલાલ દરજી (રહે.બહાદુરપુર), આશિષ સુનિલ શાહ (રહે.ડભોઈ), કૃણાલ કિરીટ પટેલ (રહે.તિલકવાડા), તુષાર નરસિંહભાઈ વસાવા (રહે.ડભોઈ), ભીખા વિરમ પરમાર (રહે.કારેલી), રક્ષિત વીપીન પટેલ (રહે.ગુંદીયા), સંજય ખોડાભાઈ રાવલ (રહે.જલોદરા) તથા મિતેષ જેન્તિભાઈ માછી (રહે. તિલકવાડા) પત્તાટીચતા ઝડપાયા હતા.

પોલીસે રૂ.71,020ની રોકડ, રૂ.51,000ની કિંમતના 12 મોબાઈલ, રૂ.1.30 લાખના કિંમતનું એક બાઈક મળી રૂ.2,52,020નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામ 12 આરોપીઓને તિલકવાડા પોલીસને સોંપી ગુનો દાખલ કરાયો હતો. તમામ આરોપીઓએ આખી રાત તિલકવાડા પોલીસ મથકમાં જ વિતાવવી પડી હતી.

આ અંગે વડોદરા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દર્શીત બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ડભોઈ નગર યુવા ભાજપ ઉપપ્રમુખ હાર્દિક ચૌહાણ જુગાર રમતા પકડાયા એ મને જાણવા મળ્યું નથી પણ જો આ બાબતમાં કોઈ તથ્ય હશે તો વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ અમે કાર્યવાહી કરીશું.


Related News

Loading...
Advertisement
Advertisement