વડોદરા SOG પી.આઇ.ના પત્ની બે વર્ષના બાળકને મુકીને રહસ્યમય રીતે ગાયબ

06 July 2021 12:06 PM
Vadodara Crime Rajkot Saurashtra
  • વડોદરા SOG પી.આઇ.ના પત્ની બે વર્ષના બાળકને મુકીને રહસ્યમય રીતે ગાયબ

પી.આઇ. અજય એ.દેસાઇએ પત્ની સ્વીટીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, એક મહિનાથી કોઇ પતો નથી, પરિવારને છોડીને ગૂમ થઇ જવા પાછળનું કારણ શું?

રાજકોટ, તા.6
વડોદરાના પોલીસ બેડામાં છેલ્લા ઘણા દિવસથી એક જ મુદો ચર્ચાસ્પદ બની ગયો છે. વડોદરામાં એસ.ઓ.જી. બ્રાન્ચમાં પી.આઇ. તરીકે ફરજ બજાવતા અજય એ.દેસાઇના પત્ની સ્વીટીબેન છેલ્લા એક મહિનાથી રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા છે. તા.6 જૂનના રોજ સ્વીટીબેન તેમના બે વર્ષના બાળક અને પતિ સહિતના પરિવારને મુકીને ક્યાંક ચાલ્યા ગયા છે. એવુ તે શું બન્યુ કે આ રીતે અચાનક જ ઘરેથી ચાલ્યા ગયા? આ સવાલ પાછળ રહસ્યના અનેક આટાપાટા સર્જાયા છે.

વડોદરા પોલીસની એસ.ઓ.જી. બ્રાન્ચના પી.આઇ. અજય એ. દેસાઇએ પત્ની સ્વીટીબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં એક બે વર્ષનો પુત્ર છે. આમતો તી.આઇ. અજય દેસાઇના લગ્નજીવનમાં પત્ની સાથે કોઇ તકરાર હોવાનું કે અન્ય કોઇ એવી બાબત બહાર આવી નથી. પણ ગત તા.6 જૂનના રોજ સ્વીટીબેન કોઇને કંઇ કહ્યા વગર તેમના બે વર્ષના પુત્રને પણ ઘરે એકલા છોડને ક્યાંક ચાલ્યા ગયા છે. પી.આઇ. દેસાઇના સાળાએ તા.11 જૂને કરજણ પોલીસ સ્ટેશનમાં માત્ર જાણવાજોગ ફરિયાદ જ નોંધાવી હતી. જેના પગલે ગાંધીનગરથી સૂચના મળતા ડીઆઇજી, એસ.પી. સહિતનો કાફલો કરજણ દોડી ગયો હતો. એસ.ઓ.જી. પી.આઇ અજય દેસાઇના પત્ની સ્વીટીબેનના ગાયબ થવાની ઘટનાની તપાસ એસ.પી.એ કરજણ પોલીસ પાસેથી લઇને ડીવાયએસપીને સોંપી છે.

જો કે સ્વીટીબેનની એક મહિનાથી ચાલતી શોધખોળ પછી પણ હજુ સુધી તેનો કોઇ પતો લાગ્યો નથી. આ રીતે બે વર્ષના માસુમ પુત્ર, પતિ સહિતના પરિવારને મુકીને ચાલ્યા જવા પાછળના કારણ અંગે રહસ્યના અનેક આટાપાટા સર્જાયા છે. વડોદરા પોલીસ બેડામાં પણ આ મુદો ચર્ચાનો બની ગયો છે.

રહસ્ય વધુ ઘેરાયુ, ગાયબ થવાની ફરિયાદ પી.આઇ.ના સાળાએ કેમ નોંધાવી?
એસ.ઓ.જી. પીઆઇ અજય દેસાઇના પત્ની સ્વીટીબેન લાપતા હોય ખરેખર તો પીઆઇ દેસાઇએ પોલીસને જાણ કરવી જોઇએ, ફરિયાદ પણ પીઆઇ દેસાઇએ જ નોંધાવવી જોઇએ. તેના બદલે પીઆઇ દેસાઇના સાળાએ કરજણ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હોય આ બાબતને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ફોન સ્વીચ ઓફ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ
સ્વીટીબેન ગૂમ થયા પછી તેમનો મોબાઇલ ફોન પણ સતત સ્વીચઓફ આવી રહ્યો છે. હાલ ડીવાયએસપી હસ્તક ચાલતી તપાસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ ચાલી રહી છે. સ્વીટીબેનના ફોટા સાથેના પેમ્ફલેટ છપાવીને પણ શોધોખળ કરવામા આવી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement