વડોદરામાં રાજકોટના સોની વેપારીના 2.34 કરોડના ઘરેણાં અમદાવાદની છારા ગેંગે લૂંટયા’તા

08 July 2021 12:31 PM
Vadodara Crime Rajkot
  • વડોદરામાં રાજકોટના સોની વેપારીના 2.34 કરોડના ઘરેણાં અમદાવાદની છારા ગેંગે લૂંટયા’તા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલ્યો : પોલીસે ગેંગના 1 સાગરીતને દબોચી લીધો, 6 શખ્સોએ ગુનાને અંજામ આપેલો

દાગીના વેચવાની ફિરાકમાં અમદાવાદમાં ફરતા અમિત છારા પાસેથી રૂા.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

રાજકોટ, તા.8
વડોદરામાં રાજકોટના સોની વેપારીના 2.34 કરોડના ઘરેણાં અમદાવાદની છારા ગેંગે લૂંટયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ગેંગના 1 સાગરીતને દબોચી લીધો છે. 6 શખ્સોએ ગુનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. દાગીના વેચવાની ફિરાકમાં અમદાવાદમાં ફરતા અમિત છારા પાસેથી રૂ.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટની વી.રસીકલાલ પેઢી કે જે સોનાના દાગીનાનો વેપાર કરે છે તેના સંચાલક વિપુલભાઈ ધકાણ (રહે.સાધુવાસવાણી રોડ) ધંધા અર્થે હોન્ડા અમેઝ કારમાં વડોદરા આવ્યાં હતા. જ્યાં વડોદરાની પંચશીલ હોટલમાં બેથી ત્રણ દિવસ રોકાયા હતા. અહીં તેઓ વડોદરાના જુદા જુદા જવેલર્સમાં ધંધા અર્થે મળ્યાં હતા. ગત તા. 18 જુનના રોજ સવારે 11.30 વાગ્યાની આસપાસ વિપુલભાઈ તેમના સાથી અને કારનો ડ્રાઇવર છાણી જકાતા નાકા સ્થિત પાનના ગલ્લા પર પાન - ફાકી ખાવા ગયા હતા.

તેવામાં બાઇક પર આવેલા બે શખ્સોએ કારની ડ્રાઇવર સાઇડનો કાંચ તોડી ડીકીમાંથી બે થેલામાં ભરેલા રૂ. 2 કરોડ 35 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બાબતે પોલીસ કંટ્રોલ રૂમને આ ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી. જેથી ફતેગંજ પોલીસ અને ઉચ્ચઅધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે વિપુલ ધકાણની ફરીયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ચકચારી ઘટનાને પગલે વડોદરા શહેરની તમામ શાખાઓની ટીમ ચોર ટોળકીને શોધવામાં લાગી હતી. પરંતુ કોઇ સફળતા મળી ન હતી.

રાજ્યમાં બનતા ધાડ, લુંટ, ચોરી જેવા ગંભીર ગુનાઓ બનતા તેને ઉકેલી કાઢવાની ખાસ જવાબદારી ડીસીપી ક્રાઇમ પ્રેમવિર સિંગ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેના પરિણામે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.એન ચાવડા, સબ ઇન્સપેકટર એ.પી જેબલીયા અને સબ ઇન્સપેકટર એ.પી ગોહિલને બાતમી મળી હતી કે, આસ્ટોડીયા માંડવીની પોળના નાકે અમીત રાકેશ અભવેકર (છારા) સોનાના દાગીના લઇને ફરી રહ્યો છે. જેની તપાસ કરતા અમીત પાસેથી રૂ.26,01,300ની કિંમતના વિવિધ સોનાના દાગીના મળી આવ્યાં હતા.

તેની આંકરી પુછતાછ કરતા કબુલાત કરી હતી કે, અમે 6 લોકો મનોજ કનૈયાલાલ સિંધી, ઉતમ આત્મરામ છારા, વિશાલ વિક્રમ તમંચે, બોબી બળવંત રાઠોડ, સન્ની સુર્વે તમંચે સાથે મળી ગત તા. 18 જુનના રોજ મોનજ સિંધીની ઇનોવા કાર, એક્સીસ મોપેડ અને બાઇક લઇને વડોદરા છાણી જકાતાનાકા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં હોન્ડા અમેઝ કારનો ડ્રાઇવર સાઇડનો કાંચ તોડી ડેકીનુ બચન દબાવી, ડેકી ખોલી અંદર પડેલા સોનાના દાગીના ભરેલો થેલો ચોરી ફરાર થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, અમિત છારા સામે અગાઉ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનો તેમજ મુંબઇમાં ડેકી ચોરીના ગુનો નોંધાયેલા છે. તેમજ વર્ષ 2020માં તેને પાસા હેઠળ લાજપોર જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા અમિત છારાને વડોદરાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આ ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરાઈ છે.


Related News

Loading...
Advertisement