ઔરોવિલ: ભારતમાં જ ધબકતો એક અલાયદો દેશ!

13 July 2021 12:41 PM
India Top News Travel
  • ઔરોવિલ: ભારતમાં જ ધબકતો એક અલાયદો દેશ!
  • ઔરોવિલ: ભારતમાં જ ધબકતો એક અલાયદો દેશ!
  • ઔરોવિલ: ભારતમાં જ ધબકતો એક અલાયદો દેશ!

ગુજરાતના હેલ્થ સેક્રેટરી રહી ચૂકેલાં જયંતિ રવિએ પોતાના ટ્વિટર પર તમિલનાડુ સરકારના નિયંત્રણ હેઠળ આવતાં ઔરોવિલ ફાઉન્ડેશનના નવા સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળ્યો હોવાની જાહેરાત કરી. ઓરોવિલ એક એવું સ્થળ છે, જે ભારતનો હિસ્સો હોવા છતાં તેનાથી અલિપ્ત છે. અહીંના કાયદા, વેતન, ચલણી નાણું સહિતની દરેક બાબતોમાં વૈવિધ્ય જોવા મળે છે. અચાનક ઓરોવિલ પહોંચી ગયેલા પ્રવાસીને તો વિદેશમાં આવી ગયાની જ અનુભૂતિ થાય!

આજથી લગભગ 50 વર્ષ પહેલા સૂર્યના ધગધગતા તાપમાં તપતી સપાટી પર એક નવા યુગનો પ્રારંભ થયો. એક વિશાળ વટવૃક્ષ પર એક સૂચના ઠપકારવામાં આવી હતી. મદદની ગુહાર લગાવતી આ સૂચનાનો પ્રતિભાવ આપનારને ત્યારે વિશ્ર્વને નવી દિશા દેખાડતી જગ્યા મળી ગઈ. તે વટવૃક્ષ પાસે એક અનેરી દુનિયાનું બીજ રોપનારા હતા, શ્રી ઔરોબિન્દો આશ્રમથી આવતા મિરા આલ્ફાસા!

તાજેતરમાં જ ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિની બદલી થઈ. કદાચ આ વિશે લોકોની અટકળો એવી હશે કે તેઓને ગુજરાતથી છેક દૂર તમિલનાડુ મોકલવામાં આવ્યા. પરંતુ જો તેમની બદલીની જગ્યા વિશે જાણવામાં આવે તો તેઓ ભારતમાં જ એક એવી જગ્યાએ જવાના છે જે માયાવી ભૌતિક દુનિયાથી ઘણી આગળ છે! ના, તેઓ કોઈ આશ્રમમાં નથી જઈ રહ્યા.

મહર્ષિ ઔરોબિન્દોનું એવું સ્વપ્ન હતું કે તેઓ એવા દેશનું નિર્માણ કરે જે નાત-જાત, ધર્મ, રંગ, ગરીબ - શ્રીમંત વગેરે તત્વોથી પરે હોય. આ સ્વપ્ન તેમનાજ આશ્રમના માઁ તરીકે ઓળખાતા મિરા આલ્ફાસાએ પૂર્ણ કર્યું. હા, આપણાં જ દેશમાં એક એવું ગામ છે જ્યાં માયાવી દુનિયાના આડંબરો હટી ચૂક્યા છે.

ઔરોવિલ. ચેન્નઈથી લગભગ દોઢસો કિલોમીટર દૂર પોંડિચેરી નજીક આવેલ આ ગામ વિશ્ર્વભરને પાઠ ભણાવી જાય છે. સ્વપ્નની દુનિયામાં જ શક્ય થઈ શકે એવું ગામ આપણાં જ દેશમાં વાસ્તવમાં આવેલ છે. શું વિશ્ર્વમાં નાત - જાત, ધર્મ, ગરીબાઈ - શ્રીમતાઇ ના ફિલ્ટર્સ વિના જીવી શકાય? શું આ એકવીસમી સદીમાં નાણાં વગર વ્યવહાર શક્ય છે? આ બધા જ પ્રશ્ર્નોના ફક્ત જવાબ જ નહીં પરંતુ વાસ્તવિક ઉદાહરણ તમને ઔરોવિલ નામના ગામ પાસેથી મળી જશે.

ઔરોવિલ ગામના મૂળિયાં તો માર્ચ 1914માં જ નંખાઈ ગયા હતા. શ્રી ઔરોબિન્દોએ બ્રિટિશ સેનાનીઓથી બચવા ત્યારે ફ્રેંચ આધિપત્ય હેઠળ આવેલ પોંડિચેરીમાં આશ્રય લીધો હતો. આ જ સમયે તેઓને ઔરોવિલે જેવી એક રચનાનો વિચાર આવ્યો. 1950માં તેમના મૃત્યુ બાદ મીરા અલફાસોએ આ બીડું ઉઠાવ્યું. આશ્ર્ચર્ય અને ગર્વની વાત તો એ છે કે ઔરોવિલની સ્થાપના સમયે તેઓ 90 વર્ષના હતા!

28 ફેબ્રુઆરી, 1968 આ દિવસ ઇતિહાસ રચનારો હતો. આ દિવસે ઔરોવિલનું ઉદઘાટન થયું. 124 દેશોમાંથી આવતા લગભગ 5000 લોકોએ તે જ વટવૃક્ષ પાસે માઁ (મીરા અલફાસો) દ્વારા સ્થપાયેલ એક ઉજ્જવળ ભવિષ્યના સાક્ષી બન્યા. અહીં આ ગામ કોઈ વ્યક્તિગત માલિકીનું નહીં પરંતુ માનવતા જ આધિપત્ય હેઠળ છે તેની સાબિતી આપવા સહુએ વટવૃક્ષ પાસે રચાયેલ એમ્ફિથેટરની નજીક ત્યાંની જ માટીને સાક્ષી રાખીને સંકલ્પ કર્યો. આ વિશાળ વટવૃક્ષની છાંય હેઠળ જ ઔરોવિલની સ્થાપના થઈ.

સરકારો બદલતી ગઈ પરંતુ ઔરોવિલ ગામ ખીલતું જ રહ્યું. રચનાત્મકતા અને માનવતાના પાયા પર ઉભેલું આ ગામ ધીમે ધીમે વિસ્તર્યું. અહીં આસપાસના લોકોની મદદથી કેટલાય લઘુઉદ્યોગો શરૂ થયા. રોઝર એંગર દ્વારા ડિઝાઇન થયેલા આ ઔરોવિલ ગામના નામનો અર્થ થાય છે નવજીવનનું સિંચન. શ્રી ઔરોબિન્દોના સંઘર્ષ બાદ સફળ થયેલ આ ગામ તેમના જ નામ પરથી રખાયું છે. આ ગામ 50000 લોકોને સમાવી શકે એવું બનાવવાનો ધ્યેય હતો. આજે આ ગામમાં 50 વર્ષ બાદ 3500થી પણ વધુ લોકો કાયમી વસવાટ કરે છે. અહીં 20 કરતાં પણ વધુ દેશોથી આવેલ વિવિધતાસભર લોકો રહે છે. પરંતુ સમગ્ર લોકો દ્વારા જાતિ, ધર્મ, રાજકારણ કે ધન જેવા પરિબળોથી કોઈ ભેદભાવ નથી થતો. અહીં ફક્ત માનવતા અને અધ્યાત્મિકતાનો વાસ છે. અહીં 900 લોકોની ક્ષમતા ધરાવતી એસમ્બ્લી આવેલ છે જ્યાં દરેક બાબતો વિશે ચર્ચા- વિચારણા અને નિર્ણયો થાય છે.

સૂર્યોદયનું શહેર ગણાતા ઔરવિલમાં ક્યારેય સૂર્ય અસ્ત થતો નથી. આનું કારણ આ ગામની મધ્યમાં આવેલ એક ધાતુનો વિશાળ ક્રિસ્ટલબોલ છે. ક્રિસ્ટલબોલ પાસે એક સૌર ઉર્જા યંત્ર આવેલ છે. સૂર્યાસ્ત થતાં સૂર્યના કિરણોની જગ્યાએ આ સૌર યંત્રની કિરણો આ સમગ્ર ગામને પ્રકાશ અર્પિત કરે છે. આ સમગ્ર રચના એ જ જગ્યાએ બનાવાયેલ છે જ્યાં ઔરવિલની સ્થાપના સમયે વટવૃક્ષ આવેલ હતું. વાસ્તવમાં આ ક્રિસ્ટલબોલ જેવી રચના માતૃ - મંદિરની છે. આ દુનિયાનું પહેલું એવું મંદિર છે જ્યાં કોઈ પણ દેવી - દેવતાઓની પ્રતિમા નથી. અહીં કોઈ પણ દેવતાઓ કે ધર્મમાં માન્યતા રાખવામા આવી નથી. માતૃ મંદિરમાં ફક્ત અધ્યાત્મિકતાની ગંગા વહે છે. લોકો માતૃ મંદિરમાં ધ્યાન તથા યોગ દ્વારા આંતરિક શક્તિનો અનુભવ કરે છે. આ ક્રિસ્ટલબોલનો ચળકાટ આ શહેરમાં સૂર્ય અસ્ત થવા દેતો નથી.

ઔરોવિલ ગામમાં સમગ્ર વીજ ઉર્જા સોલર પેનલ દ્વારા ઉત્પન્ન કરાય છે. અહીં દરેક ખાદ્ય પદાર્થોથી માંડીને દરેક જીવન - જરૂરિયાતની વસ્તુઓ ગામની સરહદમાં જ બનાવાય છે. અહીં રહેતા લોકોનો જીવનનિર્વાહ આ જ વસ્તુઓની પેદાશ કરતાં લઘુઉદ્યોગો દ્વારા થાય છે. દરેક લોકોને એકસમાન પગાર મળે છે! કાગળ અને ધાતુના બનેલ નાણાંનું અહીં કઈ જ મૂલ્ય નથી. બધા જ નાગરિકોને એક ઔરોકાર્ડ અને નંબર અપાયો છે. આ કાર્ડ તેમના સેંટ્રલ અકાઉન્ટ સાથે લિન્ક કરેલ હોય છે. કોઈ પણ ખરીદ વેચાણ માટે ફક્ત ઔરકાર્ડ બતાવવાનું હોય છે. બહારની દુનિયામાં ચાલતી ચલણી નોટો નહીં ચાલે!

આ ગામમાં કળા એક નદીની માફક વહે છે. અહીં આવેલ મ્યુઝિક ગાર્ડનમાં અલગ અલગ પ્રાકૃતિક વસ્તુઓ વડે સંગીતના અલગ અલગ વાદ્યો આવેલ છે. અહીંની શાળામાં કોઈ જ અભ્યાસક્રમ નથી. બાળકો પોતાની રીતે વિષયો પસંદ કરીને પરંપરાગત શાળાઓથી અલગ એક અવલોકન પ્રેરિત શાળાઓમાં ભણે છે. આસપાસના ગામડાઓના લોકોને અહીં જ આજીવિકા રળવાના રસ્તાઓ મળી રહે છે. પ્રકૃતિના ખોળે પ્રાકૃતિક ખોરાક સાથે લોકો અહીં સાત્વિક જીવન જીવે છે.

વર્ષ 1973માં મીરા આલ્ફાસાના મૃત્યુ બાદ આ શહેરને ભારત સરકારે પોતાના સમર્થન હેઠળ લાવી દીધું. ઔરોવિલ એક્ટની પણ રચના થઈ. ત્યારથી આજ સુધી સરકારે આ ગામની પ્રાકૃતિક સુંદરતાને આછી થવા દીધી નથી. યૂનેસ્કોએ પણ આ ગામને ભરપૂર મદદ કરી છે. આ ગામને પ્રાયોગિક સમાજનું બિરુદ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. ખૂબ જ ટૂંક સમયમાં આ ગામના લોકો વિનામુલ્યે ઘર આપવાની યોજના ઘડી રહ્યા છે.


ફરી એક વખત એ જ પ્રશ્ર્નનો ઉલ્લેખ કરીએ કે શું એવો સમાજ શક્ય છે જ્યાં ફક્ત માનવતા વસતી હોય? શું મનુષ્યો પોતાના રંગ, જાતિ, ધર્મ, સામાજિક સ્તરથી ઉપર ઉઠીને એક પ્રાકૃતિક સમાજની રચના કરી શકે? શું દેશ - વિદેશની સીમાઓ તથા રાજકારણ તૂટીને એક આદર્શ સમાજની સ્થાપના થઈ શકે? જવાબ આપણી આજુ - બાજુ શોધવા જશું તો ક્ષિતિજ સુધી ફેલાયેલ ફિલ્ટરો નડશે. આ પ્રશ્ર્નોનો જવાબ આબેહૂબ નિહાળવા તામિલનાડુમાં આવેલ આ સ્વપ્નનગરીની મુલાકાત લેવી જરૂરી છે.


સરકારો બદલતી ગઈ, પરંતુ ઔરોવિલ ગામ ખીલતું જ રહ્યું. રચનાત્મકતા અને માનવતાના પાયા પર ઉભેલું આ ગામ ધીમે ધીમે વિસ્તર્યું. અહીં આસપાસના લોકોની મદદથી કેટલાય લઘુઉદ્યોગો શરૂ થયા. રોઝર એંગર દ્વારા ડિઝાઇન થયેલા આ ઔરોવિલ ગામના નામનો અર્થ થાય છે, નવજીવનનું સિંચન. શ્રી ઔરોબિન્દોના સંઘર્ષ બાદ સફળ થયેલ આ ગામ તેમના જ નામ પરથી રખાયું છે. આ ગામ 50000 લોકોને સમાવી શકે એવું બનાવવાનો ધ્યેય હતો. આજે 50 વર્ષ બાદ ત્યાં 3500થી પણ વધુ લોકો કાયમી વસવાટ કરે છે.


Related News

Loading...
Advertisement