ટોક્યોમાં કોરોના કોહરામ: ‘ઓલિમ્પિક વિલેજ’માંથી મળ્યો પહેલો કેસ

17 July 2021 12:45 PM
India Sports World
  • ટોક્યોમાં કોરોના કોહરામ: ‘ઓલિમ્પિક વિલેજ’માંથી મળ્યો પહેલો કેસ

આયોજકોમાં દોડધામ: ઓલિમ્પિક શરૂ થવાને એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય બાકી છે જ ત્યારે કોરોનાએ દેખા દેતાં ચિંતા: અધિકારીને ક્વોરેન્ટાઈન કરી દેવાયા

નવીદિલ્હી, તા.17
ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં કોરોના વાયરસનો પહેલો કેસ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23 જૂલાઈથી થવાની છે. ઓલિમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરી દીધા છે. બે દિવસ પહેલાં જાપાનનો એક ખેલાડી અને પાંચ કર્મચારી કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. બીજી બાજુ બ્રાઝીલની જુડો ટીમ જેમ હોટેલમાં રોકાઈ છે તેના આઠ કર્મચારી સંક્રમિત થઈ ગયા છે. ટોક્યોમાં છેલ્લા એક મહિનાથી કોરોના કેસ સતત વધી રહ્યા છે. 15 જૂલાઈએ ટોક્યોમાં કોરોનાના 1308 કેસ મળી આવ્યા હતા.

થોડા દિવસ પહેલાં જ કોરોનાના વધી રહેલા કેસને કારણે જાપાનની રાજધાની ટોક્યોમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી હતી. છ સપ્તાહની આ કટોકટી 22 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. મહામારી શરૂ થયા બાદ આવું ચોથી વખત છે જ્યારે ટોક્યોમાં કટોકટી લાગુ કરવામાં આવી છે. કટોકટી દરમિયાન પાર્ક, ઝૂ, થિયેટર અને મોટાભાગની દુકાનો અને રેસ્ટોરન્ટને રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

13 જૂલાઈએ ઓલિમ્પિક ગામ ખોલવામાં આવ્યું હતું. આ ગામમાં ખેલાડીઓનો દરરોજ ટેસ્ટ થઈ રહ્યો છે. ખેલાડીઓએ કોવિડ-19ના બે ટેસ્ટીંગ રિપોર્ટ સાથે જાપાન પહોંચ્યા બાદ તેનું વધુ એક ટેસ્ટીંગ કરાશે.

ખેલાડી માટે ખેલગામમાં માસ્ક પહેરવું ફરજિયાત હશે પછી ભલે તેણે વેક્સિન લઈ લીધો હોય. તેણે રૂમમાં સંકેતો સાથે સોશ્યલ ડિસ્ટન્સ, હાથ ધોવા જેવી વસ્તુ અંગે સતત યાદી આપવામાં આવશે. ઓલિમ્પિક માટે લગભગ 11,000 અને 24 ઓગસ્ટથી શરૂ થનારા પેરલિમ્પિક માટે અંદાજે 4400 એથ્લીટોના આવવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે ઓલિમ્પિકમાં આવનારા લગભગ 80%થી વધુ લોકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ચૂક્યા હશે.


Related News

Loading...
Advertisement
Advertisement