સાત મહિનાથી પગાર નથી મળ્યો, કોઈ પણ કોન્ટ્રાક્ટ સાઈન કરશું; બસ, પૈસા આપો !

20 July 2021 11:43 AM
Sports
  • સાત મહિનાથી પગાર નથી મળ્યો, કોઈ પણ કોન્ટ્રાક્ટ સાઈન કરશું; બસ, પૈસા આપો !

શ્રીલંકાના ક્રિકેટરોએ બોર્ડને પત્ર લખીને કરી કાકલૂદી: કોન્ટ્રાક્ટ વિવાદ પૂર્ણ કરવા ખેલાડીઓ તૈયાર

નવીદિલ્હી, તા.20
શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (એસએલસી) અને ખેલાડીઓ વચ્ચે મહિનાથી ચાલ્યો આવતો કોન્ટ્રાક્ટ વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. આ કારણથી એન્જલો મેથ્યુઝ જેવા શ્રીલંકાના દિગ્ગજ ઓલરાઉન્ડરે નિવૃત્તિ લેવી પડી છે તો દિમુથ કરુણારત્ને અને કુશલ પરેરા જેવા ખેલાડીઓએ પણ કોન્ટ્રાક્ટ સાઈન કરવાની ના પાડી દીધી હતી. હવે આ વિવાદ યુવા ખેલાડીઓને પણ પરેશાનીમાં મુકી રહ્યો છે.

આ મુદ્દાને લઈને શ્રીલંકન ખેલાડીઓએ બોર્ડને ચિઠ્ઠી લખી છે. તેમણે કહ્યું કે અમને આ વર્ષે જાન્યુઆરીથી પગાર મળ્યો નથી. પ્લીઝ પગાર આપી દો અને અમે કોઈ પણ કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટે તૈયાર છીએ. અત્યારે તમામ શ્રીલંકન ખેલાડી ટુર ટુ ટુર કોન્ટ્રાક્ટ પર રમી રહ્યા છે જેમાં શ્રેણી માટે ટીમમાં પસંદ થવા પર જ ખેલાડીઓને પગાર આપવામાં આવી રહ્યો છે.

ટુર ટુ ટુર કોન્ટ્રાક્ટમાં શ્રેણી માટે ટીમમાં પસંદ નહીં થવા પર પગાર મળી રહ્યો નથી. ઈંગ્લેન્ડ અને હવે ભારત માટે શ્રેણીમાં પણ આ જ આધારે શ્રીલંકન ટીમ પસંદ કરવામાં આવી છે. કેપ્ટન દાસુન શનાકા સહિત ટીમમાં પસંદગી પામેલા ખેલાડીઓને માત્ર શ્રેણીનો જ પગાર મળશે. કોન્ટ્રાક્ટ વિવાદની આ અસર શ્રીલંકન ટીમના પ્રદર્શન ઉપર પણ પડી રહી છે. શ્રીલંકા ટીમને બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે શ્રેણી અને ઈંગ્લેન્ડવિરુદ્ધ વન-ડે તેમજ ટી-20 શ્રેણીમાં હાર મળી હતી. આ સાથે જ ભારત વિરુદ્ધ પહેલો વન-ડે હારી ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement