વિશ્વસ્તરે ક્રૂડ, ચાંદી-મેટલ તથા શેરબજાર કડડભુસ

20 July 2021 04:06 PM
Business India
  • વિશ્વસ્તરે ક્રૂડ, ચાંદી-મેટલ તથા શેરબજાર કડડભુસ

* સેન્સેકસમાં સતત બીજા દિવસે ગાબડુ * ચાંદીનો ભાવ રૂા.1100 તૂટયો * ક્રુડતેલ 70 ડોલરની નીચે સરકયુ

રાજકોટ તા.20
કોરોનાની પ્રચંડ લહેર વખતે પણ અડીખમ રહેલા નાણાંબજારો વિશ્વ સ્તરે એકાએક કડડભુસ થઈ જતા ઈન્વેસ્ટરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ગાબડુ પડયુ હતું. ચાંદી તથા મેટલ પણ પટકાયા હતા. તેવી જ રીતે ક્રુડતેલ પણ પાછુ પડયુ હતું. વિશ્વબજારમાં વિવિધ કોમોડીટી તથા નાણાં બજારોમાં ગઈરાત્રે મોટી ઉથલપાથલ સર્જાઈ હતી.

અમેરિકી શેરબજારમાં ડાઉજોન્સ તથા નાસ્ડેકમાં તીવ્ર કડાકો સર્જાયો હતો. તેની અસરે આજે વિશ્વભરનાં શેરબજારો ઘસી પડયા હતા. જાપાન, હોંગકોંગ, સિંગાપોર, મલેશીયા વગેરે પટકાયા હતા. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે બ્રિટન સહીત કેટલાંક દેશોમાં કોરોના કેસોમાં ચિંતાજનક વૃધ્ધિ તથા અમેરીકી બોન્ડ માર્કેટનાં ઘટનાક્રમે અસર સર્જી હતી. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી કેટલાંક દિવસોથી રેકોર્ડબ્રેક તેજીને કારણે ‘ઓવર બોટ’ હાલત હતી એટલે ગભરાટ વચ્ચે નફારૂપી વેચવાલીથી ઘટાડો તિવ્ર બન્યો હતો.

શેરબજારમાં હિન્દ લીવર, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, બજાજ ઓટો, ઈન્ફોસીસ, એસીસી, ઉંચકાયા હતા. ગઈકાલે લીસ્ટેડ થયેલા કલીન સાયન્સમાં વધુ ઉછાળો હતો.હિન્દાલકો, ઈન્ડુસઈન્ડ બેંક, ટીસ્કો, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, એચસીએલ ટેક ગગડયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 250 પોઈન્ટના ગાબડાથી 52303 હતો. તે ઉંચામાં 52465 તથા નીચામાં 52013 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 90 પોઈન્ટ ગગડીને 15661 હતો તે ઉંચામાં 15728 તથા નીચામાં 15578 હતો.

બીજી તરફ સોના-ચાંદીમાં પણ ઘટાડાનો દોર હતો. ખાસ કરીને ચાંદીમાં 1100 નો ઘટાડો હતો. રાજકોટમાં હાજર ભાવ 70,000 ની નીચે ઉતરીને 69250 હતો. કોમોડીટી એકસચેંજમાં 67000 હતો. હાજર સોનું 49800 હતું. કોમોડીટી એકસચેંજમાં 48000 હતું અન્ય મેટલમાં પણ ગાબડા હતા. બીજી તરફ ઉત્પાદન વધારાની મડાગાંઠ ઉકેલાવાને પગલે ક્રુડ તેલમાં પણ કડાકો સર્જાયો હતો. વિશ્વ બજારમાં ભાવ 70 ડોલરની નીચે ઉતરી ગયો હતો.

ક્રુડમાં 6 ટકાનો કડાકો છતાં પેટ્રોલ-ડિઝલમાં કોઈ રાહત નહીં: ભાવ યથાવત
રાજકોટ તા.20
ભારતમાં છેલ્લા અઢી મહીનાથી સળંગ અને બેફામ ભાવવધારા પછી પણ હજુ પેટ્રોલ-ડીઝલની ઉંચી વિમાનોમાંથી કોઈ રાહત નથી. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવમાં ગાબડુ પડવા છતાં ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત હતા તેમાં કોઈ વધારો ન થયો તેટલી રાહત હતી. વિશ્વબજારમાં ક્રુડતેલમાં મોટો કડાકો સર્જાયો હતો. 70 ડોલરની નીચે સરકી ગયું હતું. આજે પણ ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ હતો.

સવારે 66.73 ડોલર હતું. બ્રેન્ટ ક્રુડ 68.90 ડોલર હતું. કોમોડીટી એકસચેંજમાં રાત્રે ક્રુડ વાયદો 9 ટકા ગગડયો હતો. ક્રુડતેલમાં ઘટાડા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત હતા. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 98.37 તથા ડીઝલનો ભાવ 96.55 ડોલર હતો. ઓપેક રાષ્ટ્રોનો ઉત્પાદન વધારાનો વિવાદ ખત્મ થઈ ગયો છે. એટલે ક્રુડમાં ભાવઘટાડો અપેક્ષિત હતો. ભારતમાં પણ મોંઘા પેટ્રોલ-ડીઝલમાં રાહત મળવાનો આશાવાદ છે પરંતુ કયારે મળે છે તેના પર મીટ છે.


Related News

Loading...
Advertisement